ઈકો-ફ્રેન્ડલી ડિશ-કપ-વાટકા-ચમચા આવી ગયાં
કન્ટેમ્પરરી :- એમ. એ. ખાન
યાદ કરો તમે બહાર રેસ્ટોરાંમાં કે લારી ઉપર ચા કયા કયા વાસણમાં પીધી છે. શરૂઆતમાં તો માટીની કુલડીઓ આવતી. પછી પિત્તળની પ્યાલીઓ આવી. પછી ચીનાઈ માટીના કપ આવ્યા. પછીથી એલ્યુમિનિયમના કપ આવ્યા એ પછી સ્ટીલના કપ આવ્યા. આજકાલ પ્લાસ્ટિકના અથવા થર્મોકોલના કપ વપરાય છે. પ્લાસ્ટિક પર્યાવરણને ભયાનક નુકસાન કરી કર્યું છે. બલ્કે ગળે ટૂંપો દઈ ખતમ કરી રહ્યું છે એ હકીકત જાણ્યા પછી હવે કાગળના કપ અથવા માટીની કુલડીઓમાં ચા પીરસવાની ફેશન ચાલી રહી છે. તમે કદી એવા કપમાં ચા પીધી છે જેમાંથી ચા પીધા પછી કપ નિરાંતે ખાઈ જવાય?
૭૦૦૦ વર્ષ પહેલાં માટીના વાસણો વપરાતા હતા. વિજ્ઞાનીઓ કહે છે કે એ શ્રેષ્ઠ હતા. પછી ૨૩૦૦ વર્ષ પહેલાં લોખંડના વાસણો આવ્યા. એમાં કાટ-કચરા વગેરેનો ત્રાસ હતો. એ પછી ૨૧૦૦ વર્ષ પહેલા પિત્તળના વાસણો આવ્યા, એમાં નિયમિત કલાઈ એટલે કે સીસાનો ઢોળ કરાવવો પડતો. નહિતર પિત્તળ અનેક વાનગીઓને ઝેરી બનાવી દેતું હતું. પછી ૨૦૦૦ વર્ષ પહેલાં તાંબાના વાસણો પણ આવ્યા. એ પણ અનેક વાનગીઓને ઝેરી બનાવી દેતા હતા. એ પછી ૧૨૫ વર્ષ પેલાં એલ્યુમિનિયમ શોધાયું. તે કોઈપણ આકારમાં ઢાળવું સરળ અને કિંમતમાં સસ્તું હોવાથી જોતજોતામાં આખા વિશ્વમાં એલ્યુમિનિયમ વપરાવા લાગ્યું. પછીથી વિજ્ઞાનીઓએ શોધી કાઢયું કે એલ્યુમિનિયમ ખોરાક રાંધતી વખતે પણ સહેલાઈથી ઓગળીને ખોરાકમાં ઝેર ફેલાવે છે. એટલે ૧૯૧૩માં એનો વિકલ્પ શોધાયો, સ્ટેઈનલેસ સ્ટીલ.
ઝગમગતા વાસણો જોતજોતામાં આખા જગતમાં લોકપ્રિય બની ગયા. આ વાસણો બનાવવામાં ઝેરી કચરો ઉત્પન્ન થતો હતો. વળી સ્ટીલ દિવસે દિવસે મોંઘું થતું જતું હતું. સ્ટેઈનલેસ સ્ટીલ પહેલાં ૧૯૦૭માં ખનિજ તેલની આડપેદાશ તરીકે પ્લાસ્ટિકની શોધ થઈ હતી, પણ શરૂઆતમાં પ્લાસ્ટિક બટકણું હતું. એને કચકડું કહેતા. એના વાસણો ટકતા નહોતા. પરંતુ ધીમેધીમે ટકાઉ પ્લાસ્ટિક શોધાતું ગયું. અને પ્લાસ્ટિકના ટકાઉ વાસણો પણ શોધાતા ગયા. જાતજાતના પ્રયોગો પછી ખૂબ જ ટકાઉ અને સસ્તા વાસણો શોધાવા લાગ્યા તો રાંધવા સિવાયના તમામ કામોમાં પ્લાસ્ટિક વપરાવા લાગ્યું.
ત્યાં અચાનક વિજ્ઞાનીઓને જાણવા મળ્યું કે મજબૂત અને ટકાઉ પ્લાસ્ટિક કચરામાં નાંખ્યા પછી સો-બસો વર્ષ સુધી જેમનું તેમ ટકી રહે છે. એને કારણે ધરતીમાં વરસાદનું પાણી ઉતરવાનું બંધ થઈ ગયું છે. નદી નાળાંના પ્રવાહોમાં પ્લાસ્ટિકનો કચરો આવી જતાં એના વહેણ રોકાઈ ગયા છે. મહાસાગરોમાં પ્લાસ્ટિકનો ટનબંધ કચરો એક-એક ફૂટનો સેંકડો કિલોમીટરમાં ફેલાયેલો થર બનીને તરી રહ્યો છે. એની નીચે સૂર્યનો તડકો પહોંચતો નથી. તેથી પાણીની અંદર તથા ઉપર તરતી શેવાળ પ્રાણવાયુ બનાવી શકતી નથી. પરિણામે કચરાના આવા થરની નીચેની જીવસૃષ્ટિ સૂર્યકિરણો અને પ્રાણવાયુના અભાવે નાશ પામી રહી છે.
