લાઉડમાઉથ : સૌરભ શાહ

ગાલિબના શબ્દો છેઃ બાઝિચા-એ-અતફાલ હૈ દુનિયા મેરે આગે. આ દુનિયા મને બાળકોને રમવાના વિશાળ મેદાન જેવી લાગે છે.

દુનિયાને તમારી આસપાસના જગતને તમે ખૂબ ગંભીરતાથી લેતા થઈ જાઓ ત્યારે તમારી અંદર રહેલી માસૂમિયત, તમારી નિર્દોષતા, તમે ગુમાવી બેસો છો. પરિણામ શું આવે છે એનું? તદ્ન નહીં જેવી બાબતોમાં તમે તમારી જાતને વેરવિખેર થઈ જતી જુઓ છો અને ખરેખર ગંભીર હોય એવી સમસ્યાઓના ઉકેલ મેળવવાને બદલે તમે ક્ષુલ્લક પ્રશ્નોમાં ગૂંચવાયેલા રહો છો.

માસૂમિયતમાં અને નાદાનિયતમાં જમીન આસમાનનો ફરક છે. માણસે પોતાની વૈચારિક તેમ જ વ્યાવહારિક પુખ્તતા, મેચ્યોરિટી માટે પોતાનું હળવાફૂલપણું ગુમાવી દેવાની જરૂર નથી. વ્યક્તિત્વને ભારેખમ બનાવી દેવાથી માણસ પોતાની જાતને ડૂબાડી દે છે. આંખ સામે જે કંઈ થઈ રહ્યું છે એ બધું બચ્ચાંના ખેલ સમાન છે, રમત પૂરી થતાં જ અત્યાર સુધી ચોર પોલીસ રમી રહેલાં બાળકો ફરી ભેગાં મળી જવાનાં છે. કોઈ કોઈની સાથે કાયમી ચોર તરીકે વર્તવાનું નથી. તમે આ રમતમાં કેવી રીતે ભેગા લો છો એ જ મહત્વનું છે. બાળકોની રમતો તમને શીખવાડે છે કે દુનિયામાં કશું કાયમી નથી.

કુતૂહલ અને દોષરહિતતા બાળકોનો પાયાનો સ્વભાવ છે. એમના મૂળભૂત વ્યક્તિત્વ પર અન્ય રંગ ચડયા નથી હોતા. મોટા થતાં સુધીમાં, દુનિયાની દ્રષ્ટિએ સમજણા થઈ ગયા પછી, ખૂબ બધાં આવરણો એમના આ મૂળભૂત વ્યક્તિત્વને ઢાંકી દે છે. દુનિયાને જો બાઝીચા-એ-અતફાલ તરીકે જોવાની દ્રષ્ટિ કેળવવી હોય તો આ બધાં આવરણોને એક પછી એક દૂર કરવાની પ્રક્રિયા શરૂ કરવી પડે. એનો જેટલો જલદી આરંભ થઈ જાય એટલું સારું. આસપાસની વિષમતાઓ, બીજાઓમાં રહેલી અટપટી અને અકળાવનારી વર્તણૂકો તથા રોજિંદી બની ગયેલી તડકીછાંયડીઓ તરફ તટસ્થ રહેવાનો એક જ ઈલાજ છેઃ તમારી પોતાની વિષમતાઓને તમારે દૂર કરતાં જવું. માણસ અંદરથી જેટલો સરળ બને છે એટલો જ એ બહારથી મજબૂત અને અભેદ્ય બનતો જાય છે.

