ફોકસ  : વસંત કામદાર

સ્પેનનાં મેડ્રીડ ખાતે જન્મેલા ૧૦ વર્ષનાં જુલીયોને તેનાં પિતા વકીલ બનાવવા માંગતા હતા, પરંતુ જુલીયોનું તો કેવળ એક જ સ્વપ્ન હતું: પોતાની ફેવરિટ કલબ રીયલ મેડ્રીડ વતી ફૂટબોલ રમવું. તે કલાકો સુધી ફૂટબોલના મેદાન ઉપર રહેતો…એ ત્યાં જ જમતો અને ઘણીવાર તો ત્યાં જ સૂઈ જતો. તેની આ ૧૦ વર્ષની અવિરત મહેનત આખરે રંગ લાવી. તે ધીમેધીમે એક ઉત્તમ કક્ષાનો ગોલકીપર બની ગયો.

૨૦ વર્ષની ઉંમરે તેનું સ્વપ્ન સાકાર થવા લાગ્યું. સ્પોર્ટ્સના સામાયિકોમાં અને નિષ્ણાતોમાં તેના ગોલ કીપિંગની નોંધ લેવાવા લાગી…અને અનેક દિવસ તેને રીયલ મેડ્રીડ કલબ વતી ફૂટબોલ રમવા માટે સાઈન કરી લેવામાં આવ્યો.

૧૯૬૩ની એક મનમોહક સાંજે જુલીયો અને તેનાં મિત્રો કારમાં ક્યાંક ફરવા જઈ રહ્યા હતા અને તેમની કાર કોઈ મોટા વાહન સાથે અથડાઈ પડી. એ અકસ્માત જીવલેણ હતો, પરંતુ નસીબે જુલીયોને બચાવી લીધો. રીયલ મેડ્રીડ અને આખા સ્પેનનો લોકલાડીલો ગોલકીપર હવે હોસ્પિટલના બિછાને પડયો હતો. તેની કરોડરજ્જુમાં લોહીના ભરાવાથી ટયુમર થઈ ગયું હતું અને તેના કારણે તેની કમર નીચેનું શરીર લક્વાગ્રસ્ત બની ચૂક્યું હતું. ડોક્ટરોએ જાહેર કરી દીધું કે જુલીયો માટે ફૂટબોલ રમવાનું હવે તદ્ન અશક્ય છે.

નાનપણથી જ ફૂટબોલ વિશ્વનાં સર્વશ્રેષ્ઠ ગોલકીપર બનવાનું સ્વપ્ન જોઈ રહેલાં જુલીયો માટે આ સમય અતિશય આકરો હતો. એ જ્યારે પણ પોતાને નડેલા અકસ્માત અંગે વિચારતો ત્યારે તેને ભગવાન ઉપર શંકા થતી. જુલીયો ૧૬ મહિનાથી હોસ્પિટલમાં રહીને શારીરિક તેમજ માનસિક યાતનાઓ વેઠી રહ્યો હતો. તેમનું મન અશાંતિ અને હતાશથી ભરાઈ ગયું હતું. તેનું મનગમતું સ્વપ્ન તૂટીને વેરવિખેર થઈ ચૂક્યું હતું અને એવામાં જ એક અજાયબ ઘટના બની…

