વાઈડ એન્ગલ :- જયેશ ઠકરાર

આપણાં સાંસદો-ધારાસભ્યો ફુલટાઈમ પોલિટિશિયન છે. એ તેના વ્યવસાયના ખાનામાં ખેતી કે ઉદ્યોગ જેવું કંઈક લખે જરૂર છે, પણ મોટાભાગે ચૂંટાયા પછી એમણે રાજકારણ સિવાય કશું કરવું પડતું નથી. આમ જનતા પોલિટિક્સને ગંદુ ગણાવી દૂર રહે છે અને રાજકીય પક્ષો પણ બહુ ઉજળા લોકો માટે લાલ જાજમ બિછાવતા નથી! જુઓ-એટલે જ આપણી આસપાસ એ જ છાપેલાં કાટલાં જેવા રાજકારણીઓ જોવા મળે છે. એ પક્ષો બદલશે. ગઠબંધન બદલશે પણ છે તો એ જ લોકો પાવર સેન્ટરમાં.

અત્યારે ચૂંટણીમાં એ બેરોજગારીની બહુ બૂમો પાડે છે, પણ પોતાની રોજગારી વિશે કમાણી વિશે એફિડેવીટમાં દર્શાવવા જેટલો જ ફોડ પાડે છે. રાજકારણ સોનાના ઈંડા આપતી મૂર્ગી છે અને એટલે જ તા. ૧૧ એપ્રિલે જ્યાં મતદાન થઈ ગયું તે ૯૧ બેઠકો ઉપર ૪૦૧ કરોડપતિએ નસીબ અજમાવ્યું છે. ૨૧૩ ઉમેદવારો એવા છે જેના ઉપર ક્રિમિનલ કેસ છે.

દેશમાં પ્યૂનની ભરતી થાય તો પણ શૈક્ષણિક લાયકાત જોવામાં આવે છે. ખાનગી કંપનીઓની મેરીટની ડિમાન્ડમાં તો ભાત ભાતના ધારાધોરણો છે. પણ ૧૫થી ૨૦ લાખ લોકોનું પ્રતિનિધિત્વ કરતાં અને જેના આધારે દેશના વડાપ્રધાનની પસંદગી થાય છે તેવા સાંસદ બનવા માટે ઉમેદવાર જેલમાંથી પણ ફોર્મ ભરી શકે છે- જૂનાગઢમાં એક બુટલેગર પણ આ વખતે મેદાનમાં છે. દેશમાં ખૂનના અને ખૂની હુમલાના ૨૫ તહોમતદારો પણ લોકસભાના દ્વાર ખખડાવી શકે છે. આઘાતજનક બાબત એ છે કે ભાજપ કોંગ્રેસ ટીડીપી, બીએસપી સહિત લગભગ તમામ પક્ષો આ મામલે સરખા જ છે.

૫૨૬ ઉમેદવારો એવા છે જે ધો. ૫થી ધો.૧૨ સુધી જ ભણેલા છે. માત્ર ભણતર એ સેવા માટે માપદંડ નથી, પરંતુ એક તરફ જ્યારે પ્રતિભાશાળી લોકોને પોલિટિકસમાં આવવા આહવાન થાય અને બીજી તરફ ટિકિટો માત્ર ને માત્ર નાત-જાતના સમીકરણોથી જ અપાય ત્યારે ચૂંટણી પ્રત્યે ઘોર નિરાશા જ જન્મે છે. લીડર તો એવો હોય જેનાથી પ્રેરણા મળે. આપણે ત્યાં મુખ્યમંત્રી જેવા પદ ઉપર પણ કેવાં-કેવાં લોકો બિરાજમાન થઈ ગયા છે. એ માટે જરા તેની પ્રોફાઈલ જોવા જેવી છે.

વર્તમાન લોકસભાના સાંસદોની પ્રોફાઈલ જોઈએ તો ૭૫% સભ્યો ગ્રેજ્યુએટ છે, આ પહેલાની લોકસભામાં આ સંખ્યા ૭૯% હતી. ૨૦૧૪માં ચૂંટાયેલા ૨૮% ઉમેદવારો પોસ્ટ ગ્રેજ્યુએટ છે. ૬% ડોક્ટરેટ કરેલા છે. જ્યારે ૧૦% મેટ્રીક પાસ અને ૧૩% નોન મેટ્રીક અથવા તો ધો. ૧૦થી ઓછું ભણેલા છે.

આઝાદી પૂર્વ સમાજ સુધારણામાં સુશિક્ષિત લોકનેતાઓનું પ્રદાન અવિસ્મરણીય છે. પ્રોફેસર ગોખલે,  ન્યાયમૂર્તિ રાનડે અને રાજા રામ મોહનરાય જેવાં ઘણાં નામો છે, જેમણે ભારતને સામાજિક કુરિવાજો અને સરકારી નોકરીમાં વ્યાપેલી બદીઓ દૂર કરવામાં મોટો ફાળો આપ્યો છે.

