એસએમઇ લિસ્ટિંગથી ઉદ્યોગ સાહસિકોને વેલ્યૂ અનલોક કરવામાં મદદ મળી
SME વોચ : મધુ લુણાવત
ભારતમાં ઘણી કંપનીઓએ વર્ષોની સખત મહેનત, જુસ્સા અને પ્રતિબદ્ધતાથી સફળતા હાંસલ કરી છે. જોકે, આજે સમય બદલાયો છે અને ખાસ કરીને એસએમઇ કંપનીઓમાં ઉત્તરાધિકારીની ગેરહાજરીને કારણે કંપનીના માલીકોને કારોબારનું સ્તર ઘટાડવું પડે છે અથવા કારોબાર બંધ કરવાની ફરજ પડે છે.
કોઇપણ કારોબાર માટે વેલ્યૂ અનલોક કરવાની પ્રક્રિયા અત્યંત મહત્વપૂર્ણ હોય છે. એવાં ઘણાં ઉદાહરણ છે કે જેમાં વિવિધ કારણોસર વેલ્યૂ ક્યારેય અનલોક કરી શકાઇ નથી. વર્ષોની મહેનતથી ઉભી કરાયેલી વેલ્યૂ ઘણીવાર અનલોક થયાં વિના જ નાશ પામે છે. દેશમાં મોટી સંખ્યામાં એસએમઇ એવી છે કે જેનું નેતૃત્વ વ્યક્તિગત પ્રમોટર્સ દ્વારા કરવામાં આવે છે તથા તેમના મૃત્યુ અથવા નિવૃત્તિની સાથે વર્ષો દરમિયાન નિર્માણ કરાયેલું મૂલ્ય ખતમ થઇ જાય છે.
એસએમઇ લિસ્ટિંગ પ્લેટફોર્મ્સ
એસએમઇ કંપનીઓ પાસે હવે વેલ્યૂ ક્રિએશન સંબંધિત મુદ્દાનો ઉકેલ સ્ટોક એક્સચેન્જ ઉપર લિસ્ટિંગ છે. વર્ષ ૨૦૧૨માં બીએસઇ અને એનએસઇએ એસએમઇ કંપનીઓ માટે પોતાના પ્લેટફોર્મ્સ લોન્ચ કર્યાં હતાં. આ પ્લેટફોર્મ્સ ઉપર લિસ્ટિંગ દ્વારા કંપનીઓ પોતાની વેલ્યૂ અનલોક કરી શકે છે. આ ઉપરાંત લિસ્ટિંગની મદદથી પ્રમોટર્સ પોતાની જરૂરિયાત પ્રમાણે બિઝનેસ વેચી શકે છે તેમજ વ્યૂહાત્મક રોકાણકારોને આમંત્રણ આપીને કંપનીના મૂલ્યમાં વધારો કરી શકે છે.
જોકે, એસએમઇ પ્રમોટર્સને લિસ્ટિંગ બાદ કંપની ઉપરનું નિયંત્રણ ગુમાવી દેવાની ચિંતા પ્રવર્તતી હોય છે, જે ખોટી માન્યતા છે. લિસ્ટેડ થવાથી હોસ્ટાઇલ ટેકઓવર પણ એક ચિંતા છે. ભારતમાં ટેકઓવર સંબંધિત નિયમો કડક છે અને સામાન્ય રીતે કોઇપણ કંપનીને ખોટી રીતે ટેકઓવર કરી શકાતી નથી. આ ઉપરાંત આઇપીઓ અને લિસ્ટિંગ માટે પ્રમોટર્સે ઓછામાં ઓછા ૨૫ ટકા હિસ્સાને ઘટાડવો પડે છે તેમ છતાં તેઓ નોંધપાત્ર હિસ્સો પોતાની પાસે રાખી શકે છે. આમ પ્રમોટર્સે લિસ્ટિંગ બાદ હોસ્ટાઇલ ટેકઓવરની ચિંતા કરવાની રહેતી નથી. મેઇન બોર્ડ એક્સ્ચેન્જ ઉપર આશરે ૬૦૦૦ કંપનીઓ લિસ્ટેડ છે, પરંતુ છેલ્લાં કેટલાંક વર્ષોમાં હોસ્ટાઇલ ટેકઓવરની ઘટના ખુબજ ઓછી અથવા નહીંવત્ રહી છે. હકીકતમાં એસએમઇ પ્લેટફોર્મ આશિર્વાદ સમાન સાબિત થયાં છે અને તેનાથી એસએમઇ સેક્ટરની કંપનીઓને લિસ્ટ થઇને વેલ્યૂ અનલોક કરવાની તક મળી છે. ઉદ્યોગસાહસિકો માટે વેલ્યૂ અનલોક કરવાનું આ ઉત્તમ પ્લેટફોર્મ છે.