એ હોસ્પિટલમાં કામ કરતા એક સેવાભાવી નર્સબહેનને આ મનથી ભરી ચૂકેલા અને તનથી તૂટી ચૂકેલા જુવાન ઉપર દયા આવી. તેમણે તેને એક ગિટાર લાવીને ભેટમાં આપ્યું. અને સંગીત શીખવા માટે ઉત્તેજન આપ્યું. જુલીયો માટે આ કંઈક અકલ્પનીય હતું. તેને તો અત્યાર સુધી ફૂટબોલ સિવાય બીજું કશું દેખાતું નહોતું. એટલે તેણે ક્યારેય સંગીતમાં રસ લીધો નહોતો. તેને પેલા નર્સબહેનની આ ભેટ નકામી લાગી. પરંતુ આખો દિવસ પથારીમાં પડયાં પડયાં ભારે કંટાળો આવતો હોવાથી ના છૂટકે તેણે ગિટાર વગાડવાનું શરૂ કર્યું. તે રેડિયો સાંભળી સાંભળીને ગિટાર વગાડતા શીખ્યો. ગિટાર વગાડવાથી તેને એક અદ્ભુત અનુભવ થયો. એ જ્યારે જ્યારે ગિટાર વગાડીને કોઈ ગીત ગાતો ત્યારે તેને પીડા અને હતાશામાંથી રાહત મળી જતી. તેની સાથેનાં દર્દીઓ, દવાખાનામાં કામ કરતા આરોગ્ય કર્મચારીઓ અને ડોક્ટરોએ પણ તેનામાં આવેલા આ સંગીતસભર પરિવર્તનની નોંધ લીધી.  આ તો એક ચમત્કાર જ હતો. જેમ રેલગાડી પાટા બદલે અને મુસાફરીની આખી દિશા બદલાઈ જાય એ જ રીતે તેનું મન પણ પાટા બદલી રહ્યું હતું અને તેના જીવનની સમૂળી દિશા બદલાઈ રહી હતી.

આખરે ૧૮ મહિના બાદ જુલીયોનું શરીર સ્વસ્થ થવા લાગ્યું. તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી. હવે તેને માટે ચાલવું કે દોડવું અઘરું બની ગયું હતું એટલે ફૂટબોલના મેદાન ઉપર પરત જવાનું તો અશક્ય હતું. રીયલ મેડ્રીડ કલબે પણ તેની સાથે થયેલો કરાર તોડી નાંખ્યો…પણ જુલીયો હવે હતાશ નહોતો. તેને તેનાં સર્જનહારે નવી જિંદગીના સાથે સાથે નવી ઓળખ પણ આપી હતી. તેણે એક્સિડન્ટનાં બરાબર ૫ વર્ષ બાદ ૧૯૬૮માં એક સ્પેનીશ ગાયન સ્પર્ધામાં ભાગ લીધો. તેણે ગાયેલા ગીતનાં શબ્દો હતાં ‘Life goes on as usual’…અને એ ગીતને શ્રોતાઓ તથા નિર્ણાયકોએ અનહદ ઉમળકા સાથે વધાવી લીધું…તેને પ્રથમ ઈનામ પ્રાપ્ત થયું.

આ સાથે જુલીયો ઈગ્લેશીયસની એક વણથંભી સંગીતયાત્રા શરૂ થઈ. ૧૯૬૯માં તેનું સર્વપ્રથમ આલ્બમ ‘ર્રૃ ષ્ઠટ્વહંર્’ બહાર પડયું અને એ આલ્બમે સંગીતવિશ્વમાં ધૂમ મચાવી દીધી. તેણે વિશ્વની ૧૪થી વધુ ભાષાઓ શીખીને એ બધી જ ભાષાઓમાં સંગીતસભર ગીતો તૈયાર કર્યા. તેણે વિશ્વનાં ૫ ખંડોનાં લગભગ દરેક પ્રસિદ્ધ સ્ટેડિયમોમાં અંદાજિત ૬ કરોડની જનમેદની સમક્ષ ૫ હજાર કરતાં વધુ સફળ કાર્યક્રમો કર્યા…!

ચીન જેવા દેશે પણ તેને એપ્રિલ ૨૦૧૩માં સહુથી લોકપ્રિય આંતરરાષ્ટ્રીય સંગીતકાર તરીકેનું બહુમાન આપ્યું. એવું જ સન્માન તેને બ્રાઝિલ, રોમાનિયા, ફ્રાન્સ અને ઈટાલી જેવાં દેશોમાં પણ મળ્યું.

‘જાન થા જાપાન પહોંચ ગયે ચીન’ એ પંક્તિને સાર્થક કરનાર જુલીયો ઈગ્લેશીયસને ખૂબ ખૂબ અભિનંદન.

ardh@sandesh.com

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post જાના થા જાપાન…પહોંચ ગયે ચીન appeared first on Sandesh.



from Ardha Saptahik – Sandesh http://sandesh.com/jana-tha-japan-access-gaye-chi/
via Best Gujarati News

0 Comments