। મુંબઈ ।

અંતિમ ઓવરોમાં નાટકીય ધબડકો છતાં જોશ બટલરના તોફાની ૮૯ રનની મદદથી રાજસ્થાન રોયલ્સે મુંબઈ ઈન્ડિયન્સને ચાર વિકેટે પરાજય આપી આ સિઝનમાં સાત મેચમાં પોતાનો બીજો વિજય નોંધાવ્યો હતો. આ પહેલાં રાજસ્થાને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે વિજય મેળવ્યો હતો. મુંબઈ ઈન્ડિયન્સે પ્રથમ બેટિંગ કરતાં પાંચ વિકેટ ગુમાવી ૧૮૭ રન બનાવ્યા હતા જેના જવાબમાં રાજસ્થાન રોયલ્સે ૧૯.૩ ઓવરમાં છ વિકેટના નુકસાને લક્ષ્યાંક મેળવી લીધો હતો.

ટોસ હારી પ્રથમ બેટિંગમાં ઊતરેલી મુંબઈ ઈન્ડિયન્સને ડી કોક અને રોહિત શર્માએ સંગીન શરૂઆત અપાવતાં પ્રથમ વિકેટ માટે ૧૦.૫ ઓવરમાં ૯૬ રન જોડયા હતા. રાજસ્થાનને પ્રથમ સફળતા જોફ્રા આર્ચેરે અપાવતાં રોહિતને ૪૭ રનના અંગત સ્કોરે આઉટ કર્યો હતો. સૂર્યકુમાર ૧૬ રને અને પોલાર્ડ છ રન બનાવી આઉટ થયા હતા પરંતુ ડી કોકે ફટકાબાજી કરતાં ટીમનો સ્કોર ૧૫૦ રનની પાર પહોંચાડયો હતો. ડી કોક આઉટ થયા બાદ ઇશાન કિશન પણ પાંચ રન બનાવી આઉટ થયો હતો ત્યારે હાર્દિક પંડયાએ ફરી એક વખત અંતિમ ઓવરોમાં માત્ર ૧૧ બોલમાં અણનમ ૨૮ રન બનાવતાં ટીમનો સ્કોર ૧૮૭ રન થયો હતો. રાજસ્થાન તરફથી જોફ્રા આર્ચરે ૩૯ રન આપી ત્રણ વિકેટ ઝડપી હતી.

૧૮૮ રનના ટાર્ગેટ સામે બટલર અને રહાણેએ ૬૦ રન જોડયા હતા. રહાણે આઉટ થયા બાદ સેમસન અને બટલરે ટીમનો સ્કોર રોકેટગતિએ આગળ વધાર્યો હતો. ૧૫ ઓવર બાદ ટીમનો સ્કોર એક વિકેટે ૧૧૮ રન હતો. ૧૬મી ઓવર અલ્જારી જોસેફ નાખવા આવ્યો હતો. તેને બટલરે ટાર્ગેટ બનાવતાં ચાર ચોગ્ગા અને બે છગ્ગા સાથે ૨૮ રન ઝૂડી ટીમને વિજયની નજીક પહોંચાડી દીધી હતી. બટલર સદીથી ૧૧ રન દૂર હતો ત્યારે આઉટ થયો હતો. ૧૭૦ રનના સ્કોરે સંજુ સેમસન આઉટ થયા બાદ ધબડકો થતાં ચાર રનની અંદર ચાર વિકેટ ગુમાવતાં ટીમનો સ્કોર છ વિકેટે ૧૭૪ રન થઈ ગયો હતો. રાજસ્થાનને અંતિમ ૧૧ બોલમાં ૧૪ રનની જરૂર હતી ત્યારે મુંબઈ પાસે મેચ જીતવાની તક હતી પરંતુ શ્રેયસ ગોપાલે સાત બોલમાં અણનમ ૧૩ રન બનાવી ૧૯.૩ ઓવરમાં રાજસ્થાનને જીત અપાવી હતી.

રસેલ શંકાસ્પદ, કોલકાતાને બીજી વખત હરાવવા ચેન્નઈ આતુર

પોઇન્ટ ટેબલમાં ટોચના ક્રમે રહેલી ચેન્નઈ સુપર કિંગ્સ રવિવારે અહીં રમાનારી આઈપીએલની લીગ મેચમાં દિલ્હી કેપિટલ્સની જેમ કોલકાતા નાઇટ રાઇડર્સ સામે બીજો વિજય હાંસલ કરવાનો પ્રયાસ કરશે. હોમ ટીમની રિધમ અચાનક બે પરાજયને કારણે તૂટી ગઇ છે. આ પહેલાં તેણે ચેન્નઈ તથા શુક્રવારે રાત્રે દિલ્હી સામે સતત પરાજય મેળવ્યા હતા. છેલ્લા બે પરાજયના કારણે કોલકાતાની ટીમ વધારે પડતો મદાર આન્દ્રે રસેલ પર રાખે છે તે સપાટી પર આવી ગયું છે. કાંડાની ઈજાને કારણે રસેલ ચેન્નઈ સામે રમે તેવી ઓછી સંભાવના હોવાથી કોલકાતાની મુશ્કેલીઓમાં વધારો થયો છે.  વર્લ્ડ કપ ટીમમાં સ્થાન મેળવવાનો લક્ષ્યાંક રાખનાર ર્કાિતક વ્યક્તિગત રીતે રન બનાવવાના દબાણમાં રહેશે. ધોનીની ટીમ સાત મેચમાંથી છ મુકાબલા જીતી ચૂકી છે અને તેનો આત્મવિશ્વાસ મજબૂત બન્યો છે. જોકે છેલ્લી મેચમાં ધોની ખોટા કારણોસર ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો. તેમ છતાં ચેન્નઈની ટીમ તથા સુકાની ધોની આ વિવાદને ભૂલી જઇને પોતાના વિજયરથને આગળ વધારવાના તમામ પ્રયાસ કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post રાજસ્થાનના વિજયમાં બટલર ઝળક્યો appeared first on Sandesh.



from Sports – Sandesh http://sandesh.com/rajasthan-vijay-butler/
via Best Gujarati News

0 Comments