જીએસટી દર ઘટાડાનો લાભ ગ્રાહકોને નહીં આપવા બદલ પ્રોક્ટર એન્ડ ગેમ્બલ કસૂરવાર
। નવી દિલ્હી ।
ભાવમાં ઘટાડા દ્વારા રૂ.૨૫૦ કરોડના જીએસટી દર ઘટાડાનો લાભ ગ્રાહકોને નહીં આપવા બદલ અગ્રણી એફએમસીજી કંપની પ્રોક્ટર એન્ડ ગેમ્બલ (પી એન્ડ જી) ઈન્ડિયાને જીએસટીની પ્રોફિટીઅરિંગ ઇન્વેસ્ટિગેશન શાખાએ કસૂરવાર ઠેરવી છે.
સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ નોંધાવાયેલી ફરિયાદને આધારે ડિરેક્ટોરેટ જનરલ ઓફ એન્ટિ પ્રોફિટીઅરિંગ (ડીજીએપી) દ્વારા ૨૦૧૭ના નવેમ્બર પૂર્વે અને ત્યારબાદના કંપનીના ચોપડા તપાસવામાં આવ્યા હતા અને એવા નિષ્કર્ષ ઉપર આવી હતી કે જીએસટીનો દર ૨૮ ટકા ઉપરથી ઘટાડી ૧૮ ટકા કરવામાં આવ્યો હોવા છતાં અમુક પ્રોડક્ટસની કિંમતમાં કંપનીએ ઘટાડો કર્યો ન હતો. ડીજીપીએના રિપોર્ટમાં જણાવાયું છે કે કંપનીએ આ રીતે રૂ.૨૫૦ કરોડનો નફો કર્યો હતો. કંપનીનો અભિપ્રાય જાણ્યા બાદ નફાના પ્રમાણ અંગે આખરી આદેશ નેશનલ એન્ટિ પ્રફિટીઅરિંગ ઓથોરિટી (એનએએ) દ્વારા આપવામાં આવશે, એમ એક અધિકારીએ જણાવ્યું હતું.
પી એન્ડ જી દ્વારા વોશિંગ પાઉડર બ્રાન્ડ એરિયલ અને ટાઇડનું ઉત્પાદન કરવામાં આવે છે. તદુપરાંત શેમ્પૂમાં હેડ્સ એન્ડ શોલ્ડર્સ અને પેન્ટિન, કોસ્મેટિક બ્રાન્ડમાં એમ્બીપુર, પેમ્પર્સ, વિક્સ અને સેનિટરી નેપ્કિન વિસ્પરનો સમાવેશ થાય છે.
આ બાબતે સંપર્ક સાધવામાં આવતા કંપનીએ જણાવ્યું હતું કે, ‘એક જવાબદાર કોર્પોરેટ તરીકે પી એન્ડ જીએ હંમેશાં જીએસટીના દર ઘટાડાનો લાભ ગ્રાહકોને આપ્યો છે. અમે ગ્રાહકોને ચોખ્ખો લાભ પહોંચતો કર્યો છે અને ગ્રાહકો, દુકાનદારો અને રિટેલરોમાં આ બાબતે જાગૃતિ વધે તે માટે અખબારોમાં જાહેરાત પણ આપી હતી.’ ૨૦૧૭ના ૧૫ નવેમ્બરથી અમલી બને એ રીતે જીએસટી કાઉન્સિલ દ્વારા ૧૭૮ પ્રોડક્ટ્સ ઉપર જીએસટી દર ઘટાડવામાં આવ્યા હતા. વોશિંગ પાઉડર, શેમ્પૂ, કોસ્મેટિક્સ અને ડેન્ટલ હાઇજિન ઉપરનો જીએસટી દર ૨૮ ટકા ઉપરથી ઘટાડી ૧૮ ટકા કરવામાં આવ્યો હતો.
જીએસટી એન્ટિ પ્રોફિટીઅરિંગના નિયમો અનુસાર કંપનીઓએ પ્રોડક્ટના ભાવમાં ઘટાડા દ્વારા તેનો લાભ ગ્રાહકોને આપવો જોઈએ. આમ છતાં કંપનીઓએ બેઝ પ્રાઇસમાં વધારો કર્યો હોવાની અને દર ઘટાડા પૂર્વે અને બાદમાં પ્રોડક્ટસની એમઆરપી જાળવી રાખી તે દ્વારા ઓછો જીએસટી ચાર્જ કર્યો હતો એવી ફરિયાદ ગ્રાહકોએ કરી હતી. પી એન્ડ જીએ જણાવ્યું હતું કે સત્તાધીશોને સહકાર આપવાનું કંપની ચાલુ રાખશે અને તેમની સમક્ષ સ્પષ્ટતા કરશે. જીએસટીના દર ઘટાડાનો લાભ ગ્રાહકો સુધી પહોંચતો કરવાની કામગીરીને સંબંધિત સત્તાધીશો બિરદાવશે એવી અમને આશા છે. કોઈ એક કંપની વિરુદ્ધ પ્રોફિટીઅરિંગ વિરુદ્ધ ફરિયાદ મળે તે પછી ડીજીએપીને કંપનીના ચોપડા તપાસવાની અને કંપની દ્વારા અન્ય ઉત્પાદિત પ્રોડક્ટસમાં દર ઘટાડાનો લાભ ગ્રાહકો સુધી પહોંચાડાયો છે કે કેમ તે જોવાની સત્તા છે.
ડોક્યુમેન્ટ્સનો અભ્યાસ કર્યા બાદ ડીજીએપીએ આગળ ઉપર પગલાં લેવા માટે પોતાનો રિપોર્ટ નેશનલ એન્ટિ પ્રોફિટીઅરિંગ ઓથોરિટીને સુપરત કર્યો હતો. ઓથોરિટીને કંપની કસૂરવાર જણાય તો તેના દ્વારા નક્કી કરવામાં આવનારી રકમ કંપનીએ ગ્રાહકોને પરત આપવાની રહેશે. ગ્રાહકોને ઓળખી ન શકાય એ સ્થિતિમાં કંપનીએ આ રકમ કેન્દ્ર અને રાજ્યોના કન્ઝયુમર વેલ્ફેર ફંડમાં જમા કરાવવાની રહેશે.
એનએએ દ્વારા ૨૦૧૮ના ડિસેમ્બરમાં ગ્રાહકોને જીએસટીના લાભથી વંચિત રાખનારી કંપની તરીકે એચયુએલને ઓળખી કાઢવામાં આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post જીએસટી દર ઘટાડાનો લાભ ગ્રાહકોને નહીં આપવા બદલ પ્રોક્ટર એન્ડ ગેમ્બલ કસૂરવાર appeared first on Sandesh.
from Business – Sandesh http://sandesh.com/gst-rate-declining-benefit-grey/
via Best Gujarati News
0 Comments