ચોરી એટલે રુંધાયેલી લક્ષ્મીની મુક્તિ?
માણસાઈના દીવા :- ઝવેરચંદ મેઘાણી
વાત અહીં પહોંચેલી : ફૂલાને પકડવા ફોજદાર સાથે મળીને તરકટ રચવામાં આવ્યું હતું. ઇછલાએ કરેલી ચોરીનો આરોપ ફૂલાના માથે નાખવાનો હતો. પણ મહારાજ આવું ખોટું થવા દેવા નહોતા માંગતાં. તેમણે ઇછલાને સમજાવ્યુ અને પછી એક પરિષદ રચી. આ પરિષદમાં ઇછલા પાસે સાચુ બોલાવડાવ્યું. છતાં ફૂલાને દબોચવાની માગણી ઊઠી. હવે આગળ…
બોલાવ્યો ફૂલાને. પચાસ વરસની ઉંમરનો ફૂલો આગેવાનોની સામે આવ્યો અને મહારાજને પગે હાથ મૂકવા નજીક આવે તે પૂર્વે તો આગેવાનો જ બોલી ઊઠયાઃ ‘છેટો રહેજે! અડકીશ ના મહારાજના પગેઃ છેટો રહેજે!’
ન્યાતના ભાઈઓએ પણ એટલો બધો અધમ ગણેલો ફૂલો આ શબ્દો સાંભળી દૂર ઊભો રહ્યો. મહારાજે એનો કાળમીંઢ દેહ માપ્યો, એની મુખમુદ્રા ઉકેલી, એની તાકાતને તાગી. ફૂલો શાંતિથી ઊભો હતો.
‘ફૂલા વાવેચા!’ મહારાજે એને કહેવા માંડયું: ‘કોઈ નહીં ને તમે ચોરી કરો, એ કંઈ ઠીક કહેવાય!’
‘હું ક્યારે કરું છું?’
‘ક્યારે કરું છું કહો છો! પેલી …ગામની, પેલી …ના ઘરની, અને પેલી …’ એમ મહારાજે તો નામો દઈ દઈને ફૂલાની ચોરીઓ ગણાવવા માંડી, એટલે વચ્ચે ફૂલો બોલી ઊઠયોઃ ‘પણ હેં મહારાજ, તમે મારે ઘેર કે’દા’ડે આવ્યા છો, ને ક્યારે મને ઉપદેશ દીધો છે? એકવાર ઘેર આવો. પછી જે કહેવું હોય તે કહો.’
ચોરની આ દલીલે મહારાજને ચૂપ બનાવ્યા અને ભારે કુતૂહલ પેદા કર્યું.
વળતે દિવસે મહારાજ ફૂલા વાવેચાને ખેતરે એનું ઘર હતું ત્યાં ગયા. એની બે બૈરીઓ હતી, તે આવીને છેડા પાથરી ઊભી રહી. એના પાંચ દીકરા હતા, તે એક પછી એક પગે લાગ્યા. એ પોતે આવીને ચૂપ બની બેઠા, પછી એણે કહ્યું: ‘મહારાજ! આ બે મોટા છોકરા તો સારા છે એને કંઈ બોધ નહીં કરો તોય ચાલશે. આ નાના બે છે, તે પશુ છે (‘પશુ છે’ અર્થાત્ ચોરીની વિદ્યા ન જાણનારા ગમાર છે,) પણ આ વચેટ દેહલો છે ને, તે મારી જોડે ફર્યો છે. એને જે કહેવું હોય તે કહો.’
ફૂલાના શબ્દોએ મહારાજના મનમાં રમૂજ પેદા કરી. એમણે પછી નિરાંતે ફૂલાને કહ્યું: ‘હેં ફૂલા વાવેચા! મને તો આશ્ચર્ય થાય છે કે એવું તે કયું પુણ્ય તમે કર્યું હશે કે જેને પ્રતાપે તમારે આ બે બૈરીઓ, પાંચ દીકરા, આ દીકરાની વહુઓ, આ ખેતરાં, આ ભેંસો, ને આ બધી સુખસાહેબી છે!’
‘મેં તો, મહારાજ,’ ફૂલાએ જરાયે દોંગાઈ વગર, શુદ્ધ સાચે ભાવે જવાબ દીધોઃ ‘કોઈ પરસ્ત્રી સામે એઠી આંખે જોયું નથી; અને મેં તો જે આંગણે આવ્યું તેને રોટલો આલ્યો છે.’
ઘડીભર તો મહારાજ સ્તબ્ધ બન્યા. પાપ-પુણ્યનું શાસ્ત્ર એમના અંતઃકરણમાં અટવાઈ રહ્યું. પછી એમણે કહ્યું: ‘ફોજદાર કહે છે કે તમે તો, ફૂલા, આજ લગીમાં બે હજાર ચોરીઓ કરી છે, તે પાપ નહીં?’
