મધુવનની મહેક :- ડો. સંતોષ દેવકર

“વાહ …દીકરા શાબાશ! કેલુસકર…” સર બોલ્યા.

“ આપના માર્ગદર્શન વગર શક્ય નહોતું, સર.” ભીમે જવાબ આપ્યો.

“ તું હકદાર છે, દીકરા.”

“ આપના આશીર્વાદ છે, સરજી.

“હં…”

“પણ સર … સર…”

“બોલ… કેમ મૂંઝાયા કરે છે?”

“એલ્ફ્ન્સ્ટિન કોલેજમાં જઇશ, પણ ફી…?” ભીમ વાક્ય પૂરુંં ન કરી શક્યો.

“તું ચિંતા ન કર હું કંઇક વ્યવસ્થા કરું છું .” કેલુસકરસરે દિલાસો આપ્યો.

કૃષ્ણાજી અર્જુન કેલુસકર નામના મરાઠી ભાષાના વિદ્વાન અધ્યાપક. મરાઠી સાહિત્યમાં તેમનું મોટું પ્રદાન. ભીમરાવને એલ્ફ્ન્સ્ટિન કોલેજમાં પ્રવેશ મેળવી આપવા માટે તેમણે તનતોડ મહેનત કરી હતી. એલ્ફ્ન્સ્ટિન કોલેજમાં મેરિટને આધારે ભીમને પ્રવેશ તો મળી ગયો, પણ હવે ફી માટે ખરો સંઘર્ષ શરૂ થયો. કેલુસકર સાહેબે વડોદરાના મહારાજા સર સયાજીરાવ ગાયકવાડ પાસેથી શિષ્યવૃત્તિ મંજૂર કરાવી આપી. ભીમના આનંદનો પાર ન રહ્યો. આ કોલેજમાં તેમને પ્રોફેસર બુલસર મળ્યા. અને ભીમની પ્રગતિએ વેગ પકડયો.

વડોદરામાં ભીમરાવ આંબેડકર કારેલીબાગના એક છાત્રાલયમાં પંડિત આત્મારામ અમૃતસરી સાથે રહેતાં તે અહીંથી દોઢ કિલોમીટરના અંતરે આવેલી કોઠી બિલ્ડિંગમાં નોકરી માટે જતા.

ભીમનું બીજું નામ સંઘર્ષ હતું. તેણે જીવનના દરેક તબક્કે સંઘર્ષ કર્યો છે, હાર્યા વિના અને નિરાશ થયા વિના લડત આપી છે અને સફ્ળતા મેળવી છે. જીવનના છઠ્ઠા વર્ષે નાની વયે માતાનું અવસાન અને થોડાક જ વર્ષો બાદ પિતાનું અવસાન. ભીમરાવ માટે આ બે મોટી દુઃખદ ઘટનાઓ હતી. વ્યથિત હૈયે બધું ગળી જઇ તેમણે પોતાની કારકિર્દી આગળ વધારી.

સર સયાજીરાવ ગાયકવાડે ભીમરાવને દરેક તબક્કે મદદ કરી હતી. તેમણે કોલંબિયા યુનિવર્સિટીમાં સ્કોલરશિપ સાથે અભ્યાસ અર્થે મોકલી આપ્યા. ત્યારબાદ આંબેડકરે લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાં કાયદાશાસ્ત્ર તથા અર્થશાસ્ત્રમાં ડોક્ટરેટની પદવી માટે એડમિશન મેળવી લીધું. અથાક પરિશ્રમ અને કામ પ્રત્યેની નિષ્ઠા તેમની સફ્ળતાની ઘોતક રહી છે. નિરાશ થયા વિના આવી પડેલી પરિસ્થિતિને પડકારવી એ તેમના સ્વભાવની મોટી વિશેષતા હતી. મુંબઈની સીડનહામ કોલેજ ઓફ કોમર્સ એન્ડ ઇકોનોમિક્સમાં રાજનૈતિક અર્થવ્યવસ્થાના પ્રોફેસર તરીકે ભીમને ઊંચા પગારની નોકરી મળી ગઇ. ટૂંક જ સમયમાં તેઓ મુંબઈમાં એક લોકપ્રિય પ્રોફેસર તરીકે ઉભરી આવ્યા. અહીં તેમને પ્રોફેસર એમ. સી. ચાગલા મળ્યા. જે તેમના દોસ્ત અને માર્ગદર્શક બની રહ્યા. ભીમરાવના જીવનમાં એક બાબત નોંધનીય રહી છે કે તેમને જીવનના દરેક તબક્કે સંઘર્ષ કરવો પડયો એટલું જ નહિ સંઘર્ષના દરેક તબક્કે તેમને એક સારો મિત્ર પણ મળી ગયો હતો. મિત્રો એ તેમને ખૂબ મદદ કરી હતી. જીવનમાં જે મળ્યા તે ભીમરાવના દોસ્ત બની રહ્યા.

પોતાના દુઃખના રોદણાં રડવાને બદલે, સંઘર્ષ કરી, મિત્રોનો સાથ મેળવી, તેમાંથી માર્ગ કાઢવાનો પ્રયત્ન ભીમરાવે કર્યો હતો.

“ખૂબ ભણો, ભણવામાં આળસ કરશો નહીં, મુશ્કેલીથી ગભરાશો નહીં, સંઘર્ષથી જ જીવનનું ઘડતર થાય છે એ વાત ગાંઠે બાંધી લો. જીવનમાં આવતા પડકારોને ઝીલતા શીખો, તેનો સામનો કરો. એમાં જ સફ્ળતાના બીજ રહેલા છે. ટીમવર્કથી કામ કરો, સત્ય ને સ્વીકારો.”

“નોલેજ ઈઝ પાવર એ વાત ભૂલશો નહિ.”

ભીમરાવ આંબેડકરનો મેસેજ આજના યુવાધન માટે રાજપથ સમાન છે. વર્ગખંડની બહાર બેસીને ભણવું, પટાવાળો પીવડાવે તે સમયે પાણી પીવું, રહેવા માટે ભાડે મકાન મેળવવા સંઘર્ષ કરવો, દલિત હોવાને લીધે પળેપળ ભોગવવી પડતી હાલાકી – આ બધાનો સામનો કરીને ઉચ્ચતમ ડિગ્રી હાંસલ કરી, દેશ- વિદેશમાં પોતાના નામનો ડંકો વગાડી ભારતનું સંવિધાન તૈયાર કરનાર ડોક્ટર ભીમરાવ રામજી આંબેડકરને સો …સો સલામ !.

મિસરી  

તમારે તમારી ગુલામી જાતે જ મીટાવી દેવાની છે.

આત્મસન્માન જીવનમાં મહત્ત્વપૂર્ણ ચીજ છે .

સખત પરિશ્રમ અને સતત સંઘર્ષથી આત્મવિશ્વાસ કેળવી શકાય છે.

  • ડો.આંબેડકર

devkar03@gmail.com

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post સંઘર્ષ કરનારા પ્રત્યેક ભીમને એક સયાજીરાવ ગાયકવાડ મળી રહે છે appeared first on Sandesh.



from Sanskar – Sandesh http://sandesh.com/ceach-of-the-struggling-fighters/
via Best Gujarati News

0 Comments