જ્યારે એક સ્ત્રીનું અદ્ભુત નાક પાર્કિન્સનનું નિદાન કરી જાણે છે, વિજ્ઞાનને નવી શોધ બક્ષે છે
સાયન્સ મોનિટર :- વિનોદ પંડયા
જગત આખું ગંધ, સુગંધ અને દુર્ગંધથી ભરપૂર છે. માણસ પૈસા ખર્ચીને સુગંધ ખરીદે છે અને પૈસા ખર્ચીને દુર્ગંધ દૂર કરે છે. ગંધનો પ્રભાવ જીવનમાં ભોજનથી માંડીને ભજન સુધી અને પ્રભાતથી રાત્રિ સુધી પથરાયેલો રહે છે. તે અકસ્માતની સમય રહેતા જાણ કરે છે. ભૂતકાળમાં લઈ જાય છે, હૃદયના તાર ઝણઝણાવે અને મગજ હલાવી નાંખે. એક પત્રકાર મિત્રને છાણની વાસ આવે ત્યારે ગામડું અને બાળપણ યાદ આવે. લાલચ, નફરત છુપાવી શકો, પણ ગંધ છુપાવી શકાતી નથી. વરિયાળી, એલચી થોડી મદદ કરે પણ બ્રેથ એનેલાઈઝર આલ્કોહોલને જડમૂળથી પકડી પાડે છે. લેખક વિચારક બારતોલ્ત બ્રેખ્તે લખ્યું હતું કે, ‘મને લોકોની સાદગી અને નિખાલસતાના ગમે છે, પરંતુ તેમના શરીરની વાસ મારા માઈગ્રેનના દુખાવાને ટ્રીગર કરે છે.’ મજબૂત ઘાણેન્દ્રિય ધરાવતા સંવેદનશીલ લોકો, શ્વાનની માફક ગંધ, સુગંધ કે દુર્ગંધ સતત અનુભવે છે. ભારતમાં સુખી એ લોકો છે જેમની ઓલ્ફેક્ટરી (ઘ્રાણેન્દ્રીય) બંધ પડી ગઈ છે. પરંતુ સ્વાદ, સોડમ અને સ્મૃતિઓની દુનિયાથી તેઓ વંચિત રહે છે. કોઈ જોખમનો અંદાજ મેળવી શક્તાં નથી. વાસ કે દુર્ગંધ અનેક પ્રકારના ભય સામે ચેતવે છે. કૂકિંગ ગેસમાં એટલે જ દુર્ગંધની મિલાવટ થાય છે, પણ શ્વાન ઉપરાંત એવા માનવીઓ પણ છે જે અનેક પ્રકારની વાસ પારખી જાણે છે અને તેનો અર્થ કાઢી શકે છે. પ્રાચીન કાળથી હિપ્પોક્રેટસ અને અન્ય ચિકિત્સકો ગંધ, મુખ્યત્વે બદબૂના આધારે રોગનું નિદાન કરી શકતા હતા. ગંધ વડે નિદાન સારવારની મહત્ત્વની પદ્ધતિ ગણાતી હતી. આજે વિજ્ઞાન એ પ્રાચીન રીતોને ફરીથી અજમાવવા માગે છે અને અમુક સફળતા વિના પ્રયત્ને, આકસ્મિકપણે મળે છે.
હમણાં વલસાડના એક યુવાન ડેન્ટિસ્ટ ડોક્ટરના ક્લિનિકમાં જવાનું થયું. ડોક્ટરે એક બહેનના દાંત તપાસ્યા બાદ એ બહેનને કહ્યું કે તમને ડાયાબિટિસ છે. પેલા બહેને કહ્યું કે, હા છે, પરંતુ તમને કેવી રીતે ખબર પડી? ડોક્ટરે જવાબ આપ્યો કે જેમને ડાયાબિટિસ હોય તેમના પેઢામાંથી એક અલગ અને ખાસ પ્રકારની વાસ આવે છે; જે એમને આવી હતી.