‘હશે, મહારાજ!’ ફૂલાએ આ બે હજારના આંકડા પર મર્મ કરતાં કહ્યું: ‘ફોજદારે ગણી હશે. મેં તો કંઈ સરવાળો સાચવ્યો નથી. પણ મહારાજ, ચોરી કરવી એ કંઈ પાપ છે?’
‘પાપ નહીં?’
‘ના, મહારાજ. તમે જ વિચારી જુઓ! તમારેય બે આંખો છે, મારે પણ બે આંખો છે. છતાં તમારી પોતાની મૂકેલી જે ચીજ તમે પોતે ધોળે દા’ડે સૂરજના અજવાળામાં ન દેખો, તે અમે ભાળીએ. એ શું અમસ્તું હશે? એનું કંઈ રહસ્ય નહીં હોય?’
‘…શું રહસ્ય?’
‘રહસ્ય એ કે, લક્ષ્મી અમને ધા-પોકાર કરે છે.’
‘હેં!’ મહારાજ સતેજ બન્યા. કશીક તત્ત્વાલોચના ચાલુ થઈ લાગી.
‘હા, મહારાજ! પારકા ઘરમાં પરાણે એકઠી થયેલી અને બંધાઈ ગયેલી લક્ષ્મી અમને પોકારે છેઃ એને બહાર નીકળવું છે. જ્યારે એ ધા-પોકાર કરે છે, ત્યારે અમને એ આપોઆપ આઘેથી પણ સંભળાય છે અને ત્યારે અમારું મન અંદરથી અવાજ દે છે કે, ‘ફૂલિયા! ઊઠ, હીંડ.’ અમે જઈને લક્ષ્મીને છોડીએ છીએ અને એ રુંધાઈ ગયેલીને અમે બહાર કાઢીએ છીએ. એમાંથી કંઈક મુખીને જાય, કંઈક ફોજદારને, કંઈક મોટા ફોજદારને અને અમને તો, બાપજી, માત્ર કાંટાભંગામણ રહે છેઃ ચોરી કરવા જતાં પગ નીચે જે કાંટા ભંગાયા હોય તેટલા પૂરતું મહેનતાણું જ અમારે ભાગે રહે છે.’
મહારાજ સડક બન્યા, અને ગંભીર ભાવે ફૂલાની સામે તાકી રહ્યા. ફૂલાએ આગળ કહેવું ચાલુ રાખ્યું:
‘સાંભળો, મહારાજ! એક દા’ડો રાતે હું પાર ચોરી કરવા ગયો. (‘પાર’ એટલે મહી નદીના સામા કિનારા પરને કોઈ ગામડે.) એક ઘરમાં પેસી મજૂસ તોડી ઘરેણાંની મેં પોટલી બાંધી, ત્યાં તો બાઈ જાગી પડી. એના મોંમાંથી ચીસ ઊઠી. મેં કેડયેથી છરો કાઢીને એને બતાવ્યો, એટલે એની ચીસ અરધેથી રુંધાઈ ગઈ. ઊભી ઊભી એ ચૂપ થઈ ગઈ. મને એ વખતે કોણ જાણે શું થયું, પણ, મહારાજ, મેં તો બાંધેલી પોટલી છોડી નાખીને એમાંથી એક પછી એક ઘરેણું લઈ લઈને બાઈની છાતી માથે ફેંકવા માંડયું. આખી પોટલી ખલાસ કરીને હું બહાર નીકળી ગયો, ને મેં મારી જાતને કહ્યું કે, ‘ફૂલિયા! મારા હાહરા! એ લક્ષ્મી તે એની જ હશે. એણે પોકાર કર્યો જ નહીં હોય. તેં ખોટું સાંભળ્યું! તું ઘર ભૂલ્યો, ફૂલિયા! આમ, મહારાજ, અમારા તો પગ જ કહી આપે. હકની લક્ષ્મી હોય એને ત્યાં તો અમારા પગ જ ન જાય. અમને તો ઈશ્વરે મેલ કાઢવા જ સરજ્યા છે. જેમ બીજાને સરજ્યા છે, એમ અમને સરજયા છે. તેમ છતાં, તમે કહેતા હો તો, હું ચોરી છોડી દઉં!’
ફૂલાનું બોલવું પૂરું થયું ત્યારે, મહારાજ કહે છે કે, મને યજુર્વેદનો આ શ્લોક યાદ આવ્યોઃ
સ્તેનેભ્યોં નમઃ । તસ્કરેભ્યો નમઃ ।
તસ્કરાણાં પતયે નમઃ ।
ચોરોને નમન હો! તસ્કરોને નમન હો! નમન હો, તસ્કરોના સ્વામીને!
