। કોલંબો ।

ઇસ્ટર સન્ડેના રોજ ૩ ચર્ચ અને ૪ હોટેલ પર આતંકવાદી હુમલા બાદ શ્રીલંકાના સુરક્ષા દળોએ શરૂ કરેલા આતંકવાદ વિરોધી ઓપરેશન અંતર્ગત શુક્રવાર સાંજથી શરૂ થયેલી એક અથડામણમાં ૬ બાળકો, ૩ મહિલા સહિત ૧૫ લોકોનાં મોત થયાં હતાં. શ્રીલંકાના પૂર્વ કિનારા પર આવેલા બાટ્ટીકાલોઆ શહેરની દક્ષિણે અમ્પારામાં સેઇન્થામારુથુ ખાતે શુક્રવારે સાંજથી શરૂ થયેલી અથડામણ શનિવાર વહેલી પરોઢ સુધી ચાલી હતી. જેમાં ૩ શંકાસ્પદ આત્મઘાતી બોમ્બર પણ માર્યા ગયાં હતાં. આતંકવાદીઓ અને સુરક્ષા દળોના સામસામા ગોળીબારમાં એક બાળકનું મોત થયું હતું.

શ્રીલંકાના મિલિટરી પ્રવક્તા સુમિથ અટ્ટાપટ્ટુએ જણાવ્યું હતું કે, શુક્રવારે સાંજે સુરક્ષા દળો આતંકવાદીઓના સર્ચ ઓપરેશન અંતર્ગત સેઇન્થામારુથુ ખાતે એક મકાનની તલાશી લેવા આગળ વધી રહ્યાં હતાં ત્યારે અચાનક ઘેરાઈ ગયેલા આતંકવાદીઓએ ૩ વિસ્ફોટ કર્યા હતા. ત્યારબાદ આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે ગોળીબાર શરૂ થઈ ગયાં હતાં. વહેલી પરોઢ સુધી ચાલેલી અથડામણમાં ૬ બાળકો, ૩ મહિલા સહિત ૧૫નાં મોત થયાં હતાં. ગોળીબાર શાંત થયા પછી મકાનની તલાશી લેતાં ૧૫ મૃતદેહ મળી આવ્યાં હતાં. તલાશી દરમિયાન મકાનમાંથી મોટા પ્રમાણમાં વિસ્ફોટકો મળી આવ્યાં હતાં.

તેમણે જણાવ્યું હતું કે, આ તમામ લોકો રવિવારે ચર્ચ અને હોટેલો પરના આત્મઘાતી હુમલાઓમાં સંડોવાયેલા સ્થાનિક કટ્ટરવાદી ઇસ્લામિક સંગઠન નેશનલ તૌહિત જમાતના સભ્યો હોવાનું મનાય છે. તલાશીમાં બોમ્બ બનાવવાની સામગ્રી, ડઝનો જિલેટિન સ્ટિક્સ અને હજારો લોખંડના છરા મળી આવ્યાં હતાં. તે ઉપરાંત એસિડ બોટલો, ડિટોનેટર્સ, ડિટોનેટિંગ કોર્ડ, ઇસ્લામિક સ્ટેટના ઝંડા, સ્યુસાઇડ કિટ્સ, મિલિટરી યુનિફોર્મ પણ મળી આવ્યાં હતાં.

પોલીસના પ્રવક્તા રુવાન ગુણશેકરાએ જણાવ્યું હતું કે, આતંકવાદીઓના શંકાસ્પદ ઠેકાણા અંગે પોલીસે સેનાને બાતમી આપ્યા પછી આ દરોડો પડાયો હતો. સુરક્ષા દળોના દરોડાથી ગભરાયેલા આતંકવાદીઓએ ૩ વિસ્ફોટ કર્યા પછી ફાયરિંગ શરૂ કરી દીધું હતું.

