સિમ્પલ સાયન્સ : અશોક પટેલ

એ ખરું કે હવે એ માનવી પૃથ્વીના પટ પર રહ્યા નથી. પરંતુ માનવીની પણ એક કરતાં વધુ પ્રજાતિ વિકસિત થઇ હતી, જેમાં વધુ એકનો ઉમેરો થયો છે. ફિલિપાઇન્સના સૌથી મોટા ટાપુ લુઝોનની એક ગુફમાંથી મળેલા અવશેષો પરથી વિજ્ઞાનીઓ એ તારણ પર આવ્યા છે કે એ માનવીની એક નવી જ પ્રજાતિ હતી. હવે તેને હોમો લુઝોનેન્સિસ નામ અપાયું છે.

માનવીની ઉત્ક્રાંતિ પણ વિજ્ઞાનીઓનો રસનો વિષય રહ્યો છે. કઇ કઇ પ્રજાતિ પૃથ્વી પર વસતી હતી અને તેમાંથી આજનો આધુનિક માનવ વિકસ્યો, તેની રસપ્રદ શોધો થતી રહી છે. હજુ થોડા વર્ષો પહેલાં જ હોબિટ નામની માનવીની એક પ્રજાતિ મળી આવી હતી. એ ઠીંગણી પ્રજાતિ ઇન્ડોનેશિયાના ફ્લોર્સ નામના ટાપુ પરથી મળી હતી. તેના અવશેષ પણ ગુફમાંથી મળી આવ્યા હતા. તેના અભ્યાસ પરથી જણાયું હતું કે એ પ્રજાતિ લગભગ એક લાખ વર્ષ પહેલાં પૃથ્વી પર જીવિત હતી અને તે ૫૦ હજાર વર્ષ પહેલાં જ નાશ પામી. એ પ્રજાતિની વિદાય સાથે જ ધરતી પર આધુનિક માનવના પગરણ મંડાયા હોવાનું મનાય છે. ફ્લોર્સ ટાપુ પરથી જેના અવશેષ મળ્યા હતા એ હોબિટને હોમો ફ્લોરેસન્સિસ કહે છે. વિજ્ઞાનીઓએ એ પ્રજાતિને હોમો ઇરેક્ટસની વંશાવલીમાં રાખી છે.

હવે ફિલિપાઇન્સમાં વધુ એક પ્રજાતિ મળી છે. જો કે એ સાથે જ ફિલિપાઇન્સમાં માનવ પ્રજાતિનો વિકાસ વધુ ગુંચવાડાભર્યો બન્યો છે કેમકે નાનકડા ટાપુનો દેશ હોવા છતાં અહીં ત્રણ કે તેથી વધુ પ્રજાતિ વિકસી હોવાના પુરાવા સાંપડી ચૂક્યા છે, ત્યારે હવે હોમો લુઝોનેન્સિસની નવી પ્રજાતિથી જાણે માનવીનું એ સંગ્રહાલય હોય એમ લાગે છે.

હોમો લુઝોનેન્સિસ પ્રજાતિ આજના માનવી સાથે મળતી આવે છે. જો કે કેટલાક માને છે કે તે ઓસ્ટ્રલોપિથેસીન જેવી પણ કેટલીક ખાસિયત ધરાવે છે. એ જોતાં તેને આ બે પ્રજાતિ વચ્ચે સ્થાન મળે એ સંભવ છે.

નેચરમાં પ્રકાશિત આ સંશોધન મુજબ હોમો લુઝોનેન્સિસના અવશેષ લૂઝોન ટાપુના ઉત્તર ભાગમાં આવેલી કૈલાઓ ગુફમાંથી મળ્યા છે. એ અવશેષ ૬૭ હજારથી ૫૦ હજાર વર્ષ જૂના છે. આ અવશેષમાં માનવ શરીરના ત્રણ હિસ્સા મળ્યા છે, જેમાં દાંત, હાથ અને પગના હાડકાં સામેલ છે. આ અવશેષ ચાર લોકોના છે. હોમો લુઝોનેન્સિસની કેટલીક વિશેષતા આજના આધુનિક માનવી જેવી છે. જ્યારે સીધા ઊભા કરીને ચાલવાના લક્ષણ ઓસ્ટ્રલોપિથેસીન જેવી કે આફ્રિકામાં મળેલી વાંદરાને મળતી આવતી માનવી પ્રજાતિ જેવી છે, જે ૨૦થી ૪૦ લાખ વર્ષો પહેલાં આફ્રિકામાં જોવા મળેલી પ્રજાતિ છે. તેની કેટલીક વિશેષતા પ્રાચીન હોમો જાતિ સાથે મળતી આવે છે.

