ચૈત્ર માસના કૃષ્ણપક્ષમાં પૂર્વજોનો શ્રાદ્ધ-ઉત્સવ
પ્રાસંગિક
મનુષ્ય જન્મમાં આત્માથી લઈને પરમાત્મા સુધી પહોંચવાની સફરમાં ૮૪ લાખ યોનિ ફેરા બાદ મળતા મહામૂલ્ય શરીરને અંતમાં યોગ્ય ગતિ પ્રાપ્ત થઈ શાતા પામે તે માટે મરણોત્તર પૂજા-વિધિ-વિધાન કરવામાં આવે છે. જેમાં આપણને મળેલા મનુષ્ય જન્મનો ઋણ સ્વીકાર ચૂક્વીએ છીએ.
જે પ્રમાણે આપણે નિમ્ન પરિસ્થિતિમાંથી ઉચ્ચકક્ષામાં પહોંચવા માંગીએ છીએ, તેવી જ રીતે આપણે પોતાનાં પૂર્વજોની આત્માની શાંતિ માટે નિર્ધારિત વિધિ-વિધાનોને સંપૂર્ણ કરી, તર્પણ દાન કરી તેમને પણ નિમ્ન કોટિમાંથી યોનિઓમાંથી કાઢીને પિતૃવર્ગમાં લઈ જઈએ, જ્યાં તે ઉચ્ચતા અને શ્રેષ્ઠતાપૂર્વક બિરાજમાન થઈ પોતે પણ સંતૃષ્ટ થાય અને આપણા માટે પણ સહાયકરૂપ બને, જેથી તેમના આશીર્વાદ અને કૃપા પ્રાપ્ત થાય. માટે દરેક મનુષ્યે પિતૃની સંતુષ્ટિ અને પોતાનાં હિત માટે શ્રાદ્ધ અવશ્ય કરવું જોઈએ.
ગરૂડ પુરાણમાં કહ્યું છે કે, શ્રાદ્ધ કર્મથી સંતુષ્ટ થયેલા પિતૃઓ મનુષ્યો, વંશજોને આયુષ્ય, પુત્ર, યશ, કીર્તિ, સ્વર્ગ, પુષ્ટિ, બલ, વૈભવ, પશુ, સુખ, ધન તેમજ ધાન્ય આપે છે. આપણી ભારતીય સંસ્કૃતિમાં અતૂટ વિશ્વાસ છે કે, મૃત્યુ બાદ જીવન સમાપ્ત થતું નથી, પરંતુ એક કડી છે. જેના દ્વારા ગયેલો આત્મા આવતા જન્મમાં એ સુસંસ્કારવાન તથા જ્ઞાનવાન થાય. આ નિમિત્તે જે કર્મકાંડ કરવામાં આવે છે, તેનો લાભ જીવાત્માને શ્રદ્ધાથી કરેલા ક્રિયાકર્મોનાં માધ્યમથી ઉપલબ્ધ થાય છે, જે મરણોત્તર સંસ્કાર, શ્રાદ્ધ કર્મ તરીકે ઓળખાય છે.
શ્રાદ્ધ પૂર્વજોનાં જ નહીં પરંતુ, શિષ્ય-ગુરુ, મિત્ર અથવા પરિચિતનો પણ કરી શકાય છે. આપણી સંસ્કૃતિમાં શ્રાદ્ધ ન કરવાને ખરાબ માનવામાં આવ્યું છે, આવા વ્યક્તિ માટે ‘પૃથ્વી ચંદ્રોદય’માં મનુનું કથન છે કે,
ન તંત્ર વીર જાયન્તે નિરોગો ન શતાયુષઃ ।
ન ચ શ્રેયાધિ ગચ્છન્તિ યત્ર શ્રાદ્ધ વિવાર્જિતમ્ ।।
અર્થાત્ જ્યાં પરિવારોમાં શ્રાદ્ધ નથી થતું, ત્યાં ન તો વીરપુરુષ જન્મ લે છે, ન તે નિરોગી હોય છે. ન શતાયુ થાય છે. કલ્યાણ પ્રાપ્તિ પણ નથી કરી શકતા માટે શ્રાદ્ધ પિતૃઓ પ્રતિ સાચી શ્રદ્ધાંજલિ આપવાનું પર્વ ઉત્સવ છે.
ચૈત્રી વદ ૧૫ દિવસમાં પિતૃદોષ, ગ્રહોથી બનતા પિતૃદોષ કુળ પરંપરાથી જૂના પિતૃદોષમાંથી ઋણ મુક્તિ માટેના નીચેના ઉપાયો કરવાથી રાહત મળે છે.
- પિતૃની પ્રસન્નતા માટે તથા પિતૃદોષ નિવારણ માટે કાચું દૂધ અને થોડાંક કાળાતલ નિયમિત શનિવારના દિવસે સૂર્યોદય થતાં પહેલાં પીપળાને પાણી સાથે ચઢાવવા.
- સોમવારનાં દિવસે આકડાનાં ૨૧ પુષ્પોથી શિવજીની પૂજા કરવાથી પિતૃદોષનું શમન થાય છે.
