ચંદરવો : રાઘવજી માધડ

રંગુને તેનાં મમ્મી વિશે એક સવાલ, કરંડિયામાં કાળોતરો નાગ સળવળવા લાગ્યો હતો. પણ તેનો જવાબ જડવો અને પછી સ્વીકારવો મુશ્કેલ હતો. રંગુ ગ્રીનસિટી ગાંધીનગરમાં એક બગીચાના કોર્નર પર ઊભી સઘળું મુગ્ધભાવે જોતી હતી. લીલાછમ વૃક્ષો વચ્ચે ગરમાળો ને ગુલમહોર ભારે રળિયામણા લાગતા હતા. સીધા-સપાટ રોડ પર પુરપાટ દોડયે જતાં વાહનો પતંગિયાં જેવાં લાગતાં હતાં. રંગુને મમ્મીના જવાબથી અચરજ અને મૂંઝવણના પરપોટા ફૂટતા હતા. તેનું અહીં કોઈ ઓળખીતું રહે છે. પૂછયું હતું તો વછડકું ભરી મોં તોડી લીધું હતું:’તારે શું કામ છે, તું પૂછવાવાળી કોણ?’ ત્યારે હોઠ પર આવી ગયું હતું:’કોઈ પૂછવાવાળું ગમતું નથી એટલે જ એકલી રહી ગઈને!?’ પણ ત્યારે ચિંતા હતી, કયાં એડમિશન મળશે, રહેવા-જમવાનું ફવશે કે કેમ…આવું ઘણું બધું મનમાં ઉભરાતું અને અકળાવતું હતું. એક તો અભ્યાસક્રમ નવો હોય, અંગ્રેજીના લોચા હોય ને તેમાં નવું વાતાવરણ હોય…રંગુને આ ચિંતા ઉપરાંત, અહીં પાટનગરમાં કોણ પુરુષ લેવા આવશે આ સવાલ સાલ છોડતો નહોતો. યુવાન રંગુને હવે પુરુષ વિશેની વાતે કશોક સંચાર થાય છે, જુગુપ્સા જાગે છે. ઘરમાં પપ્પા કે ભાઈ નથી, તેથી પુરુષને સાવ નજદીકથી જોયો કે જાણ્યો નથી. રંગુના તન, મન, બદનમાં વાસંતી વાયરા લહેરાવા લાગ્યા હતા, યુવાનીના આમ્રવનમાં પ્રેમની કોયલ ટહુકવા લાગી હતી.

છેક કોડીનારથી, રાતભર બસમાં મુસાફ્રી કરી હતી. પૂરતી ઊંઘ આવી નહોતી. રંગુને રાહ જોવામાં કીડીઓ ચટકા ભરતી હતી. મમ્મી મગનું નામ મરી નહોતી પાડતી. પણ ભરોસો હતો, કહ્યું છે એટલે કોઈક તો લેવા આવશે. રંગુનાં મમ્મી પણ મૌન બની આ નવતર શહેરનો નવલો નજારો મુગ્ધતાથી જોતાં હતાં.

‘કોય આવવાનું હોય તો ભલે, ન’કર હાલતાં થાયી?’ રંગુના આક્રોશભર્યા સવાલે તેનાં મમ્મીએ એવી રીતે જોયું કે, તેમાં પણ સવાલ હતોઃ ‘બોલ્ય ક્યાં જાશું, છે આપડું કો’ય આયાં!?’ સામે રંગુ સમસમીને ચૂપ થઇ ગઈ હતી. મમ્મીની એક પ્રકારની લાચારીને આંખોમાં જે એકલપણાનો ભાવ હતો તે તેનાથી ઝીરવાયો નહીં. એકદમ નજર ફ્રવી લીધી. જીવનમાં વેળા-કવેળાએ તો એમ થાય જ કે, આ જગતમાં મારું, પોતાનું અંગત કહી શકાય એવું સ્વજન કે પ્રિયજન હોય! સ્ત્રી તો ખુમારી સાથે સ્વમાનપૂર્વક જગત સામે એકલી લડી લેતી હોય છે કાં છાના ખૂણે તે રડી લેતી હોય છે, પણ તેની ખરી કસોટી ત્યારે થાય છે, જ્યારે પુત્રી યુવાન થાય!

રંગુને ઘર બહાર નીકળ્યા પછી ક્યાં અને કેવી રીતે રહેવાય તેની કંઈ જ ખબર કે અનુભવ નથી. તેથી વધારે મૂંઝાયા કરતી હતી. રંગુને તેનાં મમ્મીએ એકલી છોડી જ નથી. ડગલેપગલે તકેદારી રાખી હતી.

