। મુંબઈ ।

ક્રૂડ તેલના ભાવ વધવાનું મંગળવારે પણ ચાલુ રહ્યું હતું. આથી, શેરબજારમાં અફરાતફરીનું વાતાવરણ જોવાયું હતું. ઓટો અને બેન્કિંગ શેર્સના ખરાબ દેખાવને કારણે શેરબજાર ઘટાડા સાથે બંધ થયું હતું. ઈરાન ઉપર મુકાયેલા પ્રતિબંધમાં આપવામાં આવેલી છૂટછાટ મે મહિનામાં પૂરી થશે એવી અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની જાહેરાત બાદ રોકાણકારોએ સાવચેતીભર્યો અભિગમ અપનાવ્યો હતો. દિવસના કામકાજના અંતે સેન્સેક્સ ૮૦.૩૦ પોઇન્ટ ઘટી ૩૮,૫૬૪.૮૮ અને નિફ્ટી ૧૮.૫૦ પોઇન્ટ ઘટી ૧૧,૫૭૫.૯૫ ઉપર બંધ થયા હતા. સેન્સેક્સ એક તબક્કે ૩૮,૮૩૨.૬૧ અને નિફટી ૧૧,૬૪૫.૯૫ના સ્તરે પહોંચ્યા હતા. નિફ્ટી ૧૧,૬૦૦ની સપાટી જાળવવામાં નિષ્ફળ રહ્યો હતો.

એનર્જી, એફએમસીજી અને ફાર્મા કંપનીઓના શેર્સમાં નજીવી ખરીદી જોવા મળી હતી જ્યારે ઓટો, બેન્ક, મેટલ અને ઇન્ફ્રા કંપનીઓના શેર્સ ઘટયા હતા.

બીએસઈમાં મારુતિ સુઝુકી ૩.૬૦, યસ બેન્ક ૨.૧૮ અને તાતા સ્ટીલ ૨.૧૮ ટકા ઘટયા હતા.

બાટા ઈન્ડિયાનો શેર ઇન્ટ્રા ડેમાં રૂ.૧,૪૪૪ની નવી વિક્રમી સપાટીએ પહોંચ્યો હતો. માર્ચના ત્રિમાસિક ગાળામાં કંપનીના સંગીન પરિણામની ધારણાએ શેર વધ્યો હતો. આ સાથે છેલ્લાં છ મહિનામાં બાટા ઈન્ડિયાના શેરમાં ૬૮ ટકા ભાવવધારો જોવાયો છે. ન્યૂલેન્ડ લેબ્સ રૂ.૫૪.૧૦ વધી રૂ.૭૧૧.૨૦ ઉપર બંધ થયો હતો.

એવન્યૂ સુપર માર્કેટનો શેર સતત સાતમા દિવસે ઘટયો હતો. આ સાથે શેર પાંચ મહિનાના તળિયે પહોંચ્યો હતો. શેર રૂ.૩૮.૭૫ના ઘટાડા સાથે રૂ.૧,૨૮૬.૦૫ ઉપર બંધ થયો હતો.

લુપિન અને સન ફાર્મા વધ્યા હતા. બાયોકોનના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સની બેઠક ૨૫ એપ્રિલે મળશે. આ બેઠકમાં બોનસ શેર્સ બાબતે વિચારણા કરાશે. શેર દીઠ .૧૩૪ના ભાવે એસેલ પ્રોપેકમાં બહુમતી હિસ્સો બ્લેકસ્ટોન ગ્રૂપ ખરીદશે. ઓરિઓન પીઆરઓને દેશની એક અગ્રણી બેન્ક દ્વારા રૂ.૧૮ કરોડનો ઓર્ડર મળ્યાના અહેવાલે શેરનો ભાવ ૫,૫ ટકા વધ્યો હતો. સ્પાઇસ જેટ શુક્રવારથી મુંબઈ અને દિલ્હીને સાંકળતી ૨૮ નવી ફ્લાઇટ શરૂ કરશે. ક્રેડિટ રેટિંગ એજન્સીઓ કેર રેટિંગ્સ અને બ્રિકવર્ક રેટિંગ્સે રિલાયન્સ કેપિટલનું રેટિંગ ઘટાડયું હતું. આને પરિણામે અનિલ અંબાણી ગ્રૂપની કંપનીઓના શેર્સના ભાવ ઘટયા હતા. ઓએનજીસીમાં ૪ ટકા વધ્યા હતા. ચોલાંડલમનો શેર રૂ.૮.૪૫ ઘટી રૂ.૧,૪૧૮.૩૦ ઉપર બંધ થયો હતો.

ક્રૂડ તેલના ભાવમાં વધારો : બ્રેન્ટ ક્રૂડ વાયદો એક બેરલે ૦.૭૮ ટકા વધી ૭૪.૫૮ ડોલર અને ડબ્લ્યૂટીઆઈ ક્રૂડ તેલ વાયદો એક બેરલે ૦.૮ ટકા વધી ૬૫.૧૦ ડોલર થયો હતો. ઈરાન ઉપરના પ્રતિબંધની છૂટછાટ મે મહિનામાં પૂરી થશે એવી અમેરિકાની જાહેરાત બાદ ક્રૂડ તેલના ભાવ વધ્યા હતા. ભારત સહિત અન્ય આઠ દેશો ઈરાનના ક્રૂડ તેલના મોટા ગ્રાહક છે પરંતુ અમેરિકાના નિર્ણયને પરિણામે તેમની ક્રૂડ તેલની આયાત મર્યાદિત બની રહેશે.

ડોલર સામે રૂપિયામાં નરમાઈ : ડોલર સામે રૂપિયો સતત ચોથા સત્રમાં ઘટયો હતો. અમેરિકા ડોલર સામે રૂપિયો ૬૯.૮૪ સુધી પહોંચ્યા બાદ સુધારા સાથે ભાવ ૬૯.૭૩ મુકાયો હતો. સોમવારે ડોલર સામે રૂપિયાનો બંધ ભાવ ૬૯.૬૭ હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post શેરબજારમાં અફરાતફરી વચ્ચે આગળ વધતી નરમાઈ appeared first on Sandesh.



from Business – Sandesh http://sandesh.com/stock-market-afternoon/
via Best Gujarati News

0 Comments