- અમાસના દિવસે ઘરમાં જે ભોજન બને તેનો ભોગ પિતૃઓને લગાવી તથા પિતૃઓનાં નામથી કોઈ બ્રાહ્મણને ભોજન કરાવી દક્ષિણા તેમજ ફળનું દાન કરવાથી પિતૃદોષનું શમન થાય છે.
- ઘરમાં જે નાનાં છોકરાં પિતૃ થયા હોય તો એકાદશી અને અમાવસ્યાના દિવસે બાળકોને દૂધ પિવડાવવું તથા માવાની બરફી ખવડાવવી.
- પિતૃઋણ છે તે કેવી રીતે જાણશો? લક્ષણ જણાવું તો આ ઋણ દોષના કારણે સમય પહેલાં વાળ સફેદ થઈ જાય છે, સુખ-સમૃદ્ધિ ધીમેધીમે સમાપ્ત થતી જાય છે. કોઈપણ કામમાં કારણ વગરની અડચણ આવે કે મોડું થાય તો જાતકે પિતૃઋણ દોષ છે તેમ જાણવું.
ઉપાય
આવા જાતકે દરરોજ સૂર્યને નમસ્કાર કરવા. સમયાંતરે યજ્ઞા કરવા. કોઈપણ કાર્ય શરૂ કરતાં પહેલાં મોઢું મીઠું કરવું અને ઠંડું પાણી પીવું. લાભ થશે.
- માતૃઋણ દોષ લક્ષણોમાં ઘરની સંપત્તિ નષ્ટ થવી. પશુનું મૃત્યુ, વિદ્યામાં બાધા તથા ઘરમાં રોગ થવા. આવી વ્યક્તિની જે સહાયતા કરે છે તે પણ તકલીફમાં આવે છે. દરેક કાર્યમાં અસફળતા મળે છે.
ઉપાય
આવા જાતકો ચાંદી લઈને વહેતા પાણીમાં વહાવે તો આ ઋણમાંથી મુક્તિ મળે છે. માતા-પિતાનાં દરરોજ ચરણ સ્પર્શ કરવાથી સમસ્ત દોષ તેમજ ઋણ સમાપ્ત થઈ જાય છે.
- ગુરુઋણ લક્ષણોમાં જાતકે વૃદ્ધાવસ્થામાં ખૂબ કષ્ટ ભોગવવા પડે છે. તેની જીવનભરની સંચિત મૂડી નાશ પામે છે.
ઉપાય
પરિવારના દરેક સદસ્યો પાસેથી ધન ભેગું કરી મંદિરમાં દાન કરવું જોઈએ. ઘરની નજીક રહેલા પીપળાની શ્રદ્ધાપૂર્વક દેખભાળ કરવી જોઈએ.
ઘણા લોકોને થશે કે, આ પિતૃદોષ છે તે કેવી રીતે જાણવો? તો નીચેનાં લક્ષણો દ્વારા આપના ઘરમાં કે આજુબાજુમાં થતી પરેશાની દ્વારા પિતૃદોષ છે તે જાણવું-
(૧) સંતાન ન થવા (૨) વંશ ન ચાલવો (૩) ધનની નિરંતર હાનિ થવી. (૪) ઘરમાં ઝઘડાવાળું વાતાવરણ રહેવું. (૫) માનસિક અશાંતિ બની રહેવી. (૬) ભૂત-પ્રેત ઉપરી બાધાઓનો આભાસ રહેવો. (૭) દરિદ્રતા ઘરમાં બની રહેવી. (૮) કોર્ટ-કેસમાં જ પડયા રહેવું. રસ્તો ન નીકળવો. (૯) ઘરમાં હંમેશાં કોઈ વ્યક્તિનું બીમાર રહેવું. ધન દવાખાના કે ઔરોગમાં જ વપરાવું. પ્રગતિ ન થવી. (૧૦) કન્યાનાં વિવાહ-લગ્ન ન થવા.
ઉપરની ૧૦ પરેશાનીઓમાંથી કોઈ ને કોઈ જીવનમાં હોય તો પિતૃદોષ જાણવો. માટે ચૈત્ર, ભાદ્રપદ, કારતક, મહા, જેઠ તેમજ દરેક મહિનાની ત્રયોદશી, ચતુર્દશી, અમાસના દિવસે પિતૃ તર્પણ ધન શ્રાદ્ધ કરી પિતૃશાંતિ મેળવી શકાય છે. અત્યારે ચાલતા ચૈત્ર માસમાં પિતૃઓને તૃપ્ત કરી જીવનમાં આવતી મુશ્કેલીઓ દૂર કરી મુક્તિ મેળવી પિતૃકૃપા પ્રાપ્ત કરો તેવી શુભેચ્છા સહ…
- ડો.મૌલી રાવલ
shradhdha@sandesh.com
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post ચૈત્ર માસના કૃષ્ણપક્ષમાં પૂર્વજોનો શ્રાદ્ધ-ઉત્સવ appeared first on Sandesh.
from Shraddha – Sandesh http://sandesh.com/in-chaitra-masana-krishna-shakha/
via Best Gujarati News
0 Comments