પારામેડિક (નર્સ, ટેકનિશિયન વગેરે)ને ડાયાબિટિસની ફ્રુટી સ્મેલ પારખવાની તાલીમ અપાય છે. જે ડાયાબિટિસના દર્દી હાઈપરગ્લાયસેમિક બની ગયા હોય તેમના મોમાંથી એ ખાસ ફ્રુટી સ્મેલ નીકળે છે. કોઈ દર્દીના પેટ અને આંતરડામાં લોહી નીકળતું હોય અને એ લોહી પાચનતંત્રમાં પચી જતું હોય તો તેની અલગ પ્રકારની વાસ આવે છે જે ગેસ્ટ્રોએન્ટિરોલોજિસ્ટ (આંતરડાના નિષ્ણાત) ડોક્ટરો ઓળખી કાઢતા હોય છે. કોઈ માનસિક ખામી પેદા થઈ હોય, મગજના કોષો ખવાઈ અથવા ઘસાઈ રહ્યા હોય તો પણ દર્દીના શરીરમાંથી એક ખાસ પ્રકારની બૂ નીકળતી હોય છે. આજકાલના વૃદ્ધોને વધુ લાગુ પડી રહ્યા છે તે પાર્કિન્સન ડિસિઝ શરીરમાંથી એક ખાસ વાસ રૂપે બહાર નીકળીને પોતાના આગમનની છડી પોકારે છે. માણસમાં ભાગ્યે જ કોઈ એ વાસ પકડી શકે છે.
પાર્કિન્સન એક એવી બીમારી છે જે શરીરમાં નિયંત્રિત ન કરી શકાય તેવી ધ્રુજારી, અક્કડપણું અને સ્મૃતિભંશ લઈને આવે છે. વૃદ્ધોને અશક્ત, નિરાધાર બનાવી દેતી આ બીમારી આયુષ્ય પણ ટુંકાવે છે. જે ઝડપથી તેનાં લક્ષણો દેખાય છે અને આગળ વધે છે તેને રોકી શકાતાં નથી કે ધીમા પાડી શકાતાં નથી, પરંતુ તેનું જેટલું જલદી નિદાન થાય એટલા વધુ પ્રમાણમાં, દવા અને સારવાર દ્વારા, તેની નુકસાનકારક અસરોથી દર્દીને બચાવી શકાય. દરેક બીમારીમાં નિદાન અને સારવાર જેટલાં વહેલાં શરૂ થાય એટલું વધુ સારું, પરંતુ પાર્કિન્સન ડિસિઝમાં સૌથી મોટો પડકાર એ છે કે શરીરમાં પાર્કિન્સન બીમારી લાગુ પડી છે કે નહીં તે જાણવા માટેનાં કોઈ ટેસ્ટ કે નિદાન પદ્ધતિ શોધાયાં નથી. વધુમાં વધુ ન્યુરોલોજિસ્ટ ડોક્ટરો લક્ષણોનો અભ્યાસ કરી થિયરી વડે નિદાન કરે છે કે દર્દીને પાર્કિન્સન લાગ્યો છે કે કેમ? આ કારણથી પાર્કિન્સનની હાજરી કે ગેરહાજરીને ચોક્કસપણે પકડી પાડે તેવી નિદાન પદ્ધતિની તલાશ ચાલી રહી છે અને અનાયાસે વિજ્ઞાનીઓને એક મહિલાના પાવરફુલ નાકની મદદ મળી છે.
પર્થ, સ્કોટલેન્ડનાં નિવૃત્ત નર્સ જોય મીલ્ની ગંધ પારખવાની અસાધારણ શક્તિ ધરાવે છે. ગંધ પારખવાની અસાધારણ શક્તિ ‘હાઈપરોસ્મીઆ’ તરીકે ઓળખાય છે. આ પણ શરીરની એક કન્ડિશન છે, જેમાં હાઈપરોસ્મીઆ ધરાવતી વ્યક્તિ એવી ગંધ કે વાસ પકડી પાડે છે જે મોટા ભાગના લોકો પકડી શક્તાં નથી. વર્ષ ૧૯૭૪માં જોય મીલ્ની એવી ગંધ અનુભવવા માંડયા જે તે અગાઉ એમણે ક્યારેય અનુભવી ન હતી. વરસ ૧૯૮૬માં એમનાં પતિ લેસ મીલ્ની પાર્કિન્સન ડિસિઝથી પીડાતા હતા તેવું નિદાન થયું. આ બીમારી સાથે એ વરસોથી જીવતા હતા અને જો અગાઉ નિદાન થયું હોત તો દવા-સારવાર વડે બીમારીને સહ્ય અને મેનેજેબલ બનાવી શકાઈ હોત. પરંતુ સારવાર વગરનાં વરસોને કારણે બીમારી વધુ કષ્ટદાયક અને અસાધ્ય બની હતી. આખરે લેસ મિલ્નીએ નોકરીમાંથી રાજીનામું આપવું પડયું હતું.
