ઓફબીટ : જિજ્ઞાસા પટેલ

આજકાલ એક પ્રશ્ન પુછાઇ રહ્યો છે કે નરેન્દ્ર મોદીને વડાપ્રધાન તરીકે બીજી ટર્મ માટે લોકો પસંદ કરશે કે નહીં ? હજુ એ રહસ્ય તો એક મહિના સુધી અકબંધ રહેશે. ૨૩મી મેના દિવસે મત ગણતરી થયા બાદ વડાપ્રધાન પદે નરેન્દ્ર મોદી રહેશે કે નહીં તે જાણી શકાશે. પરંતુ એ પહેલાં આપણા દેશમાં જ નહીં વિદેશમાં પણ વર્ષો સુધી સત્તા સંભાળનારા નેતાઓનો તોટો નથી.

વડાપ્રધાન મોદી બીજી ટર્મ મેળવે કે નહીં એ અંગે આવનારા દિવસો કહેશે, પણ હાલમાં જ અલ્જિરિયાના પ્રમુખ અબ્દેલાઝીઝ બોઉટેફ્લિકાને જનાક્રોશ ભડકતાં બે દાયકાનું પ્રમુખપદ છોડવું પડયું. જોકે વિશ્વમાં દાયકાઓ સુધી રાજ કરનારા મોટા ભાગના નેતાઓ સરમુખત્યાર જ રહ્યા છે. સૌથી વધુ વર્ષ સત્તા ભોગવનારા ૧૪ રાજનેતાઓમાંથી આપણામાંથી મોટા ભાગના એક જ નેતાને ઓળખે છે અને તે છે- રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુટીન. તેઓ ૧૮ વર્ષથી રશિયાની સત્તાની ધૂરા સંભાળીને બેઠા છે. જો કે પહેલાં ક્રમે તો સૌથી વધુ વર્ષો સુધી સત્તા સંભાળવાનો વિક્રમ ઇક્વેટોરિયલ ગુએનાના મબાસોગોનો છે. તેઓ એક બે નહીં પણ ૩૯ વર્ષ સુધી સત્તા સંભાળીને ખુરશી પર ચીટકી રહ્યા હતા.

લોકતંત્રમાં એ મઝા છે કે પ્રજા સમયાંતરે સત્તાના સૂત્રો બીજાને સોંપી શકવાનો અધિકાર ધરાવે છે. પરંતુ સરમુખત્યારો તો માંડ કાગળ પર પોતાને પસંદ હોય એ રીતે ચૂંટણીનું નાટક ભજવીને ખુરશી સાચવી લેતા હોય છે. મબાસોગો પછીના ક્રમે ૩૬ વર્ષ સુધી સત્તા સંભાળનારા બિયા રહ્યા છે, તો કંબોડિયામાં હૂન સેને ૩૪ વર્ષો સુધી સત્તા સંભાળી હતી.

ઇદી અમીનના નામથી તો આપણે સૌ પરિચિત છીએ જ. હા, નરપિશાચ તરીકે જાણીતો એ સરમુખત્યાર માનવ લોહી પણ પીતો હતો અને તેના અત્યાચારને કારણે જ સેંકડો ભારતીયોએ જીવ બચાવીને યુગાન્ડામાંથી પહેરેલા કપડે ભાગવું પડયું હતું. જોકે ઇદી અમીન કરતાં પણ યુગાન્ડામાં લાંબું શાસન તો મુસેવેનીએ ભોગવ્યું હતું. તેમણે ૩૩ વર્ષ શાસન કર્યું હતું, સાતમા ક્રમે ચાડના ડેબીએ ૨૮ વર્ષ, આઠમા ક્રમે એરિટ્રેઆમાં અફ્વેરકીએ ૨૭ વર્ષ, નવમા ક્રમે તાજિકિસ્તાનમાં રહમોને ૨૬ વર્ષ અને દસમા ક્રમે બેલારુસમાં લુકાશેક્નોએ ૨૪ વર્ષ રાજ કર્યું હતું.

આ તો થઇ દુનિયાની વાત આપણે ત્યાં લાંબા વર્ષ સુધી શાસન કરનારા ખરા?