“““
ફૂલા વાવેચાની સ્મૃતિથી સ્નિગ્ધ બની જતા મહારાજ પાસેથી જાણવા મળ્યું છે કે ફૂલાએ તે દિવસથી ચોરી છોડી દીધી. પણ એનું મોત કરુણ બન્યું. એની દીકરીને બોરસદ પરણાવી હતી. જમાઈ એને મારતો હતો. એકવાર ધણીના મારથી ત્રાસીને એ બાપને ઘેર નાસી આવી. પાછળ દારૂમાં ચકચૂર જમાઈ તકરાર કરતો આવ્યો. ફૂલાએ કહ્યું: ‘એ લોકો મારે છે મારી દીકરીને! જા, નથી મોકલતો.’
જમાઈ કહેઃ ‘તું તારે દેજે તારી દીકરી બીજે, પણ મારો છોકરો તો લાવ.’
ગાળાગાળી મચી. જમાઈએ સસરાને છૂરી ઘોંચી ખૂન કર્યું અને બાપના મોતનું વેર લેવા ફૂલાનો વચેટ દીકરો દેશલો બહાર પડયો. બાપનો ચોરીનો કસબ એ બરાબર શીખ્યો હતો. તે કસબ પોતે ખેડવા લાગ્યો.
સાળા-બનેવી વચ્ચેનું આ વેર ટાળવાના યત્ન કરતા મહારાજે એક દિવસ દેશલાને મળવા તેડાવ્યો. નવાખલના કોતરમાં મહારાજ બેઠા છે. દેશલો આવ્યો. દારૂમાં ચકચૂર છેઃ કામઠા પર તીર ચડાવ્યું છે. મહારાજની સામે તાકતો તાકતો આવ્યો. આંખો લાલઘૂમ છે. આવીને મદોન્મત્ત સ્વરે પૂછેઃ ‘શું છે? કહો.’
જરાકે વિચલિત થયા વગર મહારાજે કહ્યું: ‘અલ્યા દેશલા! તારી આ દશા! તું દારૂ ઢીંચીને મારી કને આવે છે! ને આ તીર-કામઠું તાકે છે! બે અડબોથ મારીને તારું આ બધુંય આંચકી લઉં તેમ છું, હાં કે! પણ જા, તારી સાથે વાત શી કરવી! જા, ચાલ્યો જા અહીંથી.’
વિકરાળ વાઘ-દીપડા જેવો દેશલો નીચું જોઈને ચાલ્યો ગયો. પછી એક લૂંટમાં એ પકડાયો, ત્યારે રઝળુ ઘેટાંના ગોવાળ-શા મહારાજે જઈ ભાદરણની જેલમાં મેડા પર એને મળવા બોલાવ્યો. પૂછયું: ‘કાં દેશલા!’ ઓળખે છે?
દેશલે નકારતાં ડોકું ધુણાવ્યું.
‘નથી ઓળખતો મને?’
‘ના.’
‘શાનો ઓળખે! તે દિવસે તારા ઘેર તારા બાપા કને હું આવેલો. તે વખતે તું કેવો હતો! પછી તે દિવસે નવાખલના કોતરમાં મને મળવા આવ્યો ત્યારે તું શું હતો! ને આજે શું છે! આજે તો તું બહેકીને મોટો બહારવટિયો બન્યો છે. આજે તું મને ઓળખે નહીં! પણ મને વહેલો ઓળખ્યો હોત ને, દેશલા, તો તારી આ દશા ન હોત.’
જવાબ વાળ્યા વિના દેશલો ચૂપચાપ ચાલ્યો ગયો. એને ૭૫-૮૦ વર્ષની સજા પડી. પાછા હમણાં મહારાજ એને મળવા વડોદરાની મોટી જેલે ગયા. મુલાકાત મેળવી પૂછયું: ‘અલ્યા, તે દા’ડો ભાદરણની જેલમાં તો નહોતો ઓળખતોને!’
દેશલો કહેઃ ‘મહારાજ! મેં તો ઓળખ્યા છતાં ના કહેલી.’
‘શાથી?’
‘અમે ચોર-લૂંટારા કોઈને પણ ઓળખવાની ના જ કહીએ, કારણ કે નહીંતર એને જોખમ નડે.’
ચોરીના તત્ત્વવેત્તા ફૂલા વાવેચાનો દીકરો દેશલો મહારાજને પોતાના મિત્રના પુત્ર જેવો લાગ્યો. પોતે આ જુવાનને ન ઉગારી શક્યા તેની ગ્લાનિ લઈને એ જેલમાં પાછા વળ્યા.
(ક્રમશઃ)
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post ચોરી એટલે રુંધાયેલી લક્ષ્મીની મુક્તિ? appeared first on Sandesh.
from Sanskar – Sandesh http://sandesh.com/theft-means-stolen-goal/
via Best Gujarati News
0 Comments