શ્રદ્ધા – યાત્રા

પુરીના જગન્નાથ મંદિરમાં ભગવાન કૃષ્ણ બિરાજમાન છે. જેમને ભગવાન જગન્નાથના રૂપે અહીં પૂજવામાં આવે છે. જગન્નાથનું મંદિર ઓરિસાના પુરી શહેરમાં આવેલું દ્વારિકાધીશનું મંદિર છે. જગન્નાથનો મતલબ જગતના નાથ, જગતના તાત અને જગતના સ્વામી એવો થાય છે. આપણે ભગવાન શ્રીકૃષ્ણને જગતના નાથ તરીકે હંમેશાં પૂજીએ છીએ અને પુરીના જગન્નાથ મંદિરમાં પણ એટલે જ ભગવાન કૃષ્ણ જગન્નાથ સ્વરૂપે પૂજાય છે. ભારતીય સંસ્કૃતિમાં ચારધામનું ખૂબ મહત્ત્વ છે. ભારતીય લોકો પોતાના સમગ્ર જીવનમાં કમ સે કમ એકવાર તો ચારધામના દર્શન કરવાની મનોકામના રાખતા જ હોય છે. એ વાત અલગ છે કે જો ચારધામની યાત્રા ન થાય તો એક ધામની યાત્રા પણ કરી શકાય છે. જગન્નાથ મંદિર ચારધામનું જ એક ધામ છે. જેના દર્શન દરેક ભારતીય એકવાર અચૂક કરે છે. જગન્નાથનું મંદિર વૈષ્ણવ સંપ્રદાયનું મંદિર ગણવામાં આવે છે, જે મૂળ ભગવાન વિષ્ણુના જ અવતાર શ્રી કૃષ્ણને સમર્પિત છે. ભગવાન જગન્નાથના મંદિરમાં દર વર્ષે રથયાત્રાનું આયોજન થાય છે. આ રથયાત્રાનું આખા ભારતમાં આગવંુ મહત્ત્વ છે. રથયાત્રાને દિવસે પુરી સહિત ભારતના બીજા શહેરોમાં પણ રથયાત્રા નીકળે છે. રથયાત્રામાં નગરચર્યા માટે જગન્નાથ મંદિરમાં બિરાજમાન ભગવાન શ્રીકૃષ્ણ, તેમના ભાઇ બલભદ્ર અને બહેન સુભદ્રા એમ ત્રણેય અલગ-અલગ રથમાં બિરાજીને નીકળે છે. અને નગરવાસીઓ તેમના રથને હરખભેર આખા ગામમાં દોરી જાય છે. રથયાત્રાનો ઉત્સવ મધ્યકાળથી ઊજવવામાં આવે છે.

હાલ પૂરીમાં સ્થિત જગન્નાથ મંદિર કે જે હાલના સમયે બંધાયેલું છે તેનું નિર્માણકાર્ય કલિંગ રાજા અનંતવર્મન ચોડગંગ દેવે તેમના રાજ્ય દરમિયાન કરાવડાવ્યું હતું.

મંદિર સાથે જોડાયેલી પૌરાણિક કથા  

આ મંદિરને પૌરાણિક કથા પ્રમાણે ભગવાન જગન્નાથની નીલમણીથી બનેલી મૂર્તિ એક અગરુના ઝાડ નીચેથી મળી હતી. આ મૂર્તિ જ્યારે મળી ત્યારે એટલી ઝગારા મારતી હતી કે તેને જમીન નીચે દાટી દેવામાં આવી. આ મૂર્તિનું સ્વપ્ન માલવા નરેશ ઇન્દ્રદ્યુમનને આવ્યું હતું. અને તેમણે સ્વપ્ન આવતાં જ ભગવાન વિષ્ણુની આકરી તપસ્યા કરવાનું શરૂ કરી દીધંુ. આકરી તપસ્યા કરતાં ભગવાન વિષ્ણુ સાક્ષાત પ્રગટ થયા અને ઇન્દ્રદ્યુમનને જણાવ્યું કે તમે દક્ષિણના સમુદ્ર તટ ઉપર પુરી પહોંચો. આ સમુદ્ર તટ ઉપર તને એક લાકડું મળશે. તે લાકડામાંથી જ તું મૂર્તિનું નિર્માણ કરાવડાવજે. રાજા સમુદ્ર તટ ઉપર ગયા અને તેમને ત્યાં લાકડું મળ્યું. ત્યારબાદ રાજાની સામે ભગવાન વિષ્ણુ અને વિશ્વકર્મા મૂર્તિ ઘડનાર બનીને આવ્યા. રાજાએ તેમની સમક્ષ મૂર્તિ બનાવડાવવા આજીજી કરી. તેમણે હા પાડી પણ જ્યાં સુધી મૂર્તિ બને નહીં ત્યાં સુધી એક રૂમમાં બંધ રહેવા કહ્યું. જો ભૂલેચૂકેય રાજા આ મહિના દરમિયાનમાં રૂમ ખોલી નાખે તો કામ જેટલું થયંુ હશે તેટલું છોડીને જ કારીગર જતા રહેશે. રાજાએ આ શરત સ્વીકારી અને વિશ્વકર્મા મૂર્તિ કરવા બેઠા. એક મહિનો સમય હજી પુરો થયો નહોતો એવામાં એક દિવસે રાજાએ ઉત્સુકતાવશ વહેલું બારણું ખોલી નાખ્યું. તે સમયે મૂર્તિના હાથ હજી બનવાના બાકી હતા. રાજા હતાશ થઇ ગયા. પણ ભગવાન વિશ્વકર્માએ કહ્યું કે આ તો ભગવાનની જ મરજી છે. માટે મૂર્તિ આ જ રીતે તમે મંદિરમાં સ્થાપો અને તેની પૂજા પણ આ જ રીતે થશે.

