ટિકિટ માટે વિલંબ : પાર્ટીની મૂંઝવણ દૂર કરવા સુમિત્રા મહાજન ચૂંટણી નહીં લડે
। ઇન્દોર ।
લોકસભાના સ્પીકર અને આઠ વખત ભાજપના સાંસદ બનેલા સુમિત્રા મહાજને લોકસભાની ચૂંટણી લડવાનો ઇન્કાર કરી દીધો છે. તેમણે શુક્રવારે એક પત્ર બહાર પાડીને કહ્યું કે, ભાજપમાં તેમની ટિકિટ અંગે અસમંજસની સ્થિતિ છે અને નિર્ણય લેવામાં મુશ્કેલી થઇ રહી છે, તેથી હવે લોકસભા ચૂંટણી નહીં લડું. પાર્ટીએ હવે ઇંદોર સીટ પર જલ્દીથી નામ નક્કી કરી નાંખવું જોઇએ. ભાજપ મધ્યપ્રદેશની ૨૯ લોકસભા સીટોમાંથી ૧૮ સીટો પર ઉમેદવારોની જાહેરાત કરી ચૂકી છે. ભાજપનો ગઢ કહેવાતી ઇંદોર બેઠક પર હજુ પણ અસમંજસની સ્થિતિ છે. એક બાદ એક નવા નામ ચર્ચામાં આવ્યા છે અને હજુ સુધી નામ નક્કી નહીં થતાં સુમિત્રા મહાજને આ પત્ર લખ્યો છે. મહાજને પત્રમાં લખ્યું છે કે, ભાજપે આજ સુધી ઇંદોરમાં પોતાનો ઉમેદવાર જાહેર કર્યો નથી. સંભવ છે કે પક્ષને નિર્ણય લેવામાં કંઇક સંકોચ થઇ રહ્યો છે.
૧૬ લોકસભામાંથી કોંગ્રેસ ફક્ત ચાર વખત જ જીત્યું !
ઇંદોરએવી લોકસભા બેઠક છે, જ્યાં ૩૦ વર્ષમાં ભાજપ જ જીતતું રહ્યું છે. અત્યાર સુધી યોજાયેલી લોકસભાની ૧૬ ચૂંટણીમાં અહીંથી કોંગ્રેસ ફક્ત ચાર જ વખત જીતી શકી છે. ઇંદોર લોકસભા બેઠક બેઠળ ૮ વિધાનસભા ક્ષેત્ર આવે છે.
કોણ છે દાવેદાર ?
સુમિત્રાના ચૂંટણી લડવાના ઇન્કાર બાદ ટિકિટ મેળવવા માટે બે દાવેદાર કૈલાશ વિજયવર્ગીય અને માલિની ગૌડ છે. પૂર્વ મંત્રી વિજયવર્ગીય હાલમાં ભાજપના બંગાળના પ્રભારી છે. વિજયવર્ગીય ઇન્દોરથી ઊતરે તો સુમિત્રા અને તેમના સમર્થકોને વાંધો પડી શકે. તો ચાર વર્ષથી ત્રણ વખતથી વિધાનસભ્ય માલિની ગૌડને જો તાઇને બદલે ટિકિટ મળે તો ભાજપની જીત સરળ થઇ જશે.
ઉમા ભારતી- સુષ્મા સ્વરાજનો પણ ચૂંટણી લડવા ઈન્કાર
આ પહેલાં કેન્દ્રીય મંત્રી ઉમા ભારતી અને વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ પણ ચૂંટણી લડવા ઇન્કાર કરી ચૂક્યા છે. ઉમા ભારતીની જાહેરાત બાદ પક્ષે તેમને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવ્યા છે. તો બીજી તરફ સુષ્મા સ્વરાજે સ્વાસ્થ્યનું કારણ આગળ ધરી ચૂંટણી નહીં લડવા માટે નિર્ણય કર્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
The post ટિકિટ માટે વિલંબ : પાર્ટીની મૂંઝવણ દૂર કરવા સુમિત્રા મહાજન ચૂંટણી નહીં લડે appeared first on Sandesh.
from India – Sandesh http://sandesh.com/ticket-for-delay-party/
via Best Gujarati News
0 Comments