કોંગ્રેસ દ્વારા બોટી- બોટી કરનારને સન્માન, અમે બેટીઓને મજબૂત કરી : નરેન્દ્ર મોદી
। સહારનપુર ।
પીએમ મોદીએ શુક્રવારે યુપીનાં શહારનપુર અને અમરોહા તેમજ ઉત્તરાખંડનાં દેહરાદૂનમાં રેલીઓને સંબોધી હતી. તેમણે કોંગ્રેસ અને સપા- બસપા તેમજ વિપક્ષો પર તેજાબી ચાબખાં માર્યા હતા. તેમણે આક્ષેપ કર્યો કે કોંગ્રેસ બોટી -બોટી કરનાર સાહેબનું સન્માન કરે છે તેઓ શહજાદાની નજીક છે અને તેમનાં પ્યારા છે જ્યારે અમે બેટીઓને મજબૂત કરી રહ્યા છીએ. સહારનપુરથી કોંગ્રેસનાં ઉમેદવાર ઇમરાન મસૂદ પર તેમણે પ્રહારો કર્યા હતા. મોદીએ કૈરાનામાં હિજરત અને મુઝફ્ફરનગરનાં રમખાણોનાં મુદ્દે સપા અને બસપાને ટાર્ગેટ બનાવ્યા હતા.
તમારો એક એક મત સ્ત્રીઓને સુરક્ષિત કરશે
મોદીએ કહ્યું કે અહીંથી કોંગ્રેસનાં બોટી -બોટીવાળા લોકો મેદાનમાં છે પણ અમે બેટીઓને મજબૂત કરીએ છીએ. ૨૦૧૪ની ચૂંટણી પહેલા ઇમરાન મસૂદનો મોદીની બોટી -બોટી બોલાવવાની ધમકી આપતો વીડિયો વાઇરલ થયો હતો તેને પાંચ વર્ષ પણ પૂરા થઈ ગયા તેમ મોદીએ કહ્યું હતું. મોદીએ કહ્યું કે ભાજપને આપેલો એક એક મત મહિલાઓની સુરક્ષા વધારશે, આર્મીનાં હાથ મજબૂત કરશે અને યુવાનોને રોજગાર આપશે. કોંગ્રેસને ચૂંટશો તો તે મુસ્લિમ બેટીઓને ટ્રિપલ તલાકથી બચાવતો કાયદો પસાર થવા દેશે નહીં.
…તો, પથ્થરબાજોને છુટ્ટોદોર મળશે
મોદીએ કહ્યું કે દેશદ્રોહનો કાયદો રદ થવાથી પથ્થરબાજોને છુટ્ટોદોર મળશે. આતંકીઓનો સામનો કરતા જવાનોને અપાયેલું સુરક્ષા કવચ હટી જશે તેમની સલામતી જોખમાશે. શું તમારે જવાનોનું મનોબળ ઘટાડે તેવી સરકાર જોઈએ છે? શું પથ્થરબાજો અને આતંકીઓનો છુટ્ટોદોર આપે તેવી સરકાર જોઈએ છે?
કોંગ્રેસ હંમેશાં પછાતોની વિરોધી રહી છે
મોદીએ કહ્યું કે કોંગ્રેસ હંમેશાં પછાતોની વિરોધી રહી છે. રાજીવ ગાંધીએ મંડલ કમિશનનો વિરોધ કર્યો હતો જ્યારે રાહુલ ગાંધીને ઓબીસી કમિશન સામે વાંધો છે. લોકો મને શૌચાલયનો ચોકીદાર કહે તે મારા માટે ગર્વ અને આનંદની વાત છે.