બિહારના મુખ્યમંત્રીપદે રહી ચૂકેલા રબડીદેવીએ નામ માત્રનું પણ શિક્ષણ મેળવ્યું ન હતું. ૧૪ વર્ષની ઉંમરે તેના લગ્ન થઈ ગયેલા, ૧૯૯૭માં લાલુપ્રસાદે તેને મુખ્યમંત્રી પદે બેસાડી વરવું ઉદાહરણ રજૂ કરેલું ડાકુરાણી ફુલનદેવીએ ચંબલ છોડીને આત્મસમર્પણ કર્યા બાદ સમાજવાદી પાર્ટીએ તેને મિર્ઝાપુરની ટિકિટ આપેલી, ત્યાંથી તે જીતી ગયેલી… ફુલન માટે કાળા અક્ષર ભેંસ બરાબર હતાં.

રાજસ્થાને એક એવા ધારાસભ્ય જોયા છે જે શપથગ્રહણ વખતે વંચાતો પત્ર પણ વાંચી શકે તેમ ન હતા. મૌસી ઉર્ફ ગોલમા દેવી મીના રાજગઢના ધારાસભ્ય અને એક વખતે ગેહલોત સરકારના મંત્રી પણ રહી ચૂક્યાં છે- બિલકુલ અંગુઠાછાપ. તમિલ ફિલ્મોમાં સ્ક્રીનપ્લેથી મશહૂર કરુણાનિધિ એ પછી મુખ્યમંત્રી પણ બન્યા, પરંતુ ભણતર જુઓ તો ધોરણ પાંચથી આગળ કશું નહીં!  ધો. ૧૦ ભણીને કોંગી કાર્યાલયમાં ડ્રાઈવર તરીકે કામ કરતા જાફર શરીફને રાજકારણની લોટરી એવી લાગી કે એ રેલમંત્રી બની ગયેલા.

આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુએ અર્થશાસ્ત્રમાં એમ.એ. કર્યું છે. પીએચ.ડી. પણ શરૂ કરેલું, પરંતુ અધુરું છોડી દીધું. બિહારના નીતિશકુમાર એનઆઈટીની એન્જિનિયરની ડિગ્રી ધરાવે છે. મમતા બેનર્જી ઈતિહાસમાં ગ્રેજયુએટ છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસ એલએલ.બી. ઉપરાંત બિઝનેસ મેનેજમેન્ટ અને પ્રોજેક્ટ મેનેજમેન્ટના બે પોસ્ટ ગ્રેજયુએટ ડિપ્લોમા ધરાવે છે.

પંજાબના મુખ્યમંત્રી અમરીન્દર સિંઘ ૧૯૬૫ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં ભાગ લઈ ચૂક્યા છે. નેશનલ ડિફેન્સ એકેડેમી અને ઈન્ડિયન મિલિટરી એકેડમીમાં ભણ્યા બાદ ૧૯૬૩ સુધી તે આર્મીમાં હતા. બાદમાં પાકિસ્તાન સામેના યુદ્ધમાં તે કેપ્ટન તરીકે લડયા હતા. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ રામમંદિર ચળવળમાં જોડાયા અને ગોરખનાથ મઠમાં સક્રિય બન્યા તે પૂર્વે તે ગણિતમાં સ્નાતક થયેલા છે.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આઈઆઈટી ખડગપુરમાં મિકેનિકલ એન્જિનિયર થયેલા છે. રાષ્ટ્રીય લોકદળના સ્થાપક અને વડા અજીત સિંઘે પણ લખનૌ યુનિવર્સિટીથી બી.એસસી. કર્યા બાદ આઈઆઈટી ખડગપુરમાં બી.ટેક. કર્યું છે. પૂર્વ કેબિનેટ મંત્રી જયરામ રમેશે આઈઆઈટી મુંબઈમાં એન્જિનિયરિંગ અને પબ્લિક પોલીસી- પબ્લિક મેનેજમેન્ટમાં એમએસસી કર્યું છે. નર્મદા બચાવો આંદોલનમાં જોડાયેલા આમ આદમી પાર્ટીના આલોક અગ્રવાલ કાનપુર આઈઆઈટીના મિકેનિકલ એન્જિનિયર છે. પૂર્વ મંત્રી જયંત સિન્હા આઈઆઈટી દિલ્હીના ગ્રેજયુએટ છે. પેનસિલ્વેનીયા યુનિવર્સિટીમાંથી તેણે એમ.એસસી. કર્યું છે. સુધીન્દ્ર કુલકર્ણી, નંદન નીલેકણી, ક્રિશ્નકાંત, વેદ પ્રકાશ ગોયલ, રધુરામ રાજન જેવાં નામો ભારતીય રાજનીતિમાં જોવા મળ્યા છે. ૨૦૧૯ની લોકસભા ચૂંટણી દેશને કેવા સાંસદો આપે છે, તે જોવું રહ્યું.

ઝૂમ ઈન  

અનુભવ થયો આ રુંવાડે રુંવાડે

મને કોઈ જાણે ભીતરથી જગાડે

સમય ખીણ માફક ઊભો છે વચોવચ

અને આપણે સામસામા પહાડે

ઝૂમ આઉટ  

પોતીકું તેજ લઈને

સતત ઝળહળ્યા કરો

સામે ભલે હો સૂર્ય

ન આવો પ્રભાવમાં

fb/ jayesh thakrar wide angle

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post ભણતરને શું વળગે ભૂર, ચૂંટણીમાં જીતે તે શૂર appeared first on Sandesh.



from Sanskar – Sandesh http://sandesh.com/learning-what-to-be-election/
via Best Gujarati News

0 Comments