બદલાની ભાવનાથી હુમલા થવાની ચેતવણી

શ્રીલંકાના સત્તાવાળાઓએ મુસ્લિમોને શુક્રવારની નમાજ ઘરોમાં જ અદા કરવાની ચેતવણી આપી હતી. ગુપ્તચર એજન્સીઓએ કાર બોમ્બ વિસ્ફોટ જેવી બદલાની ભાવનાથી કરાનારી હિંસાની ચેતવણી આપી હતી. સિંહાલીઓ અને ખ્રિસ્તીઓ દ્વારા બદલાની ભાવનાથી હિંસા ફેલાવાશે તેવા ભયથી સેંકડો મુસ્લિમો પલાયન કરી ચૂક્યા છે. ધાર્મિક સ્થળોને લક્ષ્યાંક બનાવવામાં આવે તેવી સત્તાવાળાઓની ચેતવણી બાદ અમેરિકાએ તેના નાગરિકોને સપ્તાહાંતમાં ધાર્મિક સ્થળોની મુલાકાત ન લેવા ચેતવણી જારી કરી છે.

જરૂર ન હોય તો શ્રીલંકા ન જશો : ભારતીયોને ચેતવણી

ભારત સરકાર દ્વારા પોતાના નાગરિકો માટે ટ્રાવેલ એડવાઈઝરી જારી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, શ્રીલંકામાં થયેલા આત્મઘાતી હુમલામાં ૧૦ ભારતીય સહિત ૨૫૦થી વધુ લોકોનાં મોત થયા બાદ ભારતે પોતાના નાગરિકોને ચેતવણી આપી છે કે જરૂરી ન હોય તો શ્રીલંકા જવાનું ટાળજો. ભારત સરકારે પોતાના આદેશમાં જણાવ્યું કે, શ્રીલંકામાં વણસેલી સ્થિતિને જોતા ભારતીયોને આદેશ આપવામાં આવે છે કે, તેઓ આવશ્કયતા ન હોય તો શ્રીલંકાનો પ્રવાસ ન કરે. આ ઉપરાંત જેઓ શ્રીલંકામાં ગયેલા છે અને વર્તમાન સ્થિતિના કારણે અટવાયા હોય તો તેઓ ભારતીય હાઈકિમશનનો સંપર્ક કરી શકે છે.

પોલીસને ઇસ્લામિક સ્ટેટના ૧૪૦ શંકાસ્પદોની તલાશ

પોલીસે જણાવ્યું હતું કે, અમે ઇસ્લામિક સ્ટેટ આતંકવાદી સંગઠન સાથે સંકળાયેલા ૧૪૦ને શોધવાના પ્રયાસ કરી રહ્યાં છીએ. અત્યાર સુધીમાં પોલીસે સીરિયા અને ઇજિપ્તના નાગરિકો સહિત ઓછામાં ઓછા ૭૬ લોકોની અટકાયત કરી છે.  ૨૦ લોકોની ધરપકડ કરાઈ હતી.

ISISની સંડોવણીના પુરાવા મળ્યા

ઇસ્ટર સન્ડેના આતંકી હુમલા બાદ ઇસ્લામિક સ્ટેટ દ્વારા એક વીડિયો જારી કરી હુમલાની જવાબદારી લેવામાં આવી હતી. પોલીસે એક સ્ટુડિયો પર દરોડો પાડતાં તેમને ઇસ્લામિક સ્ટેટના ઝંડા અને આત્મઘાતી હુમલા પહેલાં વીડિયો માટે હુમલાખોરોએ પહેરેલા યુનિફોર્મ પણ મળી આવ્યાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post શ્રીલંકામાં ISના આતંકીઓ સામેની ગનફાઇટ ૬ બાળક, ત્રણ મહિલા સહિત ૧૫નાં મોત appeared first on Sandesh.



from World – Sandesh http://sandesh.com/in-sri-lanka-there-is-no-terrorists-s/
via Best Gujarati News