સુરતના વરાછાની પેઢીમાં મેનેજર જ એક કરોડના હીરાની ચોરી કરી ફરાર
। સુરત ।
સુરતના વરાછામાં આવેલી હીરાની પેઢીમાં ૧ કરોડના હીરાની ચોરી થતા ચકચાર મચી ગઇ હતી. સ્ટોક મેનેજર તરીકે કામ કરતો રાજસ્થાની યુવક સ્ટાફની નજર ચૂકવી ૧૬ કેરેટના તૈયાર અને ૭૪૦ કેરેટના રફ હીરા ચોરી ભાગી છૂટયો હતો.
કાપોદ્રામાં હીરાબાગ ખાતે આનંદનગર સોસાયટીમાં રહેતા મહેશભાઇ નાનજીભાઇ લાઠીયા (ઉ.વ.૪૧, ભીંગરાઇ, લાઠી, અમરેલી) હીરાના વેપારી છે. વરાછામાં કમલા એસ્ટેટ કમ્પલેક્સના બીજા માળે મહેશ એન્ડ કંપનીના નામે ભાગીદારી પેઢી ધરાવે છે. આ કંપનીમાં ચીમનારામ ચતુરારામ થોરી (રહે- અંબિકાનગર, ચંદ્ર કોલોની, ત્રિકમનગર, વરાછા- મૂળ બડામાલાણી, બાડમેર, રાજસ્થાન) છેલ્લાં ૩ વર્ષથી સ્ટોક મેનેજર તરીકે નોકરી કરે છે. કંપનીમાં ૧૮ હજારના માસિક પગારે કામ કરતો ચીમનારામ સેફ કસ્ટડીમાંથી કાચા હીરા કારીગરોને આપતો હતો અને સાંજના સુમારે આ પ્રોસેસ થયેલા હીરા કારીગરો પાસેથી લઇ ડબ્બામાં પેક કરી સેફ કસ્ટડીમાં મૂકી દેતો હતો.
તા.૨૬મીએ સવારે હીરા વેપારી મહેશ લાઠીયા ઓફિસે પહોંચ્યા હતા. અહીં સ્ટોક મેનેજર ચીમનારામ ગેરહાજર જણાતા મેનેજર કલ્પેશભાઇએ કારીગરોને પ્રોસેસ માટે આપવા સેફ કસ્ટડીમાંથી હીરા કાઢયા હતા. દરમિયાન કલ્પેશભાઇને હીરાના સ્ટોક અંગે શંકા જણાઇ હતી. તેમણે ચકાસણી કરતા મોટી ઘટ્ટ જણાઇ હતી. ૧૬.૧૦ કેરેટના ૯.૮૨ લાખની કિંમતના તૈયાર હીરા અને ૭૪૦.૯૮ કેરેટના ૯૧.૦૩ લાખની કિંમતના સેમી પ્રોસેસ કરેલા રફ હીરા મળી કુલ રૂપિયા ૧,૦૦,૮૫,૭૮૦ની કિંમતના ગાયબ જણાયા હતા. બાદમાં તપાસ કરતા સ્ટોક મેનેજર ચીમનારામ ૧ કરોડ ઉપરાંતના હીરા તફડાવી પલાયન થઇ ગયો હોવાનું જણાયું હતું. બનાવ અંગે વેપારી મહેશ લાઠીયાએ ફરિયાદ આપતા વરાછા પોલીસે ચીમનારામ સામે ગુનો નોંધી તપાસ આદરી છે. બનાવને પગલે ઉચ્ચ અધિકારીઓએ પણ ઘટનાસ્થળે દોડી જઇ તપાસ કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post સુરતના વરાછાની પેઢીમાં મેનેજર જ એક કરોડના હીરાની ચોરી કરી ફરાર appeared first on Sandesh.
from Gujarat – Sandesh http://sandesh.com/in-surat-vrachaa-generation/
via Best Gujarati News
0 Comments