ખરાબ દુનિયામાં રહીને માણસ પોતે પણ પોતાના અંતઃસત્ત્વને એવું જ ખરાબ બનવા દે તો પછી એવી પરિસ્થિતિમાંથી ઊગરવાની કોઈ જ શક્યતા બચતી નથી. દુનિયાને તમે બદલી શક્તા નથી અને તમે પોતે પણ બદલાવા માગતા નથી કે દુનિયા જેવા થઈ જવા માગતા નથી. આટલું સ્વીકારી લીધા પછી એક હકીકત સ્વીકારવી જ પડે કે તમારે આ જ દુનિયામાં રહેવાનું છે. આ જ લોકો તમારી આસપાસ હશે એવા વાતાવરણમાં રહેવાનું છે. અભેદ્ય અને મજબૂત કવચની જરૂર અહીં પડે છે. બ્લોટિંગ પેપર જેવું વર્તન રાખવાથી બહારની બધી ખરાબીઓ તમારા વ્યક્તિત્વમાં શોષાતી રહે છે. ડકબેક-બતકની પીઠ જેવા બની જવાથી કશું શોષાતું નથી, સ્પર્શીને તરત વહી જાય છે એ ગંદકી. સતત કાવાદાવામાં રાચતી વ્યક્તિ કે હંમેશાં સાચાનું જૂઠ્ઠું અને જુઠ્ઠાનું સાચું કરનારી વ્યક્તિ હંમેશાં અંદરખાનેથી ગભરાયેલી રહે છે. અભેદ્ય કવચ નિર્ભયતાની નીપજ છે એ નિર્ભયતા જેનો જન્મ આંતરિક સરળતાને કારણે થાય છે.

બાળકોમાં આવી સરળતા સાહજિક હોય છે, માટે જ તેઓ મોટાઓ કરતાં વધુ સાહસિક હોય છે. મોટાઓ જ્યારે એમને ટોકે છે કે આમ ન થાય, આમ જ થાય ત્યારે તેઓ સામો પડકાર ફેંકે છેઃ આમ કેમ ન થાય? આમ જ શા માટે થાય?

આવા પ્રશ્નોને ચૂપ કરી નાખવા સહેલા છેઃ કહ્યું ને કે આમ ન થાય એટલે ન થાય. મોટાઓની ધાકને કારણે સહમી ગયેલું બાળક કદાચ કામચલાઉ શરણગતિ સ્વીકારી પણ લે તો ભવિષ્યમાં એ સમર્થ બનશે ત્યારે બમણા જોરથી સવાલ કરશે. તે વખતે એ જવાબની રાહ જોયા વિના પોતે જે કરવું હશે તે કરશે. આવા બાળક જેવો જ છે માણસની અંદર રહેલાં નૈસર્ગિક અવાજ. તમારે એને અંતરાત્મા જેવું ભારેખમ નામ આપવું હોય તો ભલે. બાળસહજતા જેણે ગુમાવી નથી કે જેણે મહામહેનતે પાછી મેળવી લીધી છે એમને પોતાનો આ અવાજ સ્પષ્ટ સંભળાય છે. એટલું જ નહીં, બીજાઓમાં સંભળાતો આ અવાજ પણ એમના સુધી સ્પષ્ટપણે પહોંચે છે.

બાળકોની દ્રષ્ટિએ જોવાથી સામેના ખેલના મેદાનમાં થતી રમતોના નાના નાના આનંદો ખૂબ મોટા લાગે છે અને મોટા મોટા ઝઘડા ખૂબ નાના.

સાયલન્સ પ્લીઝ!

દરેક નકારાત્મક લાગણી પ્રગટ કરી દીધા પછી એનું પરિણામ ભોગવવું જ પડતું હોય છે. મનમાં જન્મતી બધી જ નકારાત્મક લાગણીઓ કાયમી નથી હોતી. તો પછી એ જેવી જન્મે એવી જ એને પ્રગટ કરીને આખી જિંદગીનો ખોટનો ધંધો શું કામ કરવો.

– અજ્ઞાત

www.facebook.com/Saurabh.a.shah

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post માણસ અંદરથી જેટલો સરળ એટલો બહારથી મજબૂત appeared first on Sandesh.



from Ardha Saptahik – Sandesh http://sandesh.com/from-man-inside-as-simple-atal/
via Best Gujarati News

0 Comments