શ્રીલંકામાં ઇસ્ટર સન્ડેના રોજ થયેલા બોમ્બ બ્લાસ્ટમાં ૨૫૩થી વધારે નાગરિકોનાં મૃત્યુ થયાં છે અને એમાં ૭ ભારતીયો સહિત ૧૦૦થી વધારે વિદેશી છે. ન્યૂઝીલેન્ડના ક્રાઇસ્ટચર્ચની મસ્જિદમાં થયેલા હુમલાનો બદલો લેવા માટે શ્રીલંકાના ચર્ચમાં હુમલા કરાવ્યા હોવાની જવાબદારી ઇસ્લામિક સ્ટેટ નામના આતંકવાદી સંગઠને લીધી છે અને આ કામમાં તેને નેશનલ તૌહિત જમાતનો સાથ હતો. શ્રીલંકાની સરકારે પણ કહ્યું છે કે આ બોમ્બ બ્લાસ્ટ પાછળ કટ્ટરવાદી સંગઠન નેશનલ તૌહિત જમાત છે. તેને ઇસ્લામિક સ્ટેટની બહારથી મદદ મળી છે. આવામાં અનુમાન લગાવી શકાય છે કે આ બે આતંકવાદી સંગઠનોએ મળીને ૨૫૩થી વધારે લોકોનાં જીવ લીધા છે. આત્મઘાતી હુમલા કરનારા યુવાનો શ્રીલંકાના જ હતા. શ્રીલંકાની પોલીસે ૧૦૦થી વધારે આરોપીઓની ધરપકડ કરી છે જેમાં એક સીરિયન નાગરિક પણ સામેલ છે.

શ્રીલંકન મુસ્લિમ કોંગ્રેસ પાર્ટી

શ્રીલંકામાં મુસ્લિમોએ શ્રીલંકન મુસ્લિમ કોંગ્રેસ પાર્ટીની સ્થાપના કરી અને તેમણે મુસ્લિમો માટે અલગ રાજ્યની માગણી કરી. જોકે બીજા તમિળ લોકોએ આનું સમર્થન કર્યું નહીં. જોકે આના કારણે એલટીટીઈએ ૯૦ના દશકની શરૂઆતમાં જ કટ્ટનકુડીની બે મસ્જિદો પર હુમલો કરીને સેંકડો લોકોને મારી નાખ્યા. જોકે એ પછી ત્યાં નવી મસ્જિદો બની ગઈ. એવું કહેવાય છે કે આ માટે નાણાં સાઉદી અરબથી આવ્યાં હતાં. એની સાથે પૂર્વી શ્રીલંકામાં મુસ્લિમોની બોલીમાં પણ અરબી ભાષાના શબ્દો આવવા લાગ્યા. એ પછી આ વિસ્તારમાં વહાબી સંપ્રદાયની અસર વધવા માંડી હતી. ૨૦૦૯માં એલટીટીઈના ખાત્મા બાદ બૌદ્ધ કટ્ટરપંથીઓએ તમિળો પર વર્ચસ્વ વધારવાની કોશિશ કરી હતી. આ કોશિશના કારણે બૌદ્ધ અને મુસ્લિમો વચ્ચે ટક્કરની શરૂઆત થઈ. ૨૦૧૩ બાદ શ્રીલંકામાં દર વર્ષે મુસ્લિમ વિરોધી ઘટનાઓ વધવા લાગી. ગયા વર્ષે માર્ચ મહિનામાં સોશિયલ મીડિયામાં અફવાઓ બાદ પણ બૌદ્ધ અને મુસ્લિમો વચ્ચે ટકરાવ થયો. આના પગલે એલટીટીઈના ખાત્મા બાદ પહેલીવાર ઇમર્જન્સી લગાવવી પડી.

ક્યારે નામ આવ્યું બહાર? 

૨૦૧૭માં પહેલીવાર નેશનલ તૌહિત જમાતનું નામ સામે આવ્યું હતું. ૨૦૧૫ની ચૂંટણીમાં મહિંદા રાજપક્ષેના પરાજય બાદ સુસ્ત પડેલા બૌદ્ધ કટ્ટરપંથી સંગઠન બોદુ બાલા સેનાએ ફરી તેનું મુસ્લિમ વિરોધી અભિયાન શરૂ કર્યું હતું. એવા સમયે શ્રીલંકા તૌહિત જમાતથી નેશનલ તૌહિત જમાત અલગ થયું અને આ કટ્ટરવાદી સંગઠન હતું. ૨૦૧૮માં ૨૬ ડિસેમ્બરે કેગાલે જિલ્લાના મવાનેલા ગામમાં હથોડા અને બીજા હથિયારો લઈને આવેલા બાઇકસવારોએ ભગવાન બુદ્ધની કેટલીક ર્મૂિતઓ તોડી નાખી હતી. આ કેસમાં પોલીસે કેટલાક લોકોને ઝડપી લીધા હતા અને તેમણે નેશનલ તૌહિત જમાતનું નામ આપ્યું હતું. તેઓ આ સંગઠન સાથે જોડાયેલા હતા. આ સંગઠનના લોકો વિશે તપાસ કરતાં પોલીસને કોલંબોના પૂત્તલમમાં એક નારિયેળના ખેતરમાં મોટા પ્રમાણમાં વિસ્ફોટકો મળી આવ્યા હતા. આ અંગે પોલીસે આ સંગઠન સાથે જોડાયેલા વધારે ચાર લોકોને પકડયા હતા. એ પછી નેશનલ તૌહિત જમાતને એક કટ્ટરપંથી સંગઠન તરીકે પહેચાન મળી હતી.

