। મુંબઈ ।

શેરબજારમાં બુધવારે છેલ્લાં એક કલાકમાં જોવાયેલી તેજીને પરિણામે સેન્સેક્સ અને નિફ્ટી વધારા સાથે બંધ થયા હતા. સેન્સેક્સે ૩૯,૦૦૦ પોઇન્ટની સપાટી કુદાવી હતી. સેન્સેક્સ ૧૦૭.૭૫ પોઇન્ટના વધારા સાથે ૩૮,૬૭૨.૬૩ ઉપર અને નિફ્ટી ૨૫.૨૫ પોઇન્ટના વધારા સાથે ૧૧,૬૦૧.૫૦ ઉપર ખુલ્યાં હતા અને દિવસના કામકાજના અંતે સેન્સેક્સ ૪૮૯.૮૦ પોઇન્ટ વધી ૩૯,૦૫૪.૬૮ અને નિફ્ટી ૧૫૦.૨૦ પોઇન્ટ વધી ૧૧,૭૨૬.૧૫ ઉપર બંધ થયાં હતા.

અલ્ટ્રાટેક સિમેન્ટના સંગીન પરિણામે શેરબજારને બળ પૂરું પાડયું હતું. ક્રૂડ તેલના ભાવમાં સહેજ ઘટાડાએ રોકાણકારોની ચિંતા હળવી બનાવી હતી. અલ્ટ્રાટેક સિમેન્ટનો શેર રૂ. ૧૯૬.૪૦ વધી રૂ. ૪,૩૯૪.૬૫ ઉપર બંધ થયો હતો.  ૨૦૧૯ના વર્ષના ચોથા ત્રિમાસિક ગાળામાં અલ્ટ્રાટેક સિમેન્ટે રૂ.૧,૦૧૭.૮ કરોડનો ચોખ્ખો નફો કર્યો હતો જે એક વર્ષ પૂર્વેના સમાન ગાળામાં રૂ. ૪૮૭ કરોડ હતો. કંપનીની આવક ૧૮ ટકા વધી રૂ.૧૦,૫૦૦ કરોડ થઇ હતી જે એક વર્ષ પૂર્વે સમાન ગાળામાં રૂ. ૮,૮૭૨ કરોડ હતી.   અલ્ટ્રાટેક સિમેન્ટ, બીપીસીએલ, એચસીએલ ટેક, ઓએનજીસી અને આઈઓસી વધ્યા હતા જ્યારે તાતા મોટર્સ, હીરો મોટો કોર્પ, સિપ્લા, પાવરગ્રિડ કોર્પોરેશન અને કોલ ઈન્ડિયા ઘટયા હતા.

નિફ્ટી બેન્ક ઇન્ડેક્સ ૧.૩ ટકા વધ્યો હતો. બેન્કિંગ શેર્સમાં એસબીઆઈ, યસ બેન્ક, એચડીએફસી  બેન્ક, ઇન્ડસઇન્ડ  બેન્ક અને પીએનબીના શેર્સ વધ્યા હતા.

લંડનની પ્રોપર્ટી અંદાજે ૨૦ કરોડ પાઉન્ડમાં પોતાના પ્રમોટરને વેચવાના અહેવાલે ઈન્ડિયા બુલ્સ રિયલ એસ્ટેટનો શેર એક તબક્કે ૧૧ ટકા વધી રૂ.૧૧૭.૨૦ થયો હતો. ચોથા ત્રિમાસિક ગાળાના કમજોર પરિણામને કારણે તાતા ગ્લોબલ બેવરેજિસનો શેર એક તબક્કે ૪.૩ ટકા ઘટી રૂ. ૨૦૦.૬૫ થયો હતો. ચોથા ત્રિમાસિક ગાળામાં કંપનીના ચોખ્ખા નફામાં ૬૧ ટકાનો ઘટાડો થયો હતો.

