નવી દિલ્હી :

કેનેડાના ઇન્વેસ્ટમેન્ટ ફંડ બ્રૂકફિલ્ડ એસેટ મેનેજમેન્ટને પોતાની ચાર હોટેલ અને અન્ય મિલકત વેચતા સેબીએ અટકાવી છે, એમ નાણાકીય સમસ્યાનો સામનો કરી રહેલી હોટેલ લીલા વેન્ચર્સે બુધવારે જણાવ્યું હતું.

સેબી દ્વારા આગળ ઉપર આદેશ આપવામાં આવે નહીં ત્યાં સુધી આ સોદાને અટકાવી રાખવો જોઇએ એમ જણાવાયું હોવાનું કંપનીએ બીએસઇને આપેલી માહિતીમાં જણાવ્યું હતું.

હોટેલ લીલા વેન્ચર્સે ગયા મહિને બેંગ્લુરૂ, ચેન્નઈ, દિલ્હી અને ઉદેપુરની હોટેલો અને એક મિલકત રૂ. ૩,૯૫૦ કરોડમાં બ્રૂકફિલ્ડને વેચવાની જાહેરાત કરી હતી. આ માટે તેણે શેરધારકોની મંજૂરી માગી હતી અને આ માટે મતદાન ૨૪ એપ્રિલે નિર્ધારિત હતું.   હોટેલ લીલા વેન્ચર્સે બીએસઈને આપેલી માહિતીમાં જણાવ્યું હતું કે સેબી તરફથી કંપનીને પત્ર મળ્યો છે અને તેમાં જણાવાયું છે કે આઈટીસી દ્વારા કંપની, તેના પ્રમોટર્સ અને જ. એમ. ફાઇનાન્શિઅલ એસેટ રિકન્સ્ટ્રક્શન કંપની સામે કરવામાં આવેલા અમુક આક્ષેપોની તપાસ સેબી કરી રહી છે.

આઈટીસી અને લઘુમતી શેરધારક લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન તરફથી હોટેલ લીલા વેન્ચર્સ વિરુદ્ધ સેબીને પત્ર લખવામાં આવ્યો હતો અને ત્યારબાદ સેબીનું આ પગલું આવી પડયું હતું.  આઈટીસીએ દમન અને ગેરવહીવટના આક્ષેપ કરી હોટેલ લીલા વિરુદ્ધ નેશનલ કંપની લો ટ્રિબ્યૂનલમાં અરજી કરી છે. આઈટીસી હોટેલ લીલામાં ૭.૯૨ ટકા હિસ્સો ધરાવે છે. એનસીએલટી દ્વારા હવે આ બાબતે સુનાવણીને ૨૨ જૂન ઉપર રાખવામાં આવી છે. એનસીએલટીમાં કરવામાં આવેલી અરજી અનુસાર હોટેલ લીલામાં ઇક્વિટી શેરહોલ્ડિંગ એ પ્રકારનું છે કે જેને કારણે જે એમ ફાઇનાન્શિઅલ એઆરસીની મંજૂરી વિના કોઇપણ ઠરાવ પસાર કરવાનું અશક્ય બન્યું છે.

૨૦૧૪ના જૂનમાં હોટેલ લીલાના કોર્પોરેટ ડેટ રિસ્ટ્રક્ચરિંગ (સીડીઆર) લેન્ડર્સે રૂ.૪,૧૫૦ કરોડના કરજની કામગીરી એસેટ રિકન્સ્ટ્રક્શન કંપનીઓને સોંપી હતી અને ૯૫.૬ ટકા કરજની કામગીરી જે એમ ફાઇનાન્શિઅલ એઆરસીને અને ફિનિક્સ એઆરસીને ૧ ટકાની કામગીરી સોંપવામાં આવી હતી.

૨૦૧૭ના સપ્ટેમ્બરમાં જે એમ ફાઇનાન્શિઅલે રૂ.૨૭૫ કરોડની લોનના એક હિસ્સાને પરિર્વિતત કરીને લીલા વેન્ચરની શેર મૂડીમાં ૨૬ ટકા હિસ્સો મેળવ્યો હતો. આથી, લીલા વેન્ચર ઉપર તેની પકડ મજબૂત બની હતી અને તેની મંજૂરી વિના કોઇ સવિશેષ ઠરાવ પસાર કરવાનું અશક્ય બન્યું હતું. હિસ્સો આ રીતે પરિર્વિતત કરવામાં આવ્યો તેને પરિણામે આઈટીસીનું શેરહોલ્ડિંગ ઘટીને ૧૧.૭૮ ટકા થઇ ગયું હતું, એમ અરજીમાં જણાવાયું હતું.

કોઇ એક લિસ્ટેડ કંપની વેલ્યુએશન રિપોર્ટ મેળવ્યા વિના પોતાની તમામ મિલકત વેચી દેવા માગે છે એ પ્રશ્ન પણ અહીં ઉદ્ભવ્યો છે, એમ એક વકીલે જણાવ્યું હતું. હોટેલ લીલા દ્વારા મિલકતનો સોદો કંપનીના અન્ય શેરધારકોના હિતમાં નથી, એમ આ વકીલે વધુમાં જણાવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post હોટેલ લીલા વેન્ચર્સને મિલકત વેચતા સેબીએ અટકાવી દીધી appeared first on Sandesh.



from Business – Sandesh http://sandesh.com/hotel-green-ventures-mr/
via Best Gujarati News

0 Comments