અમે આતંકીઓનો ખાતમો કરીએ ત્યારે દેશમાં કેટલાકને રડવું આવે છે : અમરોહામાં મોદી
મોદીએ અમરોહામાં રેલીને સંબોધતા કહ્યું કે પાકિસ્તાનમાં કે બોર્ડર અમે જ્યારે આતંકીઓ અને આતંકવાદીઓનો ખાતમો બોલાવવા કાર્યવાહી કરીએ છીએ ત્યારે દેશમાં કેટલાક લોકોને રડવું આવે છે. આતંક મુદ્દે આખી દુનિયામાં પાકિસ્તાન બેનકાબ થઈ રહ્યું છે ત્યારે વિપક્ષો અમારી પાસે એર સ્ટ્રાઇકનાં પુરાવા માગે છે. ચોકીદારની નીતિ આપને શું પસંદ છે કે કેમ? આતંકી હુમલા પછી આપણે તેમનાં પર પ્રહાર કરવો જોઈએ કે નહીં? આતંકનાં આકાઓ સાથે વાત થવી જ ન જોઈએ તેમને જેલમાં મોકલવા જોઈએ. કોગ્રેસ, સપા અને બસપાનાં નરમ વલણથી જ આતંક દેશમાં ફેલાયો છે. અમારી સરકારમાં આતંક અને બોંબ વિસ્ફોટો બંધ થયા છે. આતંકીઓ જાણે છે કે જો ભારત પર હુમલો કરીશું તો મોદી તેમને પાતાળમાંથી પણ શોધી કાઢશે. કોંગ્રેસ વંશવાદ ફેલાવીને બાબાસાહેબનું અપમાન કરે છે સંસદમાં તેમની તસવીર પણ લગાવવા દીધી ન હતી. સપા અને બસપાનાં રાજમાં યુપીમાં ગુંડાગીરી વધી હતી. યોગીનાં રાજમાં ગુંડાગર્દી ઓછી થઈ છે. યુએઈએ કરેલું મારું સન્માન એ આપ સૌનું સન્માન છે.
કોંગ્રેસ સરકારમાં ભ્રષ્ટાચાર એક્સલેટર પર અને વિકાસ વેન્ટિલેટર પર : દેહરાદૂનમાં મોદી
મોદીએ દેહરાદૂનમાં કોંગ્રેસ પર આક્ષેપોની ઝડી વરસાવી હતી. તેમણે કહ્યું કે, કોંગ્રેસ સરકારમાં ભ્રષ્ટાચાર એક્સલેટર પર અને વિકાસ વેન્ટિલેટર પર રહે છે. કરપ્શનનને કોંગ્રેસ જોઈએ છે અને કોંગ્રેસને કરપ્શન જોઈએ છે. બંને એકબીજાનાં પર્યાય છે. ઓગસ્ટા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટર કૌભાંડમાં જે દલાલે જે લોકોને લાંચ આપવાની વાત કરી છે તેમાં એક AP છે અને બીજા હ્લછસ્ છે. આ ચાર્જશીટમાં કહેવાયું છે કે APનો મતલબ એહમદ પટેલ અને FAMનો મતબલ ફેમિલી છે. જ્યાં સુધી દેશનો એક એક બાળક ચોકીદાર છે ત્યાં સુધી ભારતની એક ઇંચ જમીનને આંચ આવશે નહીં. આપણા દેશનાં જવાનો પર કોંગ્રેસ દ્વારા ખોટા કેસ કરાઈ રહ્યા છે. કાશ્મીરમાં આતંકીઓ અને પથ્થરબાજો તેમજ અલગતાવાદીઓ સામે જવાનોને કાયદાનું રક્ષણ મળ્યું છે ત્યારે કોંગ્રેસ સત્તા પર આવે તો આ સુરક્ષા કવચ હટાવવા માગે છે. એક જમાનાનો પરિવાર આજે જામીન પર છે જે લોકો પોતાને ભારત ભાગ્ય વિધાતા ગણે છે તેઓ જેલ જવાથી બચવા હવાતિયા મારી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
The post કોંગ્રેસ દ્વારા બોટી- બોટી કરનારને સન્માન, અમે બેટીઓને મજબૂત કરી : નરેન્દ્ર મોદી appeared first on Sandesh.
from India – Sandesh http://sandesh.com/congress-by-boat-boat/
via Best Gujarati News
0 Comments