‘મોદી મોદી’ના નારા વચ્ચે રાહુલ ઉવાચ : આઈ લવ મિસ્ટર નરેન્દ્ર મોદી
। પુણે ।
લોકસભાની ચૂંટણીને હવે જૂજ દિવસો બાકી છે ત્યારે પુણેમાં વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરવા પહોંચેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ શુક્રવારે જણાવ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ભલે તેમના પ્રત્યે ક્રોધે ભરાયા હોય પણ પોતે વડા પ્રધાનને પ્રેમ કરે છે. રાહુલે જણાવ્યું કે પીએમ મોદી પ્રતિ તેમને કોઈ દ્વેષ નથી. રાહુલ આમ બોલી રહ્યા હતા ત્યારે વિદ્યાર્થીઓએ મોદી-મોદીના નારા લગાવવાનું શરૂ કરી દીધું. જોકે થોડી વારમાં તેઓ શાંત થઈ ગયા હતા.
વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરતી વખતે રાહુલે મોદી સરકારની ટીકા કરતા કહ્યું કે હાલ ૨૨ લાખ સરકારી પદો ખાલી છે. આપણે શિક્ષણ અને સ્વાસ્થ્ય સેવાના મૂળભૂત માળખાનું પુનઃનિર્માણ કરીને આ ખાલી પદો ભરવા પડશે. જ્યારે અમે સત્તા પર આવીશું તો સંસદ અને રાજ્યની વિધાનસભાઓમાં ૩૩ ટકા હિસ્સો મહિલાઓ માટે અનામત રાખીશું. રાહુલે વધુમાં જણાવ્યું કે રાજકારણીઓ માટે પણ નિવૃત્તિ વય નક્કી કરવામાં આવશે.
એક સવાલના જવાબમાં રાહુલે જણાવ્યું કે તેમણે તેમના કામ સાથે લગ્ન કર્યા છે. હાલ તેમની કામ સિવાય કોઈ પ્રાથમિકતા નથી.
રોજગારી બાબતે રાહુલે જણાવ્યું કે એક તરફ આપણા દેશમાં રોજની ૨૭ હજાર નોકરીઓ છીનવાઈ રહી છે, જ્યારે બીજી તરફ ચીનમાં રોજની ૫૦ હજાર નોકરીઓ સર્જાઈ રહી છે. આપણે શિક્ષણ અને વ્યવસાય વચ્ચે સમન્વય વધારવાની જરૂર છે.
વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધતી વખતે રાહુલે વડા પ્રધાનની જોરદાર ટીકા કરતા કહ્યું કે નોટબંધી અને જીએસટી જેવા નિર્ણયોને કારણે દેશની અર્થવ્યવસ્થા ખોરવાઈ ગઈ છે. નોટબંધીને કારણે જીડીપીમાં ૨ ટકાનો ઘટાડો થયો છે. રાહુલે જણાવ્યું શિક્ષણ અને સ્વાસ્થ્ય અમારા મુખ્ય મુદ્દા રહેશે. અમે શિક્ષણ પર જીડીપીના ૬ ટકાનો ખર્ચ કરીશું.
એર સ્ટ્રાઈક બાબતે રાહુલ ગાંધીએ પીએમ મોદીની ટીકા કરતા કહ્યું કે એર સ્ટ્રાઈકનો યશ માત્ર હવાઈ દળને જ આપવો જોઈએ. પણ વડા પ્રધાને એનો ઉપયોગ રાજકારણ માટે કર્યો. રાહુલે કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરા વિશે જણાવ્યું કે અમે લોકો સાથે ચર્ચા કરીને પછી જ ચૂંટણી ઢંઢેરો બનાવ્યો છે. એના માટે ખેડૂતો, મહિલાઓ, યુવાનો, વૃદ્ધો તમામના મંતવ્યો જાણ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
The post ‘મોદી મોદી’ના નારા વચ્ચે રાહુલ ઉવાચ : આઈ લવ મિસ્ટર નરેન્દ્ર મોદી appeared first on Sandesh.
from India – Sandesh http://sandesh.com/modi-modi-nara-ram-ra/
via Best Gujarati News
0 Comments