એમ તો દેશના પહેલા વડાપ્રધાન જવાહરલાલ નેહરુ સળંગ લાંબું શાસન કરનારા વડાપ્રધાન ખરા. ૧૯૪૭થી તેઓ અવસાન પામ્યા ત્યાં સુધી ૧૭ વર્ષ સુધી સુવાંગ વડાપ્રધાન તરીકે સત્તા ભોગવતા રહ્યા. તેમના દીકરી ઈંદિરા ગાંધી પણ લાંબંુ શાસન કરનારાં ખરાં, પણ તેમનું શાસન સળંગ ન હતું,

સૌથી વધુ સમય મુખ્યમંત્રી તરીકે શાસન સંભાળનારાની વાત કરીએ તો ઉત્તર-પૂર્વના સિક્કિમને યાદ કરવં  પડે. સિક્કિમના મુખ્યમંત્રી પવન ચેમ્લિંગ છેલ્લાં ૨૪ વર્ષથી મુખ્યમંત્રી તરીકે શાસન સંભાળે છે. જોકે નરેન્દ્ર મોદીની જેમ અત્યારે લોકસભાની ચૂંટણીની સાથે સાથે સિક્કિમ વિધાનસભાની ચૂંટણી પણ યોજાઇ છે, તેથી પવન ચેમ્લિંગ જો ફ્રી ચૂંટણી જીતીને સત્તા સંભાળે તો તેઓ દેશમાં ત્રણ દાયકા સુધી સત્તા સંભાળનારા પહેલા મુખ્યમંત્રી બની શકે છે.

આપણે તો વર્ષો સુધી સત્તા સંભાળનારા તરીકે પવન ચેમ્લિંગ કરતાં જ્યોતિ બાસુને વધુ જાણીએ છીએ. પશ્ચિમ બંગાળ સામ્યવાદીનો ગઢ રહ્યો છે. જોકે એ ગઢ હવે મમતા બેનરજીએ તોડી પાડયો છે, પરંતુ એ ગઢના કાંગરા ખરી પડયા તે પહેલાં જ્યોતિ બાસુ ૧૯૭૭થી ૨૦૦૦ સુધી એમ ૨૩ વર્ષ સુધી મુખ્યમંત્રી પદે રહ્યાં હતાં. જોકે આ બે મહાનુભાવો બાદના ક્રમે એક બે નહીં ત્રણ ત્રણ મુખ્યમંત્રીઓ ઓગણીસ ઓગણીસ વર્ષ સુધી મુખ્યમંત્રી તરીકે શાસન કરી શક્યા છે. આ ત્રણમાંથી અરૂણાચલ પ્રદેશના જિગોંગ અપાંગે ૧૯૮૦થી ૧૯૯૯ એમ ૧૯ વર્ષ સુધી મુખ્યમંત્રી પદે કામ કર્યું હતું, તો ત્રિપુરાના માણેક સરકારે પણ ૧૯૯૮થી ૨૦૧૮ સુધી મુખ્યમંત્રી પદ સંભાળ્યું હતું. માણેક સરકાર તો દેશના આર્થિક રીતે સૌથી સામાન્ય મુખ્યમંત્રી હતા. જેમ ગોવાના મુખ્યમંત્રી તરીકે મનોહર પર્રિકર તમને સ્કૂટર પર ફ્રતા જોવા મળી જતા, એમ માણેક સરકાર સાઇકલ પર તમને મળી જતા. અરે, શાકભાજીની ખરીદી કરતા પણ સરકાર જોવા મળતા, એ સાદગી કોઇ બીજા મુખ્યમંત્રીમાં આજે જોવા મળે એમ નથી.

આ તો રાજકારણની સાપસીડી છે, ક્યારેય કોઇને ઉપર ચઢાવી દે અને કોઇને નીચે પછાડતી હોય છે, ત્યારે આપણા દેશમાં હવે કોણ વધુ સત્તા ભોગવનારા બને એ પણ હાલની ચૂંટણીમાં નક્કી થઇ જશે.

ardh@sandesh.com

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post વિશ્વમાં વર્ષો સુધી સત્તા સંભાળનારા નેતાઓ appeared first on Sandesh.



from Ardha Saptahik – Sandesh http://sandesh.com/world-to-the-world/
via Best Gujarati News

0 Comments