ટ્રાફિકથી થતાં હવાના પ્રદૂષણથી દર વર્ષે ૪૦ લાખ અસ્થમાના નવા દર્દીઓ : સર્વે
રસ્તા પર દોડતા વાહનોથી થતાં હવાના પ્રદૂષણથી વિશ્વમાં દર વર્ષે ૪૦ લાખ બાળકોને અસ્થમા થતો હોવાનો એક નવા અભ્યાસમાં અંદાજ લગાવાયો છે. રસ્તા પર દોડતા વાહનોને કારણે વાતાવરણમાં ભળતા નાઇટ્રોજન ડાયોક્સાઇડને કારણે યુકેમાં અસ્થમાના ૩૮,૦૦૦ અને અમેરિકામાં ૨,૪૦,૦૦૦ નવા દર્દીઓ દર વર્ષે ઉમેરાય છે.
યુકેમાં ૧થી ૧૮ વર્ષની વયના લોકોમાં ૧૯ ટકા અસ્થમા
વાહનોને કારણે પેદા થતા પ્રદૂષણને પાપે બાળકોમાં થતાં અસ્થમાના દરમાં ૧૯૪ દેશોમાં યુકેનો ૨૯મો ક્રમ છે. જ્યારે અમેરિકાનો ક્રમ ૨૨મો, ઓસ્ટ્રેલિયાનો ૬૪મો ક્રમ હોવાનું પ્રતિષ્ઠિત મેડિકલ જર્નલમાં પ્રકાશિત અભ્યાસમાં જણાવાયું હતું. સંશોધકોએ એવું તારણ કાઢયું છે કે અમેરિકા અને યુકેમાં ૧થી ૧૮ વર્ષની વયના લોકોમાં ૧૯ ટકા અસ્થમાના કેસ નાઇટ્રોજન ડાયોક્સાઇડના પ્રદૂષણને કારણે થાય છે. લેન્સેટ પ્લેનેટરી હેલ્થમાં પ્રકાશિત અભ્યાસ મુજબ જ્યાં પ્રદૂષણનું પ્રમાણ ઊંચું છે એવા લંડનમાં તે વધીને ૨૯ ટકા સુધી પહોંચે છે. નેશનલ હેલ્થ સ્કીમના ડેટા દર્શાવે છે કે ગયા વર્ષે ૭૭,૦૦૦ લોકોને અસ્થમાને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જેમાંથી અંદાજે ૧,૫૦૦નાં મોત થયા હતા. યુકેમાં અસ્થમાના ત્રણ ચતુર્થાંશ કેસો શહેરોમાં મળે છે. જો કે અહીં વિશ્વ આરોગ્ય સંસ્થાના દિશાનિર્દેશ કરતાં પણ પ્રદૂષણોનું પ્રમાણ ઓછું છે, છતાં અસ્થમાના કેસો વધી રહ્યા છે.
ભારતની ઔસ્થિતિ શું છે ?
નાઇટ્રોજન ડાયોક્સાઇડની વાત કરીએ તો ભારતમાં તેનું પ્રદૂષણ ઓછું છે. જો કે પીએમ કણ, ઓઝોન, કાર્બન મોનોક્સાઇડનું પ્રદૂષણ નાઇટ્રોજન ડાયોક્સાઇડ કરતાં વધુ હોવાનું આ અભ્યાસના લેખકે જણાવ્યું હતું.
ફેફસાંનો વિકાસ કુંઠિત થઇ રહ્યો છે, એ ચિંતાનું કારણ
અસ્થમા યુકેના ડો. સામંથા વોકર કહે છે કે જનતાના સ્વાસ્થ્ય સામે પ્રદૂષિત હવા સૌથી મોટું જોખમ છે. આ અભ્યાસ પરથી જાણવા મળે છે કે પ્રદૂષિત હવામાં ઊછરતા બાળકોમાં ફેફસાંનો વિકાસ કુંઠિત થઇ જતો હોય છે અને તેને કારણે અસ્થમા થાય એવું જોખમ વધે છે.૧૯૫૦ના દાયકાથી સતત બાળકોમાં અસ્થમા થવાનું પ્રમાણ વધી રહ્યું છે. પરંતુ પ્રદૂષિત હવાને કારણે ફેફસાંને થઇ રહેલા નુકસાનનું જોખમ હવે વધવા માંડયું છે.
ક્યાં કેટલા બાળકો અસ્થમાનો શિકાર ?
- વાહનોના પ્રદૂષણને કારણે અસ્થમા બાળકોમાં થતો હોય એવી વિશ્વમાં સૌથી વસમી સ્થિતિ કુવૈતની છે. કુવૈતમાં દર એક લાખ બાળકોમાંથી ૫૫૦ બાળકોને દર વર્ષે પ્રદૂષણને કારણે અસ્થમા લાગુ પડે છે. એ આંકડો યુકેમાં ૨૮૦ બાળકોનો છે.
- જ્યોર્જ વોશિંગ્ટન યુનિવર્સિટીની ટીમે શોધી કાઢયું છે કે અમેરિકામાં દર વર્ષે પ્રદૂષણને કારણે અસ્થમાનો ભોગ બનતા બાળકોની સંખ્યા ૩૦૦ની છે, જ્યારે ઓસ્ટ્રેલિયામાં દર એક લાખ બાળકોમાંથી ફક્ત ૧૯૦ બાળકોને પ્રદૂષણને કારણે અસ્થમાનો રોગ લાગુ પડે છે.
- જ્યારે નાઇટ્રોજન ડાયોક્સાઇડને કારણે અસ્થમા થતો હોય એવા દેશોની યાદીમાં દક્ષિણ કોરિયા આવે છે, જ્યાં ૩૧ બાળકોને અસ્થમા થાય છે. એ બાદ ૩૦ ટકા સાથે કુવૈૈત, ૩૦ ટકા સાથે કતાર અને સાઉદી અરેબિયા અને ૨૬ ટકા સાથે બહરીન છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post ટ્રાફિકથી થતાં હવાના પ્રદૂષણથી દર વર્ષે ૪૦ લાખ અસ્થમાના નવા દર્દીઓ : સર્વે appeared first on Sandesh.
from World – Sandesh http://sandesh.com/traffic-to-havana-pr/
via Best Gujarati News
0 Comments