રીલેશનના રિલેસન : રવિ ઈલા ભટ્ટ

उम्मीद ओ यास की रुत

आती जाती रहती है

मगर यक़ीन का मौसम

नहीं बदलता है

જીવનમાં ક્યારેક, ક્યાંક, કોઈક સમયે આપણે અનુભવની વાત કરવા બેસીએ ત્યારે આપણે અંગત અનુભવને પ્રાધાન્ય આપીને એક જનરલાઈઝડ સ્ટેટમેન્ટ કરી દઈએ છીએ. તર્કશાસ્ત્રે ખૂબ જ સરસ શબ્દ આપ્યો છે, ધારો કે. આ ધારણા આપણને જીવનમાં સતત આગળ વધારતી રહે છે, ભૂતકાળ યાદ કરાવતી રહે છે અને ભવિષ્ય માટે તૈયાર કરતી રહે છે. સામાન્ય રીતે આપણી આ ધારો કેની લાગણી અન્ય વ્યક્તિ માટે વધારે હોય છે. ખાસ કરીને જ્યારે સામેની વ્યક્તિ ઉપર વિશ્વાસ મૂકવાની વાત આવે ત્યારે આ ધારો કે ખૂબ જ એક્ટિવ થઈ જાય છે. તેનું કારણ એક જ છે કે, આપણા સંબંધો ધારણાના આધારે બંધાયેલા હોય છે. આપણે સામેની વ્યક્તિ વિશે ધારીએ છીએ અને સામેની વ્યક્તિ આપણા વિશે. કોઈપણ વ્યક્તિ ઉપર વિશ્વાસ મૂકવાનો વારો આવે ત્યારે પણ ભૂતકાળના ધારો કેને આપણે ફંફેસીએ છીએ અને ભવિષ્યના ધારો કે સાથે સાંકળીએ છીએ પછી કોઈ નિર્ણય કરીએ છીએ. આ ધારો કે ઉપર સામેની વ્યક્તિ ખરી ન ઉતરે તો આપણે તેને વિશ્વાસઘાતી માની લઈએ છીએ. આ દરેક સંબંધમાં લાગુ પડતું સામાન્ય ધારો કે છે.

આપણા દરેક સંબંધો ધારણાઓના પરિઘમાં જ સમાયેલા છે. માણસ સામાજિક પ્રાણી છે અને સમાજમાં તે ધારણાના આધારે જ આગળ વધતો હોય છે. ગમે તેવો ચાલાક, ઈન્ટેલિજન્ટ, પ્લાનિંગ કરનારો, સક્સેસફુલ માણસ હોય તે પણ પોતાની જિંદગીના એક પાસામાં ધારણાના આધારે જીવતો જ હોય છે. તેના મનનો એક ખૂણો તેને ધારણા કરવા પ્રેરે છે. આપણને ભલે ભૂતકાળ જેવી જ પીડા થાય, વિશ્વાસઘાત મળે અથવા તો પાંચ-દસ ટકા ઈચ્છિત પરિણામ મળે છતાં આપણે ધારણાના આધારે જીવવાનું છોડતા નથી. આપણને ક્યાંક ને ક્યાંક એવો વિશ્વાસ છે કે હવે આવું નહીં થાય, હવે તો આ વ્યક્તિ આવું નહીં કરે, હવે વાંધો નહીં આવે. આ વિશ્વાસ ખરેખર તો માણસમાં મૂકાતી શ્રદ્ધા છે.

ભગવાન બુદ્ધનો કિસ્સો બધા જાણે જ છે. એક સ્ત્રી પોતાના મૃત બાળકને જીવતો કરવા માટે આવે છે અને જીદ કરે છે. તેને ઈશ્વરના ચમત્કારમાં શ્રદ્ધા છે, પણ નિયતી ઉપર વિશ્વાસ નથી. ભગવાન બુદ્ધ તેને એવા ઘરમાંથી એક મુઠ્ઠી રાઈ લાવવાનું કહે છે જ્યાં ક્યારેય કોઈનું મરણ ન થયું હોય. લાગણીઓના આવેશમાં તે આખું નગર ફ્રી વળે છે અને છેલ્લે તેને ભાન થાય છે કે, મારી જિદ ખોટી હતી. આપણા સમાજમાં, આપણી આસપાસના લોકોમાં, આપણા ગ્રૂપમાં એવી કોઈ વ્યક્તિ નહીં હોય જેને કોઈને કોઈ તકલીફ નહીં હોય. કેટલાક લોકો પોતાની તકલીફે બીજાને જણાવે છે અને કેટલાક જણાવતા નથી. આ સ્થિતિ એવી છે જે ત્રીજા પ્રકારના લોકો માટે જોખમી છે. આ પ્રકારના લોકો એવા છે જે બીજાના અનુભવના આધારે પોતાના જીવનનો પાયો ચણતા હોય છે. કેટલાક લોકો જાત અનુભવ બાદ જ કોઈ સ્થિતિ અંગે નિર્ણયાત્મક થતા હોય છે. કેટલાક લોકો એવા પણ હોય છે જે ક્ષણિક અનુભવને આધારે લાંબાગાળાના નિર્ણય કરી લેતા હોય છે.