એક દિવસ એક પાર્કિન્સન સપોર્ટ ગ્રૂપમાં હાજરી આપવા ગયા ત્યારે જોય મિલ્નીને એક અસાધારણ અનુભવ થયો. એમણે જોયું કે પાર્કિન્સનથી પીડાતી દરેક વ્યક્તિનાં શરીરમાંથી એ જ અનોખી વાસ બહાર આવતી હતી જે એના પતિના શરીરમાંથી ૧૯૭૪ બાદ બહાર આવવા માંડી હતી. એમને ખ્યાલ આવ્યો કે આ બીમારી અને આ ગંધ વચ્ચે જરૂર કોઈ સંબંધ હોવો જોઈએ. એમણે આ બીમારીના સંદર્ભમાં સંશોધનો કરી રહેલા વિજ્ઞાનીઓ અને સંશોધકોનો સંપર્ક સાધ્યો અને પોતાની વિશિષ્ટ શક્તિની સેવા પણ આપી.
અગાઉ એવું ધારવામાં આવ્યું હતું કે એ ખાસ ગંધ દર્દીઓની બગલમાંથી બહાર આવતી હશે. પણ અનેક દર્દીઓના ખમીસો સૂંઘીને જોય મિલ્ની અને સંશોધકો એ નક્કી કરી શક્યાં કે એ ગંધ ખમીસના બગલના ભાગે નહીં, પરંતુ પીઠના ઉપરના ભાગે, કોલરની નીચે કેન્દ્રિત થયેલી હતી. જેમનાં ખમીસોના આધારે સંશોધન થઈ રહ્યાં હતાં તેમાંના કેટલાક એવા લોકો પણ હતા જેમને આ બીમારી લાગુ પડી ન હતી અથવા તેનાં લક્ષણો જણાયાં ન હતાં. તે ખમીસોમાંથી પણ શ્રીમતી મીલ્નીએ એક એવું ખમીસ અલગ તારવ્યું જેમાંથી બદબૂ આવવાની શરૂઆત થઈ ચૂકી હતી. નવ મહિના પછી એ ખમીસધારક પાર્કિન્સનનો શિકાર બન્યા તેવું નિદાન થયું. મતલબ કે બીમારીનાં લક્ષણો બહાર ઉપસી આવે તે અગાઉ વાસ પારખીને કહી શકાય કે એ વ્યક્તિ પાર્કિન્સનનો ભોગ બનવા જઈ રહી છે કે કેમ? યાદ રહે કે જોય મિલ્નીને પોતાના ઘરમાં વાસ આવવા માંડી પછીનાં બાર વરસે એના પતિના પાર્કિન્સનનું નિદાન થયું હતું. મિલ્નીને બાર વરસ અગાઉ ખબર પડી ગઈ હતી.
બ્રિટનની માંચેસ્ટર યુનિવર્સિટીનાં વિજ્ઞાની પરડિટા બારને એ સંશોધન શરૂ કર્યું કે એ ખાસ ગંધ, જે માત્ર મિસિસ મિલ્ની જ ઓળખી કાઢતાં હતાં, તે કયાં કારણથી શરીરમાંથી ઉદ્ભવતી હતી? અગાઉના અમુક સંશોધનોમાં જણાવ્યું હતું કે પાર્કિન્સનના દર્દીઓમાં એ ટેન્ડેન્સી જોવા મળે છે. જેમાં તેમની ગરદનની નીચે, પીઠના ઉપરના ભાગમાં એક તૈલી પદાર્થ પેદા થવાનું પ્રમાણ વધી જાય છે. આ પદાર્થ ‘સેલમ’ તરીકે ઓળખાય છે. ડોક્ટર પરડિટાએ અનુમાન કાઢયું કે આ ચીકણા પદાર્થમાં એવા કોઈ તત્ત્વો અથવા પદાર્થો હોય છે જે ખાસ ગંધ પેદા કરે છે. પાકી ખાતરી કરવા એમણે સાથીઓ સાથે મળીને પ્રયોગો શરૂ કર્યા.