એસીસીનો શેર પાંચ ટકા ઘટી રૂ.૧,૫૭૮.૪૫ થયો હતો. કંપનીનો માર્ચ ત્રિમાસિક ગાળાનો નફો ૩૮ ટકા વધ્યો હતો. જોકે, બીજી બાજુએ ખર્ચમાં ૮ ટકા વધારો થયો હતો. ટ્રાઇડન્ટના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સની બેઠક ૧૩મી મેએ મળશે. માર્ચમાં પૂરા થતા નાણાકીય વર્ષના પરિણામને મંજૂરી આપવા ઉપરાંત આ બેઠકમાં શેર વિભાજન બાબતે પણ નિર્ણય લેવામાં આવશે.

એવરેડી ઇન્ડસ્ટ્રીઝનો શેર ચાર વર્ષના તળિયે પહોંચ્યો હતો. છેલ્લાં ત્રણ દિવસમાં કંપનીના શેર્સમાં ૧૨ ટકા ઘટાડો નોંધાયો છે. શેર એક તબક્કે ઘટીને રૂ. ૧૫૬ થયો હતો. માર્ચના સંગીન પરિણામ બાદ કોરોમંડલ ઇન્ટરનેશનલનો શેર ૬ ટકા વધ્યો હતો. શેર દીઠ રૂ. ૮૫૦ના ભાવે રૂ. ૧૬૯.૮૮ કરોડના ૧૯.૯૮ લાખ શેર્સ બાયબેક કરવા સાસ્કેન ટેક્નોલોજીના બોર્ડે મંજૂરી આપી હતી.   માર્ચમાં હેક્સાવેર ટેક્નોલોજીનો સંગઠિત ચોખ્ખો નફો ૧૨.૨ ટકા વધી રૂ. ૧૩૮.૫ કરોડ થયો હતો. આવક વધીને રૂ. ૧,૨૬૪ કરોડ થઇ હતી. કંપનીએ શેર દીઠ રૂ.૨.૫૦ના વચગાળાના ડિવિડન્ડની ભલામણ કરી હતી.

વીઆરએસના પેકેજથી વાર્ષિક રૂ.૧,૦૮૦ કરોડની બચત થશે, એમ એમટીએનએલના ચેરમેને જણાવ્યું હતું. મારુતિ સુઝુકી ૧.૭૬ ટકા ઘટીને રૂ .૬,૯૨૫ થવા સાથે ત્રણ સપ્તાહના તળિયે પહોંચ્યો હતો. આઇઓસી તરફથી સૂર્યા રોશનીને રૂ.૨૩૯ કરોડનો ઓર્ડર મળ્યો હતો. જોકે, શેરનો ભાવ રૂ.૧.૭૫ ઘટી રૂ.૨૪૫.૯૦ થયો હતો.

ક્રૂડ તેલના ભાવમાં ઘટાડો  

ઈરાન ઉપરના આકરા પ્રતિબંધ છતાં માર્કેટમાં પૂરતા પુરવઠાને કારણે ક્રૂડતેલના ભાવ ઘટયા હતા. બ્રેન્ટ ક્રૂડ વાયદો એક બેરલે ૩૪ સેન્ટ ઘટી ૭૪.૧૭ ડોલર અને ડબલ્યૂટીઆઈ ક્રૂડ વાયદો એક બેરલે ૩૪ સેન્ટ ઘટી ૬૫.૯૬ ડોલર થયો હતો.

ઓઇલ માર્કેટિંગ કંપનીઓના શેર્સ વધ્યા 

ઓઇલ માર્કેટિંગ કંપનીઓેના શેર્સમાં ચમકારો જોવાયો હતો. આઈઓસી, એચપીસીએલ અને બીપીસીએલના શેરમાં એક ટકાનો વધારો થયો હતો. આઈઓસી રૂ. ૪.૪૦ વધી રૂ.૧૫૩.૮૦, બીપીસીએલ રૂ.૧૨.૬૫ વધી રૂ.૩૪૯ અને એચપીસીએલ રૂ, ૧૩.૯૫ વધીરૂ. ૨૬૮.૮૦ ઉપર બંધ થયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post શેરબજારમાં તેજી : સેન્સેક્સ ૩૯,૦૦૦ને પાર appeared first on Sandesh.



from Business – Sandesh http://sandesh.com/stock-market-bose-sensex-2/
via Best Gujarati News

0 Comments