હોમો લુઝોનેન્સિસ પ્રજાતિના હાથ અને પગના આંગળા અંદર તરફ વળેલા હોય એવા અવશેષ છે, જેના પરથી એમ લાગે છે કે તેઓ ઝાડ પર ચઢતા હશે કે વૃક્ષોના સહારે વધુ રહ્યા હશે.

સામાન્ય રીતે એમ મનાય છે કે માનવી પહેલાં આફ્રિકામાં વિકાસ પામ્યો હશે અને ત્યાંથી પૃથ્વી પર અન્યત્ર ફ્લાયો હશે. તેના પરથી એવો અંદાજ લગાવાય છે કે હોમો લુઝોનેન્સિસ પણ આફ્રિકા સાથે જ સંબંધ ધરાવતી પ્રજાતિ હશે, જે પાછળથી દક્ષિણ પૂર્વ એશિયામાં પહોંચી વસી ગઇ હશે. જોકે અત્યાર સુધી એમ નહીં થયું હોય એમ મનાતું હતું. પરંતુ હોમો લુઝોનેન્સિસના અવશેષ એ વાતનો પુરાવો આપે છે કે માનવીની એ પ્રજાતિ આફ્રિકાથી દક્ષિણ પૂર્વ એશિયામાં આવી હશે.

હવે પ્રશ્ન એ પણ રહે છે કે માનવીના કયા વંશજ પહેલાં આફ્રિકાની બહાર નીકળ્યા હશે?

અત્યાર સુધી માનવીની ઉત્ક્રાંતિના ઇતિહાસમાં એમ મનાતું આવ્યું છે કે હોમો ઇરેક્ટસ એ પ્રજાતિ ૧૯ લાખ વર્ષ પહેલાં આફ્રિકામાંથી બહાર નીકળનારી પહેલી પ્રજાતિ છે. સ્વાભાવિક છે કે વર્ષો પહેલાં તો પૃથ્વી પર ભૂખંડ એક જ હતો, એ દરમ્યાન જ વિવિધ જીવો વિકસિત થયા હશે. એ બાદ તેઓ અન્યત્ર વિચરણ કરી ગયા હોય, એ સમય દરમિયાન જ ભૂખંડો પણ અલગ થયા હોવા જોઇએ.

પરંતુ હોમો લુઝોનેન્સિસની વાત કરીએ તો પ્રશ્ન એ પણ થાય કે લૂઝોન ટાપુ તો ચારે બાજુ સમુદ્રથી ઘેરાયેલો છે, ત્યારે સ્વાભાવિક છે કે ત્યાં આ પ્રજાતિ પહોંચી કઇ રીતે હશે? કેટલાક વિજ્ઞાનીઓ માને છે કે હોમો લુઝોનેન્સિસની સાથે સાથે દક્ષિણ પૂર્વ એશિયામાં ડેનિસોવન્સ નામની એક પ્રજાતિ પણ જોવા મળતી હતી. એ ખરું કે ફિલિપાઇન્સ – ઇન્ડોનેશિયા વિસ્તારમાં ડેનિસોવન્સ પ્રજાતિના કોઇ જીવઅવશેષો મળતા નથી. આ વિસ્તારમાં પાછળથી આ પ્રજાતિ હોમો સેપિયન્સ એટલે કે આજના માનવીની પ્રજાતિ સાથે તેઓ ભળી ગયા હશે અને જૂની પ્રજાતિઓ નામશેષ થઇ ગઇ છે.

બીજી તરફ ઓસ્ટ્રલોપિથેસીન જેવી પ્રજાતિ પણ દક્ષિણ પૂર્વ એશિયામાં જોવા મળે છે, ત્યારે આફ્રિકામાંથી કઇ પ્રજાતિ પહેલી બીજા ભૂખંડ પર ગઇ હશે, એ અંગે હજુ કોઇ નક્કર પુરાવા મળતા નથી. એ તમામ કડીઓને જોડીને માનવી ક્યાં પેદા થયો અને ત્યાંથી ક્યાં ગયો એ આખો માર્ગ હજુ નક્કરપણે નક્કી થયો નથી. જોકે હજુ એમાં ક્યાંક કડી ખૂટે છે, જે મેળવીને માનવીની ઉત્ક્રાંતિનો ઇતિહાસ રચવાના પ્રયાસ હજુ ચાલુ જ છે. એ કડીમાં હવે હોમો લુઝોનેન્સિસ ઉમેરાયેલી નવી પ્રજાતિ છે.

ardh@sandesh.com

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post હોમો લુઝોનેન્સિસઃ માનવીની નવી પ્રજાતિ મળી આવી ! appeared first on Sandesh.



from Ardha Saptahik – Sandesh http://sandesh.com/homo-luzonnesses-manavin/
via Best Gujarati News

0 Comments