ભારત કનેક્શન

તામિલનાડુમાં પણ નેશનલ તૌહિત જમાત જેવું તામિલનાડુ તૌહિત જમાત નામનું સંગઠન છે. આ સંગઠનના મહામંત્રી ઇ. મોહમ્મદે કહ્યું છે કે આ સંગઠન ૩૦ વર્ષથી સક્રિય છે. એનું રજિસ્ટ્રેશન ૨૦૦૪માં કરવામાં આવ્યું હતું. આ સંગઠનના સંસ્થાપક પી. જૈનુબલાદ્દીન હતા પણ તેઓ પોતાના સિદ્ધાંતોથી ભટકી ગયા હોવાથી તેમને પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા. આ સંગઠનના આઠ લાખ સભ્યો છે.  મોહમ્મદે જણાવ્યું હતું કે આ સંગઠન લોકોને આતંકવાદ સામે લડવાનું શીખવે છે. આ માટે તામિલનાડુમાં છ મહિનાથી ક્લાસ ચલાવવામાં આવે છે. શ્રીલંકામાં જે બોમ્બ બ્લાસ્ટ થયા છે એ તેમની વિચારધારાથી વિપરીત છે. અમારે નેશનલ તૌહિત જમાતથી કંઈ લેવાદેવા નથી. શ્રીલંકા તૌહિત જમાત અમારું સાથી સંગઠન છે અને એ ત્યાંની સરકાર સાથે કામ કરે છે. આ સંગઠને બોમ્બ વિસ્ફોટ બાદ શ્રીલંકામાં રક્તદાન કેમ્પોનું પણ આયોજન કર્યું હતું. તામિલનાડુ તૌહિત જમાત બાળકોને ભણાવવા માટે અને જરૂરિયાત ધરાવતા લોકોને મદદ કરે છે. ચેન્નઈમાં આવેલા પૂર સમયે લોકોને મદદ પહોંચાડી હતી.

શ્રીમંત વેપારીના સંતાન

શ્રીલંકાની પોલીસે કરેલી તપાસ મુજબ નેશનલ તૌહિત જમાતના શ્રીલંકામાં રહેલા સેલમાં તેજાનાના એક શ્રીમંત પરિવારના બે દીકરા જોડાયેલા હતા. બોમ્બ બ્લાસ્ટ કરનારા આત્મઘાતી બોમ્બરોએ ફાઇવસ્ટાર હોટેલમાં જે એડ્રેસ આપ્યા હતા એમાંથી એક સાચું અને એક બનાવટી હતું. જ્યારે પોલીસ સાચા સરનામે તપાસ કરવા ગઈ ત્યારે આત્મઘાતી બોમ્બરની પત્નીએ બોમ્બ વિસ્ફોટ કર્યો હતો જેમાં એનું તથા એના બે સંતાનોનાં મોત થયાં હતા અને ત્રણ શ્રીલંકન કમાન્ડો શહીદ થયા હતા. હોટેલમાં આત્મઘાતી બોમ્બર બ્રેકફાસ્ટની લાઇનમાં આરામથી ઊભો હતો અને જ્યારે લોકો નાસ્તો લઈ રહ્યા હતા ત્યારે વિસ્ફોટ કરી દીધો હતો. એક ચર્ચમાં હુમલો કરવા જઈ રહેલા આત્મઘાતી બોમ્બરની સીસીટીવી ફૂટેજની તસવીરો જોઈને એવું લાગે છે કે એ યુવાન કોઈ પણ જાતના ડર વિના બેખોફ ચર્ચમાં આવ્યો હતો. તેનું મૃત્યુ થવાનું છે અને સેંકડો નિર્દોષ લોકો મરી જશે એની કોઈ ગ્લાનિ પણ તેના વર્તનમાં દેખાતી નથી.

