તું મને લૂટીને પૈસાપાત્ર થા પણ, આપ ના તું એ જ પૈસાથી ‘સુપારી’
કાવ્યકૂકીઝ : રવીન્દ્ર પારેખ
પ્રેમમાં વેપારી
જો બને પ્રેમિકા પોતાની જ કાકી,
તો યુવાનીમાં જ કમ્મર થાય વાંકી.
મોઢું આપોઆપ કાયમ હોય કડવું,
મારી હો હમણાં જાણે કોઈ ફાકી!
તન ઉપર કપડું રહે ના એમ લૂંટયો,
મેં કફ્ન બીજાનું ઓઢી જાત ઢાંકી.
ને પીઠામાં જાઉં તો દારૂ મળે ના,
લાગી છે પીવા હવે પોતે જ સાકી.
છેવટે મરવાને માટે જ્યાં હું કૂદ્યો,
એ તો નીકળી ફૂલ ઓક્સિજનની ટાંકી.
***
હે સખી!
હે સખી! આવી તને ન્હોતી મેં ધારી,
મારી થઈને ફ્રવી મારી પથારી.
શહેર છીંકે છે હવે મારી જ સાથે,
દાળ તેં નક્કી જ મરચાંથી વઘારી.
જે મળે તે ડોકિયાં તારામાં કરતાં,
તું તે નારી છે કે ખુલ્લી સાવ બારી.
હું તને ચાહું છું તેનો અર્થ એ ના
પેટમાં ખોસી દઉં મીઠી કટારી.
ચાહવાનું કહી મને, ચાહે બીજાને,
પ્રેમમાં આ તે કરી કેવી ઉધારી?
તેં મને ખાલી કરી રસ્તે મૂક્યો છે,
ત્યારથી હું ફ્રવું છું ચાની લારી.
તું મને લૂટીને પૈસાપાત્ર થા પણ,
આપ ના તું એ જ પૈસાથી ‘સુપારી.’
***
ગાંધીજી
‘ગાંધીજી જીવતા હતા ત્યારે જેલમાં હતા.’
‘આજેય છે.’
‘બકવાસ નહીં!કેવી રીતે જેલમાં ?’
‘કરોડોની નોટો કસ્ટડીમાં જ છેને!’
***
કવિસસરો
એને ગઝલથી પ્યાર હતો કોણ માનશે?
સસરોય સમજદાર હતો કોણ માનશે?
કફ્ની હતી સફ્દ, રહી એ સફ્દ ના,
તપખીરની વખાર હતો કોણ માનશે?
દીકરીનું નામ રાખી ગઝલ કૈ લખ્યું નહીં,
તો પણ એ ગઝલકાર હતો કોણ માનશે?
ચિંતક થવામાં એને કદી લાગતી ન વાર,
અક્કલમાં એ ઉધાર હતો કોણ માનશે?
એને હતો એ રોગ કે રોગી કરે મને,
હું લગ્નથી બીમાર હતો કોણ માનશે?
દીકરી દીધા પછી કશું આપ્યું નથી કદી,
તેથી એ માલદાર હતો કોણ માનશે?
માથેથી ઊંચકી મને ઊંચે કર્યા કર્યો,
હું પણ કુતુબમિનાર હતો કોણ માનશે?
ઉપદેશ એટલો કે થતું દેશ છોડી દઉં,
એનો પ્રથમ શિકાર હતો કોણ માનશે?
કૈં પણ કર્યું ન હોય ને દોષી ગણે મને,
એવો એ ફેજદાર હતો કોણ માનશે.
એણે નજરથી એટલો ટીપ્યા કર્યો મને,
એ જન્મથી લુહાર હતો કોણ માનશે?
સસરો હતો મેં એટલે છોડી દીધો હતો,
બાકી તો કરવો ઠાર હતો કોણ માનશે?
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post તું મને લૂટીને પૈસાપાત્ર થા પણ, આપ ના તું એ જ પૈસાથી ‘સુપારી’ appeared first on Sandesh.
from Ardha Saptahik – Sandesh http://sandesh.com/you-me-loot-money/
via Best Gujarati News
0 Comments