આ રાક્ષસને નાથવા માટે હવે બીજા કોઈ પદાર્થમાંથી વાસણો બની શકે એ દિશામાં વિજ્ઞાનીઓ વિચારવા લાગ્યા. બસો વર્ષના અનુભવે એક વાત બરાબર શીખી લીધી હતી કે કોઈપણ પદાર્થ શોધવામાં આવે. એના વપરાશ પછી એ કચરામાં જાય ત્યારે શું થશે એ પહેલાંથી વિચારવું પડશે.
કેટલાક સાહસિકોને ૧૮૯૬માં શોધાયેલા અને એક સદીથી વપરાતા આઈસક્રીમના કોન ધ્યાનમાં આવ્યા. તરત જ ઝબકારો થયો, અરે! આતો સારામાં સારો વિકલ્પ બની શકે. વાનગીની સાથે જ એને ખાઈ લેવાય! જો પીરસવાના અને ખાવા-પીવાના વાસણો આમાંથી બનાવ્યા હોય તો? બેંગલોરના એક સાહસિકને આ વિચાર આવ્યો તો એણે એ દિશામાં અભ્યાસ શરૂ કર્યો. આઈસક્રીમ કોન તો મેંદાના લોટમાંથી બેકરી પ્રોસેસથી બનાવવામાં આવતા વેફર્સ હોય છે. આવા અન્ય લોટ અને પદાર્થમાંથી વાસણો બનાવ્યા હોય તો?
તેને ખબર પડી લશ્કરની ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશનમાં વિવિધ પદાર્થોમાંથી ટકાઉ વાનગીઓ બનાવવાનો કોર્સ કરી શકાય છે. લશ્કર કાશ્મીર જેવી સરહદો પર ફરજ બજાવતા પોતાના જવાનો માટે લાંબો સમય સંઘરી શકાય એવી અનેક વાનગીઓ વિકસાવે છે. આ સાહસિકે કોર્સ કરીને વાનગીને બદલે વાસણો વિકસાવ્યા.
એ ટેકનિક શીખ્યા પછી આ સાહસિકે મેંદામાં બીજા અનાજના લોટ અને જાતજાતની દાળ ઉમેરીને કોફી મગ, ચમચા, પ્લેટ, વાટકીઓ બનાવવા માંડી. એને વધારે રસપ્રદ બનાવવા તેમાં વેનિલા, પાઈનેપલ, બીટરૂટ, ગાજર, પાલક, મોસંબી વગેરેની સોડમ અને સ્વાદ ઉમેર્યા. આખરે આવા વાસણો અને ચમચી-વાટકા બજારમાં મૂકવામાં આવ્યા. આઈસક્રીમ ખાતાં ખાતાં ચમચી પણ ખાઈ શકાય અને આખરે આઈસક્રીમ કપ પણ ખાઈ જવાય! દાળ પીધા પછી વાટકી પણ ખાઈ જવાય! આ વિચાર એટલો રોમાંચક હતો કે આ વાસણો તરત લોકપ્રિય બનવા લાગ્યા. એમાં કચરો ઊભો થતો નહોતો.
વાસણો ધોઈને ફરી ગોઠવવાની ઝંઝટ નહોતી. આપણા ગુજરાતમાં વડોદરા ખાતે પણ એક સાહસિક મહિલાએ આવા વાસણો બનાવીને વેચવાની શરૂઆત કરી છે. એની કિંમત ૫.૫૦ રૂપિયાથી ૫૫ રૂપિયા સુધી આવે છે. ન્યૂયોર્કના ઈન્ટરનેશનલ રેસ્ટોરાં એન્ડ ફૂડ સર્વિસ શોમાં તેને એવોર્ડ પણ મળ્યો છે. આ મહિલાએ ચોકલેટ, ફુદીના, કાળામરી અને મસાલાની સોડમ પણ વિકસાવી છે.
નાના લારી-ગલ્લાવાળાઓ માટે તો આ વાસણો આદર્શ બની રહેવાના છે. ગ્રાહક તેને ન ખાય તો કચરામાં ફેંકી શકાય. એ કચરો પ્રાણીઓ ખાઈ જાય તો પણ વાંધો ન આવે, કારણ કે એ આખરે તો ખાવાના અનાજમાંથી જ બન્યા છે!
makhan.cc@sandesh.com
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post ઈકો-ફ્રેન્ડલી ડિશ-કપ-વાટકા-ચમચા આવી ગયાં appeared first on Sandesh.
from Sanskar – Sandesh http://sandesh.com/ceco-friendly-dish-cup-walkt/
via Best Gujarati News
0 Comments