આ ટીમે પાર્કિન્સનના ૪૩ દર્દીઓના સેબમ નમૂનાઓનો અને જેમને બીમારી ન હતી તેવા ૨૧ જણના નમૂનાઓનો અભ્યાસ શરૂ કર્યો. રૂનાં પૂમડાં પર સેબમના નમૂના એકઠા કરાયા હતા અને તેમાં રહેલાં તત્ત્વો પીગળીને છૂટા પડે તે માટે તેને તપાવવામાં આવ્યાં. તે પદાર્થોની બાષ્પશીલતા અને ઊડનશીલતા નક્કી કરવા માટે માસ ઓક્ટ્રોમેટ્રી અને ગેસ ક્રોમેટોગ્રાફીમાં તેમને અજમાવવામાં આવ્યા. માસ સ્પેક્ટ્રોમેટ્રીમાં દાખલ કરતાં પહેલાં મિસિસ મીલ્ની એ નમૂનાઓને સૂંઘી લેતા હતા અને પેલી આગવી ગંધ પકડાય તો એક બટન દબાવતાં હતાં.
માસ સ્પેક્ટ્રોમિટરમાં ચાર તત્ત્વો અથવા ઘટકો પકડાયાં અથવા ઓળખી કઢાયાં. જેવાં કે પેરિલિક અલ્ડીહાઈડ, હિપ્યુરીક એસિડ, એઈકોસેન અને ઓક્ટાડિકેનાલ. બાષ્પીભૂત સેલમમાં આ ઘટકોનું પ્રમાણ, તંદુરસ્ત વ્યક્તિના શરીરમાંથી નીકળતા પ્રમાણ કરતાં સાવ જુદા લેવલ પર જોવા મળ્યું. હવે એ નક્કી કરવાનું હતું કે શું આ ઘટકોના જુદા લેવલને કારણે મિસિસ મીલ્ની તેને પકડી પાડતાં હતાં? ડોક્ટર બારને તે ઘટકો જોય મિલ્ની સમક્ષ રજૂ કર્યા તો તે વાત પાકી થઈ કે આ ઘટકોને કારણે પેલી મસ્ક જેવી ખાસ ગંધ દરદીઓના શરીરમાંથી વહેતી હતી.
પ્રારંભના પ્રયોગોમાં એ ખાતરી થઈ કે ખાસ ઘટક દ્રવ્યો પાર્કિન્સનના દર્દીનાં શરીરમાંથી વહેતાં હતાં અને ખાસ ગંધ પ્રસરાવતાં હતાં. આ કારણે આ બીમારીને વધુ સારી રીતે સમજી શકાશે અને દવાના સંશોધનમાં મદદ મળશે. આ ઉપરાંત એક ખાસ પ્રકારનું સાધન, જેને આપણે ઈલેક્ટ્રોનિક નાક કહી શકીએ તે પણ વિકસાવી શકાશે જેના વડે માણસના પીઠની ઉપરનો ભાગ સુંઘવામાં આવશે અને તત્કાળ નિદાન થઈ શકશે કે એ માણસને પાર્કિન્સનની બીમારી લાગુ પડી છે કે કેમ? વળી આ પદ્ધતિ ખાસ ખર્ચાળ નહીં હોય અને વહેલી સારવારનાં લાભો મળશે. એક વાસ પારખવાની અસાધારણ શક્તિ કેવાં રહસ્યો ઉકેલી શકે છે તેનું આ ઉદાહરણ છે. તરણા ઓથે ડુંગર અને ડુંગર સૌ કોઈ દેખે નહીં, એ ભજન યાદ આવી જાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post જ્યારે એક સ્ત્રીનું અદ્ભુત નાક પાર્કિન્સનનું નિદાન કરી જાણે છે, વિજ્ઞાનને નવી શોધ બક્ષે છે appeared first on Sandesh.
from Sanskar – Sandesh http://sandesh.com/when-one-woman-wonder/
via Best Gujarati News
0 Comments