આ મંદિર ભારતના ભવ્ય સ્મારકોમાંનું એક છે. મંદિરનું બાંધકામ વિશાળ જગ્યામાં થયેલું છે. તેમાં કરેલી ઝીણી ઝીણી કોતરણી ભક્તોનું મન મોહી લે છે. આપણા શાસ્ત્રોમાં આલેખવામાં આવ્યું છે કે મંદિરની સ્થાપના થઇ તેના વર્ષો પહેલાં મૂર્તિ બની ગઇ હતી. મંદિરમાં મૂર્તિને ગર્ભગૃહમાં રાખવામાં આવી છે. મંદિરની ટોચ ઉપર વિષ્ણુ ભગવાનનું સુદર્શનચક્ર મૂકવામાં આવ્યું છે. આને નીલચક્ર પણ કહેવામાં આવે છે. આ સુદર્શનચક્ર આઠ ધાતુનું બનેલું છે. અષ્ટધાતુ સુદર્શન ચક્રને ખૂબ જ પાવન માનવામાં આવે છે.

જગન્નાથ મંદિરમાં આમ તો લગભગ દરેક તહેવારની ધામધૂમથી ઊજવણી કરવામાં આવે છે, તેમ છતાં અહીં એક પર્વનું વિશેષ મહત્ત્વ રહ્યું છે. તે છે રથયાત્રા. આ દિવસે ભગવાન જગન્નાથ તેમના ભાઇ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે ખૂબ સજીધજીને નગરચર્યા માટે નીકળે છે. અને લોકો ઉપર પોતાના આશિષ વરસાવે છે. રથયાત્રા સમયે પૂરીમાં દર વર્ષે ખૂબ ભીડ ઉમટી પડે છે.

રથયાત્રા સિવાયના દિવસોમાં આ મંદિર સવારે પાંચ વાગ્યાથી લઇને સાંજે આઠ વાગ્યા સુધી ખુલ્લું રહે છે. આમ તો મંદિર ૨૪ કલાક ખુલ્લું જ હોય છે. પણ દર્શન માત્રા પાંચથી આઠ સુધી જ કરવા મળે છે. બાકીના સમયમાં કમાડ બંધ હોય છે.

કઇ રીતે જશો  

આ મંદિર ઓરિસાના પૂરી શહેરમાં સ્થિત છે. જો તમે ટ્રેઇનથી જવા માંગતા હોવ તો ઓરિસા સુધીની ટ્રેનમાં પહોંચી શકાશે. ઓરિસા ઉતરીને ત્યાંથી આગળની મુસાફરી બીજી ટ્રેનમાં કરી શકાય છે. ઓરિસાથી પૂરી સુધી પ્રાઇવેટ વાહનમાં, કે બસમાં પણ જઇ શકો છો. તમે કોઇપણ તકલીફ વગર પૂરી પહોંચી જશો.

shraddha@sandesh.com

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post જગતનો નાથ જ્યાં બિરાજમાન છેઃ જગન્નાથ મંદિર   appeared first on Sandesh.



from Shraddha – Sandesh http://sandesh.com/world-of-the-place/
via Best Gujarati News

0 Comments