હેલ્થ ઇઝ વેલ્થ :- નેહા ચૌહાણ

અળસિયાં જેવાં કૃમિ/રાઉન્ડ વોર્મ

વરસાદની ઋતુમાં જેણે અળસિયાં જોયાં હશે એને આ પ્રકારનાં કૃમિને ઓળખતા વાર નહીં લાગે. અળસિયાંને બિલકુલ મળતાં આવતાં આ પ્રકારનાં કૃમિ ૨૦થી ૩૦ સે.મી. લાંબા, લાલાશ પડતા સફેદ રંગના અને બંને છેડેથી પાતળા અણીદાર હોય છે. જે એક દિવસે બે લાખ ઈંડાનું મૂકવાની ક્ષમતા ધરાવે છે.

આ કૃમિનાં ઈંડા, દર્દીના ઝાડા વાટે બહાર નીકળી જમીનમાં પડયાં રહે છે. ત્યાંથી તે શાકભાજી કે જમીનમાં થતી અન્ય ખાદ્ય વસ્તુઓના સંપર્કમાં આવતાં એની સાથે ચોંટી જાય છે. ધૂળમાં રમતાં બાળકોની આંગળીઓમાં પણ ચોંટે છે અને મોઢામાં પ્રવેશ કરે છે. ધૂળ ખાવાની ટેવવાળું બાળક, ધૂળ સાથે ધૂળમાં ભળેલાં ઈંડા આરોગે છે. મોઢામાં દાખલ થયેલ ઈંડા આંતરડામાં પહોંચી પુખ્ત વયના કૃમિમાં રૂપાંતરિત થઈ ત્યાં આપણા ભોગે મજેથી જિંદગી ગુજારે છે.

પેટમાં આ પ્રકારના કૃમિની હાજરી નીચે દર્શાવ્યા પ્રમાણેની સાબિતીઓ દ્વારા છતી થાય છે.  

૧. ઝાડા સાથે પેટની બહાર આવે અને પ્રત્યક્ષ દર્શન કરાવે.

૨. ક્યારેક ઊલટી વાટે બહાર ફેંકાય.

૩. ક્યારેક મોઢામાંથી કે નાકમાંથી બહાર ડોકિયું કરે!

૪. શ્વાસનળીમાં પ્રવેશવાની ભૂલ કરે તો શ્વાસમાં અવરોધ ઊભો થાય, અને બાળક ગૂંગળામણ અનુભવે.

૫. ઊબકા-ઊલટી થવાં, ભૂખ મરી જવી, વજન ઘટવું, ઊંઘ ન આવવી, ઊંઘમાં દાંત કચડવા, ચીડિયા થઈ જવું, થાક લાગવો, ધૂળ ખાવી, પેટમાં દુઃખાવો થવો કે ચૂંક આવવી વગેરે લક્ષણો ઝળકાવે.

૬. આવાં કૃમિ જો બહોળી સંખ્યામાં આંતરડામાં એકઠાં થાય તો આંતરડામાં ચક્કાજામ થાય, આંતરડું બંધ થઈ જાય, ફૂલાઈ જાય અને કોઈ વખત ફાટી પણ જાય!

૭. લાંબો સમય સુધી ચીટકી રહે તો ચામડીની એલર્જી થઈ આવે. જેને કારણે ખંજવાળ આવે, આખા શરીરે લાલ ચકામા થાય અને શ્વસનતંત્રની એલર્જી થાય તો વારંવાર શરદી થઈ આવે.

૮. લેબોરેટરીમાં ઝાડાની સૂક્ષ્મદર્શકયંત્રમાં તપાસ કરાવવાથી તેમાં કૃમિનાં ઈંડા દેખાય…

તો પછી બચવું કઈ રીતે?

૧. જમતાં પહેલાં બાળકના હાથ-પગ સાબુ અને બ્રશથી બરાબર ઘસી સાફ કરવાની ચીવટ રાખવી.

૨. નખ ટૂંકા રાખવા.

૩. શાકભાજી અને ફળો જેવાં જમીનમાં ઊગતાં ખાદ્ય પદાર્થો ચીવટપૂર્વક ઘસીને ધોયા બાદ ખાવાની ટેવ રાખવી.

૪. બાળકોને જ્યાં ત્યાં કે ખુલ્લી ગટરમાં જાજરૂ માટે બેસવા ન દેવાં, સંડાસમાં બેસાડવાની ટેવ રાખવી.

૫. પાણી અને દૂધ ઉકાળીને જ પીવાં.

૬. ડોક્ટરની સલાહ પ્રમાણે ઝાડાની લેબોરેટરી તપાસ કરાવવી અને દવાઓ લેવી.

અંકોડા જેવાં કૃમિઃ હૂક વોર્મ

સૂત્ર કૃમિ જેવાં દેખાતાં, અને તેના સગા ભાઈ જેવાં, આ પ્રકારનાં કૃમિના મોઢામાં લોહી ચૂસવા માટે હૂક (અંકોડા) જેવા વળેલા દાંત હોવાથી એ હૂક વોર્મના નામથી ઓળખાય છે. ૮થી ૧૩ મિ.મી. લંબાઈ ધરાવતાં આ કૃમિ માણસના શરીરમાં ચામડીમાં છિદ્ર કરી પ્રવેશ કરે છે.

જે બાળકના આંતરડામાં હૂક વોર્મ-અંકોડા જેવાં કૃમિનો નિવાસ હોય એ બાળકના ઝાડામાં તેનાં ઈંડા બહાર ઠલવાય છે. ભેજવાળી અને પોચી જમીન, જેવી કે; ખેતર, શાકભાજીનો વાડો, ખુલ્લી ગટરની આજુબાજુની જમીન વગેરેમાં આ ઈંડા દટાઈને પડયાં રહે છે. યોગ્ય સમયે એમાંથી લારવા નામે ઓળખાતી ઈયળ બને છે. આ ઈયળ તેના સંપર્કમાં આવતાં કોઈ બાળક કે માણસના પગની ચામડીમાં કાણું કરી ઘૂસે છે.

sanskar@sandesh.com

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post શું તમારા બાળકોને કૃમિની તકલીફ છે? appeared first on Sandesh.



from Sanskar – Sandesh http://sandesh.com/what-your-kids-worm/
via Best Gujarati News

0 Comments