ઇંગ્લેન્ડમાં ગાયો વાપરે છે 5G ઇન્ટરનેટ
એપ્રિલ મહિનાની શરૂઆતમાં જ ચીનના શાંઘાઈ શહેર અને સાઉથ કોરિયામાં 5G નેટવર્ક શરૂ કરવામાં આવ્યું છે અને ભારતમાં પણ ૨૦૨૦ના શરૂમાં આ નેટવર્ક શરૂ થાય એવી ધારણા છે ત્યારે એ જાણીને આશ્ચર્ય લાગશે કે બ્રિટનમાં એક તબેલામાં રાખવામાં આવેલી ૫૦ ગાય વિશ્વની આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરી રહી છે. ખરેખર નવાઈ ઊપજાવે એવી આ વાત છે પણ ડેરી ઉદ્યોગમાં મેનપાવરને ઓછો કરવા અને દૂધનું ઉત્પાદન વધારવા માટે આ સૌથી શ્રેષ્ઠ રીત છે.
ગાયોને નુકસાન નહીં
સાઉથ ઇંગ્લેન્ડના એગ્રિ એપી સેન્ટરમાં આવી ૫૦ ગાય છે. આ ગાયો પર 5G કોલર ડિવાઇસ એક ટેસ્ટરૂપે લગાવવામાં આવ્યાં છે. આ પ્રોજેક્ટના મેનેજર ડંકન ફોર્બ્સના દાવા મુજબ આ ડિવાઇસથી ગાયોને કોઈ નુકસાન નથી થતું. તબેલાના માલિકો પણ ગાયોના સ્વાસ્થ્ય પર આસાનીથી નજર રાખી શકે છે. ગાયને રોગ હોય કે ગાયને કોઈ સ્ટ્રેસ હોય તો એની પણ જાણ આ ડિવાઇસથી થઈ શકે છે. અમે 5G ઇન્ટરનેટની ક્ષમતા તપાસી રહ્યા છીએ. સામાન્ય બ્રોડબેન્ડ ઇન્ટરનેટ કનેક્શનની તુલનામાં 5G અમને કેટલી ઝડપથી જાણકારી મોકલી શકે છે. આ ટેક્નોલોજી માત્ર મોટી ડેરી જ નહીં સામાન્ય તબેલા ધારકો પણ કરી શકે એમ છે. આ પ્રયોગ સફળ રહેશે તો દેશમાં તમામ ગાયોને એની હેઠળ આવરી લેવાશે. આના કારણે દેશભરના અલગ અલગ તબેલા માલિકો રિયલ ટાઇમમાં જોઈ શકશે કે કઈ ગાય શું કરી રહી છે.
સૌને 5Gનો ઇંતેજાર
ઇન્ટરનેટની દુનિયામાં વિશ્વભરમાં 5G ઇન્ટરનેટનો સૌ કોઈ ઇંતેજાર કરી રહ્યું છે. ભારતમાં એના વિશે ચર્ચા થઈ રહી છે. આશરે ૨૦૨૦ની શરૂઆતમાં ભારતમાં આ સર્વિસ શરૂ થવાની ધારણા છે. ટેક્નોલોજી કંપનીઓનો દાવો છે કે આ સર્વિસ ઇન્ટરનેટ વાપરવાની રીત જ બદલી નાખશે. સેલ્ફ ડ્રાઇવિંગ કારમાં અને ઓગમેન્ટેડ રિયાલિટી પર પણ એની અસર જોવા મળશે. જોકે સામાન્ય લોકો 5G ઇન્ટરનેટનો ઉપયોગ કરે એને થોડો સમય લાગશે. હાલમાં માત્ર કોર્મિશયલ સ્તરે એનો ઉપયોગ શરૂ થયો છે.
લકી છે બ્રિટનની ગાયો
વિશ્વમાં સૌ કોઈ 5G ઇન્ટરનેટનો ઉપયોગ કરવા માટે આતુર છે ત્યારે બ્રિટનમાં એક તબેલો એવો છે જેમાં ગાયો આ સર્વિસ વાપરે છે. આ ગાયોના ગળામાં એવા કોલર લગાવવામાં આવ્યા છે જેમાં 5G ડિવાઇસ લાગ્યા છે. આ ડિવાઇસ દૂધ દોહનારા રોબોટને ડેટા ટ્રાન્સફર કરે છે. જ્યારે ગાયને લાગે છે કે તે દૂધ દોહાવવા માટે તૈયાર છે ત્યારે પોતાની જાતે જ મશીન સુધી પહોંચી જાય છે અને સેન્સરની મદદથી જાતે દરવાજો ખૂલી જાય છે. ડિવાઇસના કારણે ગાયની ઓળખ થઈ જાય છે અને મશીનને પણ ખબર હોય છે કે ગાય દૂધ આપવા માટે કેવી રીતે ઊભી રહેશે. ઇનામના રૂપે ગાયને ત્યાં જ તાજું ઘાસ આપવામાં આવે છે. આમ જ્યારે દૂધ દોહવામાં આવતું હોય ત્યારે ગાય લીલો ચારો ચરતી હોય છે.
શું છે 5G ઇન્ટરનેટ?
શાંઘાઈમાં શરૂ કરવામાં આવેલી 5G ઇન્ટરનેટ સર્વિસ એટલી ફાસ્ટ છે કે ૧ GB ફાઇલ ડાઉનલોડ કરવા માટે માત્ર પાંચ જ સેકન્ડ લાગે છે. આમ 4Gની સરખામણીમાં ૧૦થી ૧૦૦ ગણી સ્પીડ પર કામ થાય છે. ફિલ્મો ડાઉનલોડ કરવામાં માત્ર ગણતરીની સેકન્ડો લાગે છે. ચીનમાં આના કારણે અર્થતંત્રને આશરે ઔએક લાખ કરોડ ડોલરનો ફાયદો થવાની ધારણા છે. આપણા દેશમાં પણ આ સર્વિસ શરૂ થયા બાદ અર્થતંત્ર વેગવાન બને એવી ધારણા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post ઇંગ્લેન્ડમાં ગાયો વાપરે છે 5G ઇન્ટરનેટ appeared first on Sandesh.
from World – Sandesh http://sandesh.com/cows-in-england-uses/
via Best Gujarati News
0 Comments