મુસ્લિમ-બૌદ્ધ સંઘર્ષ    

શ્રીલંકામાં કુલ ૨.૧૦ કરોડ લોકોની વસતી છે. જેમાં ૭૦ ટકા સિંહાલી-બૌદ્ધ સમાજના છે, ૧૨.૮ ટકા તમિળ હિંદુ, ૧૦ ટકા મુસ્લિમ અને ૭ ટકા ખ્રિસ્તી લોકોનો સમાવેશ છે. ૧૯૯૦ બાદ વહાબી સંપ્રદાયની અસર વધવાની સાથે જ શ્રીલંકામાં ઇસ્લામી કટ્ટરપંથ વધવા લાગ્યો છે. પૂર્વી શ્રીલંકામાં મુસ્લિમ બહુમતી ધરાવતા વિસ્તારોમાં બાટ્ટીકાલોઆ અને અંપારા જિલ્લામાં આ કટ્ટરવાદ ઝડપથી ફેલાયો છે. શ્રીલંકાના મોટાભાગના મુસ્લિમો તામિળભાષી છે. ૧૯૮૭ પહેલાં તેઓ વી.પ્રભાકરનના લિબરેશન ટાઇગર્સ ઓફ તમિળ ઇલમ (એલટીટીઈ)નું સમર્થન કરતાં હતાં. ૧૯૮૭માં ઈન્ડિયન પીસ કીપિંગ ફોર્સ શ્રીલંકામાં તહેનાત થયાં એ પછી એલટીટીઈને શક થયો કે મુસ્લિમો ભારતીય સેનાને એલટીટીઈની જાણકારી મોકલે છે. તેઓ જાસૂસી કરે છે અને તેથી એલટીટીઈએ મુસ્લિમો સાથેના સંબંધ ખતમ કરી દીધા અને એક જ રાતમાં જાફનામાં ૯૦,૦૦૦ મુસ્લિમોને બેઘર કરી દીધા. આ લોકોને શરણાર્થી કેમ્પોમાં રાખવામાં આવ્યાં અને આજે પણ ઘણા લોકો આવા કેમ્પોમાં રહે છે.

નેશનલ તૌહિત જમાતનો વ્યાપ વધ્યો

આવી ઘટનાઓ બાદ મુસ્લિમોમાં પણ ક્ટ્ટરપંથી લોકોની સંખ્યામાં વધારો થવા લાગ્યો. શ્રીલંકાની સરકારના કહેવા મુજબ અત્યાર સુધીમાં ૩૨ શ્રીલંકન યુવકો ઇસ્લામિક સ્ટેટમાં સામેલ થયા છે. આ યુવાનોમાં મોટાભાગે શ્રીમંત પરિવારોના છોકરા સામેલ છે. શ્રીલંકાના પાડોશી માલદીવમાંથી ૨૦૦ યુવાનો ઇસ્લામિક સ્ટેટમાં સામેલ થયા છે. માત્ર સાડા ત્રણથી ચાર લાખની વસતી ધરાવતા માલદીવમાંથી ૨૦૧૫ના ડિસેમ્બર સુધી આટલા યુવાનો ઇસ્લામિક સ્ટેટમાં દાખલ થાય એ સમગ્ર દક્ષિણ એશિયા માટે ચિંતાનો વિષય છે. ભારતના પણ ૧૦૦ યુવાનો ઇસ્લામિક સ્ટેટમાં દાખલ થયા છે. જોકે નેશનલ તૌહિત જમાતનો વિરોધ શ્રીલંકાના મુસ્લિમો કરી રહ્યા છે અને આ માટે પીસ લવિંગ મુસ્લિમ્સ ઇન શ્રીલંકા વતી યુનાઇટેડ નેશન્સ અને શ્રીલંકાના રાષ્ટ્રપતિને પણ પત્ર લખવામાં આવ્યો છે. તેમણે લખ્યું છે કે આ સંગઠન શ્રીલંકામાં અસહિષ્ણુતા ફેલાવવાનું કામ કરે છે. એના પર પ્રતિબંધ મૂકવામાં આવે.

શું છે નેશનલ તૌહિત જમાત?

નેશનલ તૌહિત જમાત શ્રીલંકાનું નવું કટ્ટરવાદી સંગઠન છે. આ શ્રીલંકા તૌહિત જમાતથી અલગ થયું છે અને એકદમ ઉગ્ર સંગઠન છે. શ્રીલંકા તૌહિત જમાતના સેક્રેટરી અબદુલ રાઝિકને બૌદ્ધ લોકો સામે ભડકાવનારા ભાષણ આપવાના કેસમાં ૨૦૧૬માં પકડવામાં આવ્યા હતા. જોકે એ પછી તેમણે માફી માગી લીધી હતી. નેશનલ તૌહિત જમાતમાં તૌહિતનો અર્થ ઈશ્વર માત્ર એક જ છે અને એ અલ્લાહ છે. જમાતનો અર્થ લોકોનો સમૂહ છે. આમ આનો મતલબ છે કે માત્ર અલ્લાહને જ માનનારા લોકોનો સમૂહ. આ વહાબી વિચારધારા સાથે જોડાયેલો પંથ છે. નેશનલ તૌહિત જમાતની વિચારધારા ઇસ્લામિક સ્ટેટને મળતી આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post શ્રીલંકામાં નેશનલ તૌહિત જમાત અને વધી રહેલો કટ્ટરવાદ appeared first on Sandesh.



from World – Sandesh http://sandesh.com/sri-lanka-national-touhit/
via Best Gujarati News

0 Comments