રાહુલ ગાંધીએ રૂ. ૧૫. ૮૮ કરોડની સંપત્તિ જાહેર કરી
। નવી દિલ્હી ।
કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ વાયનાડ લોકસભા સીટ પરથી ઉમેદવારી પત્ર ભરતી વખતે કરેલી એફિડેવિટ મુજબ તેમની કુલ સંપત્તિ રૂ. ૧૫.૮૮ કરોડની છે. ૨૦૧૮માં તેમણે રૂ. ૧ કરોડની આવક દર્શાવી હતી. ૨૦૧૪ પછી પાંચ વર્ષમાં તેમની સંપત્તિમાં ૬૮ ટકાનો વધારો થયો હતો. તેમણે પોતાની માલિકીની કાર ન હોવાની જાહેરાત કરી હતી. અગાઉ ૨૦૧૪માં તેમણે રૂ. ૯.૪ કરોડની સંપત્તિની જાહેરાત કરી હતી. બેન્કો અને અન્ય નાણાકીય સંસ્થાઓ પાસેથી તેમણે રૂ. ૭૨ લાખની લોન લીધી છે. તેમની જંગમ મિલકત રૂ. ૫,૮૦,૫૮,૭૯૯ હતી જ્યારે તેમની સ્થાવર મિલકત રૂ. ૧૦, ૦૮, ૧૮, ૨૮૪ હતી આમ તેમની કુલ મિલકત રૂ. ૧૫,૮૮,૭૭,૦૮૩ થઈ હતી. રાહુલ ગાંધી અમેઠીમાંથી પણ ચૂંટણી લડી રહ્યા છે જ્યાં તેમની સામે પાંચ કેસ થયેલા છે. તેમની સામે મહારાષ્ટ્રમાં બે, ઝારખંડ, આસામ અને નવી દિલ્હીમાં ૧-૧ કેસ થયેલો છે.
રાહુલ પાસે રૂ. ૧૭.૯૩ લાખની ડિપોઝિટો
રાહુલ ગાંધી પાસે રૂ. ૪૦,૦૦૦ની હાથ પર રોકડ છે જ્યારે બેન્કોમાં રૂ. ૧૭.૯૩ લાખની ડિપોઝિટો છે. તેમણે મ્યુચ્યુઅલ ફંડો દ્વારા તેમજ અન્ય રીતે કંપનીઓમાં શેર્સ તેમજ બોન્ડસ અને ડિબેન્ચર્સમાં રૂ. ૫.૧૯ કરોડનું રોકાણ કરેલ છે. તેમની પાસે ૩૩૩.૩ ગ્રામ સોનું છે. ગુરુગ્રામમાં તેઓ બે ઓફિસ સ્પેસ ધરાવે છે.
કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી એમ. ફિલની ડિગ્રી લીધી
રાહુલે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી એમ. ફિલની ડિગ્રી લીધી છે. વર્ષ ૨૦૧૭-૧૮માં તેમની કુલ આવક રૂ. ૧,૧૧,૮૫, ૫૭૦ હતી. તેમની આવકમાં સાંસદનું વેતન, રોયલ્ટીની આવક, ભાડાંની આવક, બોન્ડનું વ્યાજ અને ડિવિડન્ડની આવક સામેલ છે.
આવક વગર સંપત્તિ કેવી રીતે વધી?
ભાજપનાં પ્રવક્તા સંબિત પાત્રાએ સવાલ ઉઠાવ્યો હતો કે, રાહુલ પાસે ૨૦૦૪માં ફક્ત રૂ. ૫૫ લાખ હતી તે ૧૦ વર્ષમાં વધીને ૨૦૧૪માં રૂ. ૯ કરોડ કેવી રીતે થઈ ગયા? આવકનાં સ્રોત વિના તેમની આવકમાં રાતોરાત કેવી રીતે વધારો થયો? રાહુલ ગાંધી તેમનાં આ વિકાસ મોડલ માટે અમને પણ માહિતી આપે.
રાહુલ ૧૦મીએ અમેઠીમાંથી નામાંકન ભરશે
રાહુલ ગાંધી ૧૦મીએ અમેઠીમાંથી અને સોનિયા રાયબરેલીમાંથી ૧૧મીએ ફોર્મ ભરશે. બંને ફોર્મ ભરતી વખતે પ્રિયંકા ગાંધી હાજર રહેશે. રાહુલ ફોર્મ ભરે ત્યારે સોનિયા ગાંધી અને માતા સોનિયા ફોર્મ ભરે ત્યારે રાહુલ ગાંધી હાજર રહેશે.
રાહુલ પાસે ૨૦૦૪માં ફક્ત રૂ. ૫૬ લાખની સંપત્તિ હતી
રાહુલગાંધી પાસે ૨૦૦૪માં ફક્ત રૂ. ૫૬ લાખની સંપત્તિ હતી. ૨૦૦૯માં તેમણે કુલ સંપત્તિ રૂ. ૨ કરોડ દર્શાવી હતી. ૨૦૧૪માં આ સંપત્તિ વધીને રૂ. ૯ કરોડ ૪૦ લાખ થઈ હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
The post રાહુલ ગાંધીએ રૂ. ૧૫. ૮૮ કરોડની સંપત્તિ જાહેર કરી appeared first on Sandesh.
from India – Sandesh http://sandesh.com/rahul-gandhi-rs-15-88-crore/
via Best Gujarati News
0 Comments