આપણી સમસ્યા એ છે કે, આપણી સાથે થયેલો એક અનુભવ આપણે સમાજ સાથે જોડી દઈએ છીએ. તેમાં આપણો સૌથી મોટો સાથી હોય છે ધારો કે. ઘરમાં ક્યારેક કોઈ ડોમેસ્ટિક હેલ્પરે ચોરી કરી તો આપણે સમગ્ર સમુદાયને એક જ લાકડીએ હાંકવા માંડીએ છીએ. આપણા સર્કલમાં એકાદ વ્યક્તિની સાસુ ખરાબ હોય તો આપણે સાસુઓ આવી જ હોયનું લેબલ તૈયાર કરી લઈએ છીએ. એકાદ પતિ પોતાની પત્નીને છેતરે તેના આધારે પુરુષો લંપટ હોવાનું લેબલ આપણે બનાવી લઈએ છીએ. સંબંધોમાં એક વખત છેતરાયેલી વ્યક્તિ પછી દરેક વ્યક્તિને છેતરામણી જ માનતી થઈ જાય છે.

વિક્ટર હ્યુગો નામના નવલકથાકારે ૧૮૬૨ની સાલમાં એક અદ્ભુત રચના રજૂ કરી હતી. તેનું નામ હતું લા મિઝરેબલ. આ નવલકથાનો પ્રોટાગોનિસ્ટ જ્યોં વેલ્જ્યોં ઈશ્વર અને માણસમાં રહેલા વિશ્વાસ અને શ્રદ્ધાનું અદ્ભુત ઉદાહરણ છે. પોતાની બહેનના સંતાનો ભૂખે મરતા હોય છે તે જ્યોંથી સહન થતું નથી અને તે બ્રેડની ચોરી કરે છે. તેના માટે તેને જેલમાં મોકલવામાં આવે છે. જેલમાંથી બહાર આવ્યા બાદ, પણ તેને સામાન્ય જીવન જીવતા ઘણો સમય લાગે છે. તે ચોરી કરીને એક પાદરીને મળે છે. તે પાદરીને કહે છે કે, મેં ચોરી કરી છે. પાદરી તેને માફ કરી દે છે. જ્યોંને નવાઈ લાગે છે કે, પાદરીએ તેને આટલી સરળતાથી કેવી રીતે માફ કરી દીધો. તે સવાલ કરે છે કે, ચોરી જેવા ગુના માટે કાયદો આટલો કડક છે અને તમે સરળતાથી મને માફ કરી દીધો. પાદરી તેને જણાવે છે કે, મને તારામાં શ્રદ્ધા છે કે તું ફ્રીથી આવું નહીં કરે. જો હું માણસમાં જ શ્રદ્ધા ન રાખું તો ઈશ્વરમાં આસ્થા રાખવાનો અર્થ જ નથી. માણસ ઈશ્વરનું જ સર્જન છે.

વાત બિલકુલ સાચી છે. આપણે ખરેખર તો વિશ્વાસ ઈશ્વરમાં રાખવાનો છે અને શ્રદ્ધા માણસમાં રાખવાની છે પણ આપણે તો ધારો કેના ચક્કરમાં સદીઓથી ઊંધું જ કરતા આવ્યા છીએ. આપણને માણસમાં વિશ્વાસ નથી અને ઈશ્વરમાં શ્રદ્ધા રાખતા ફ્રીએ છીએ. વાસ્તવિકતા એવી છે કે, આપણે જેવું ધારીએ છીએ તેવું આપણી સાથે થાય છે. આપણે પહેલેથી નેગેટિવ વિચારી લઈએ તો આપણી સાથે એવું જ થવાનું છે. જીવનમાં એવું બને કે સામેની વ્યક્તિ આપણી ધારણા પ્રમાણે ન વર્તે, આપણી ધારણાથી વિરુદ્ધ આપણને દુઃખ પહોંચાડે, આપણું નુકસાન કરાવે. આ બધી જ શક્યતાઓ વચ્ચે એક શક્યતા એવી પણ છે કે, આપણી ધારણા છે તેમ સામેની વ્યક્તિની પણ ધારણા હશે. આપણે આ એક અનુભવના આધારે. દરેક સંબંધની ઈમારતમાં આપણે શ્રદ્ધા અને વિશ્વાસનો સિમેન્ટ નાખવાને બદલે ધારણા અને અવિશ્વાસની રેતી વધારે નાખી દઈએ છીએ. તેના કારણે આપણા સંબંધોના પાયા ઢીલા પડી જાય છે.

જિંદગીમાં ખોટો અનુભવ થાય, માઠું લાગે ત્યારે એક જ કામ કરવું, અરિસા સામે ઊભા રહીને પોતાની જાતને જ સવાલ કરવો કે અવિશ્વાસ કરવાથી, અનીતિ સ્વીકારી લેવાથી, તિરસ્કાર કરવાથી, સામેના વ્યક્તિ પ્રત્યે ધૃણા રાખવાથી,  આપણને કેટલો ફયદો થશે. દરેક વ્યક્તિ પાસે આવી ધારણાઓ જ રાખવાથી કશું મળવાનું નથી, કંઈક સારું થાય છે તેવી તેને શ્રદ્ધા છે. તેને માણસમાં શ્રદ્ધા હોય છે. આવી જ શ્રદ્ધા માનવજાતને ચાલકબળ પૂરું પાડે છે. સંબંધોને ભગવાન ભરોસે છોડવા કરતાં માણસના ભરોસે છોડવા વધારે સારા છે. એકાદ કડવો ઘૂંટડો પીવાશે પણ તેના દ્વારા જ મીઠા ઘૂંટડાની શોધ કરવાની શ્રદ્ધા જાગશે.

ravi.writer7@gmail.com

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post શ્રદ્ધા રાખવી જ હોય તો માણસમાં રાખીએ appeared first on Sandesh.



from Ardha Saptahik – Sandesh http://sandesh.com/faith-hari-hai-hai-hai-maal/
via Best Gujarati News

0 Comments