મેઇનબોર્ડ ઉપર માઇગ્રેશન
બીજી તરફ એસએમઇ પ્લેટફોર્મ ઉપર લિસ્ટ થયેલી કંપનીઓ લિસ્ટિંગના બે વર્ષ બાદ સરળતાથી મેઇનબોર્ડ ઉપર માઇગ્રેટ થઇ શકે છે અને આ પ્રક્રિયામાં ખર્ચ ખૂબજ ઓછો છે. આમ ખુબજ ઓછા ખર્ચ સાથે મેઇન બોર્ડમાં બેકડોર એન્ટ્રી કરી શકાય છે. જોકે, એસએમઇ પ્લેટફોર્મ ઉપરથી મેઇન બોર્ડ ઉપર માઇગ્રેટ થવા સંબંધિત કેટલાંક નિયમો છે, જેનું પાલન કરવું આવશ્યક છે. એસએમઇ કંપનીઓ માટે બેન્કો પાસેથી ભંડોળ મેળવવું મુશ્કેલભર્યું હતું ત્યારે એસએમઇ કેપિટલ માર્કેટ તેમના માટે ખૂબજ ઉપયોગી સાબિત થયું છે.
ઉપસંહાર
વર્ષ ૨૦૧૨માં અસ્તિત્વમાં આવેલા એસએમઇ પ્લેટફોર્મ્સ ઉદ્યોગ સાહસિકો માટે ઉપયોગી સાબિત થયાં છે. લિસ્ટિંગમાં સરળતાને કારણે આ કંપનીઓ વિસ્તરણ માટે જરૂરી ભંડોળ એકત્ર કરવામાં સફળ રહી છે તથા આંતરરાષ્ટ્રીય સ્તરે વિશિષ્ટ ઓળખ પણ હાંસલ કરી છે. આનાથી તેમની સ્પર્ધાત્મકતા પણ વધી છે. આજે ભારતીય એસએમઇ બોર્સ ઉપર ૪૯૨ કંપનીઓ લિસ્ટ થઇ છે અને એસએમઇ કેપિટલ માર્કેટનું કેપિટલાઇઝેશન રૂ. ૩૨,૦૦૦ કરોડ થવા પામે છે. ભારતીય એસએમઇ કેપિટલ માર્કેટ વિશ્વમાં સૌથી વધુ ઝડપે પ્રગતિ સાધી રહ્યું છે તથા ઘણી કંપનીઓએ રોકાણકારોને ખુબજ સારું વળતર આપ્યું છે. આ ૪૯૨ કંપનીઓએ ભેગા મળીને કુલ રૂ. ૬,૧૦૦ કરોડ એકત્ર કર્યાં છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post એસએમઇ લિસ્ટિંગથી ઉદ્યોગ સાહસિકોને વેલ્યૂ અનલોક કરવામાં મદદ મળી appeared first on Sandesh.
from Business @ Sandesh – Sandesh http://sandesh.com/sme-listing-industry/
via Best Gujarati News
0 Comments