રંગુને એક સાથે અનેક ચિંતા સતાવી રહી હતી- સરકારી કે ગ્રાન્ટેડમાં એડમિશન નહીં મળે તો મમ્મી સેલ્ફફઈનાન્સ પૈસા ક્યાંથી કાઢશે? અને સૌથી મોટી ચિંતા, મમ્મી એકલી શું કરશે? કેમ એના દિવસો જશે? સંતાનને આવી ચિંતા થાય તે સ્વાભાવિક છે. તેમાં રંગુતો સાવ ગભરું છે, બાળક જેવી ટેવો ધરાવે છે. હજુપણ તેને મમ્મીની સોડ વગર ઊંઘ જ આવતી નથી. જમવામાં ભારે ચાગલી, સુગાળવી છે. ક્યાંક સહેજ અમસ્થું ગંદુગોબરું જુએ એટલે નાકનું ટીચકું ચઢાવી જાય.

મનભાવન નજારાથી સહેજ મુક્ત થઇ મમ્મી સામે જોયું તો તે આછુંઆછું મલકી રહી હતી. મોં પર કોઈ ષોડશી કે મુગ્ધા જેવું ભાવાવરણ લીંપાઈ ગ્યું હતું. રંગુને નવાઇ લાગી. તે કંઇક બોલવા ગઈ ત્યાં એક પુરુષ પાસે આવીને ઊભો રહ્યો હતો. તેમણે પણ માત્ર સ્મિત દ્વારા અભિવાદન કર્યું હતું. બે-ચાર ક્ષણો જાણે ગુલાલના માફ્ક ગમતીલી થઇ ગઈ હતી. ‘રંગુ બેટા, કેમ છો!?’ પુરુષની ભાવસભર પૃચ્છાથી રંગુ શરમાઈ ગઈ. પણ પછી કંટાળો કે કડવાશ ક્યાં ઊડી ગઈ તેની ખબર જ રહી નહોતી. આત્મીયતાના લીધે રંગુનું જાણે ભાવવિશ્વ જ બદલાઇ ગયું હતું. ઘેર આવ્યાં પછી થોડીવાર અતડું ને અજાણ્યું લાગ્યું હતું, પણ પછી રંગુ રસોડા સુધી પહોંચી ગઈ હતી. રસોડામાં તો બીજું કોઈ હતું નહીં!

કોલ લેટર જોયો ત્યારે ખ્યાલ આવ્યો કે સહેજ ઝાંખા અક્ષરના લીધે બરાબર વંચાતું નહોતું. ત્રણ નહીં, તેર તારીખ હતી. દસ દિવસની વાર હતી. મા-દીકરી માટે, ઉતાવળી બે આંટા વધારે ફ્રે તેવું થયું હતું. હવે શું કરવું? ઘેર પાછાં જવું કે આટલા દિવસ અહીં રોકાવું? સાવ નવી સમસ્યા સામે આવીને ઊભી રહી હતી. પણ સામેથી કહ્યું હતું: ‘તો અહીં રોકાય જાવ…’ રંગુને મમ્મીના આ નામ વગરના સંબંધનો ખ્યાલ ન આવ્યો, પણ ભીતર ઘૂઘવતા સ્નેહના સમંદરનો અણસાર આવી ગયો હતો. તે મૌન જ રહી. પણ મમ્મીએ રસ્તો કાઢતાં કહ્યું હતું: ‘રંગુ ભલે રોકાય, હું જાઉં!’ પછી ઉમેરીને કહ્યું હતું: ‘તેને આમ ઘરબા’ર રે’વાનો થોડોક અનુભવ મળે!’તદ્દન વ્યાજબી નિર્ણય હતો. પણ રંગુની આંખો ઉઘડી ગઇ હતી. તેને સવાલ સતાવવા લાગ્યો હતોઃ ‘મમ્મી, મને તો અહીં અનુભવ મળશે, પણ તને એકલીને ફવશે..!?’ પછી મનથી બોલી હતીઃ ‘લાગે છે કે, તારા માટે પણ નવેસરથી વિચારવું પડે, ચાલીશે પહોંચેલી સ્ત્રીએ એકલા શું કરવા રહેવું!?’

ardh@sandesh.com

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post મને અનુભવ મળશે પણ તને…!   appeared first on Sandesh.



from Ardha Saptahik – Sandesh http://sandesh.com/i-i-experience-will-you-you/
via Best Gujarati News

0 Comments