ચાલો જાતે કરીને જોઈએ…! :- માલિની મૌર્ય

આપણે જાણીએ છીએ કે દરેક વસ્તુનું વજન હોય છે. કાચના ગ્લાસનું વજન હોય અને એમાં ભરેલા પાણીનું પણ વજન હોય! ગ્લાસમાં પાણી ભરો તો ગ્લાસના વજનમાં પાણીનું વજન ઉમેરાઈ જાય એટલે ગ્લાસનું વજન વધી જાય. હવે, માનો કે તમે એ ગ્લાસને અડયા વગર એના પાણીમાં માત્ર આંગળી બોળો તો શું થાય? એનું વજન વધી જાય? કે પછી એનું વજન ઓછું થઈ જાય? ચાલો જાતે કરીને જોઈ લઈએ…

એ જાણવા માટે શું શું જોઈશે?

લીસી સપાટીવાળું એક ટેબલ, એક પેન્સિલ, સેલોફિન ટેપનો રોલ, ૧૨ ઈંચવાળી ફૂટપટ્ટી, ગ્લાસ માર્કિંગ પેન, કાચના બે ગ્લાસ અને બંને ગ્લાસની કિનારીઓ સુધી ભરી શકાય એટલું પાણી.

તમારે શું કરવાનું છે?

સૌથી પહેલાં તો પેન્સિલને ટેબલ ઉપર સેલોફિન ટેપના ટુકડા વડે ચોંટાડી દો. પેન્સિલ એ રીતે ચોંટાડી દો કે બિલકુલ ફિટ થઈ જાય. આમ કે તેમ જરાય હલે નહીં.

હવે ચિત્રમાં જોવા મળે છે એ રીતે ૧૨ ઈંચવાળી ફૂટપટ્ટીને પેન્સિલ ઉપર ગોઠવો. એવી રીતે ગોઠવો કે ફૂટપટ્ટી સમતોલ રહે. એના બંને છેડા હવામાં સરખી ઊંચાઈએ સ્થિર રહે. એ માટે ફૂટપટ્ટીમાં ૬ ઈંચનો આંકડો જ્યાં હોય એ જગ્યાએથી તેને પેન્સિલ પર ટેકવો. પછી જરાક આમ-તેમ ખસેડતા જશો તો એક જગ્યાએ આવીને ફૂટપટ્ટી સ્થિર સમતોલ થઈ જશે.

ફૂટપટ્ટીનો ૬ ઈંચનો કાપો જ્યાં આવતો હોય ત્યાં ગ્લાસ માર્કિંગથી એક લીટી દોરી દો. બીજી બાજુ ઉપર ફૂટપટ્ટી ઉપર અને પેન્સિલ ઉપર બંને પર દોરાય એવો કાપો દોરો. આ તમને ફૂટપટ્ટીનું સેન્ટર મળી ગયું.

હવે કાચના બંને ગ્લાસમાં કિનારીથી અડધો ઈંચ ઊણું રહે એ રીતે પાણી ભરી લો.

પાણી ભરેલા ગ્લાસ ફૂટપટ્ટી ઉપર બંને છેડે મૂકો. બંને ગ્લાસ ફૂટપટ્ટીના છેડાથી એક ઈંચના અંતરે મૂકો. એ માટે જોઈએ તો ફૂટપટ્ટીના બંને છેડે એક એક ઈંચના અંતરે ગ્લાસ માર્કિંગ પેનથી લીટી દોરી લો.

બંને ગ્લાસ સરખા અંતરે મૂકશો અને ફૂટપટ્ટીને સેન્ટરની નિશાની મેળવીને પેન્સિલ ઉપર ગોઠવશો તો નાનકડા ત્રાજવાની જેમ ફૂટપટ્ટી ઉપર પાણી ભરેલા બંને ગ્લાસ બંને બાજુ સમતોલ રહી જશે.

હવે કોઈપણ એક ગ્લાસમાં ગ્લાસને જરાય અડી ન જવાય એ રીતે પાણીમાં આંગળીનો એક કાપો ડૂબે એટલી બોળો.

જુઓ કે પાણીમાં આંગળી બોળવાથી શું થયું. એને નોંધી લો.

પછી આંગળી કાઢી લો. જુઓ કે શું ફેરફાર થાય છે. એને નોંધી લો.

હવે બીજી બાજુના ગ્લાસના પાણીમાં આંગળી બોળો. જુઓ કે શું થાય છે અને તેને નોંધી લો.

આમ કરવાથી શું થશે?

તમે ગ્લાસમાં આંગળી બોળશો કે તરત જે ગ્લાસમાં આંગળી બોળી હોય એ બાજુનો છેડો નમી જશે. આંગળી કાઢી લેશો તો ફૂટપટ્ટી ફરી સમતોલ થઈ જશે. બીજી બાજુ આંગળી બોળશો તો એ બાજુનો છેડો નમી જશે. આંગળી કાઢી લેશો તો ફરી ફૂટપટ્ટી સમતોલ બની જશે.

આવું કેમ થાય છે?

આપણે જાણીએ છીએ કે પાણીનું વજન એના દળના આધારે થાય છે. આપણે પાણીના ગ્લાસમાં આંગળી બોળીએ છીએ તો આપણી આંગળીના કદ જેટલું પાણી ડિસ્પ્લેસ થાય છે એટલે કે સ્થળાંતરીત થાય છે.

સાદી ભાષામાં એટલું પાણી આસપાસ ખસી જઈને આંગળીને જગ્યા કરી આપે છે. પાણીમાં એટલી વધારાની જગ્યા સમાઈ હોવાથી એની સપાટી ગ્લાસમાં વધી જાય છે. એટલે કે પાણીનું દળ વધી જાય છે. દળ વધે તો વજન પણ વધી જ જાય ને?

એ રીતે આપણે ગ્લાસને અડીને દબાવતા નથી, પાણીને પણ દબાવતા નથી છતાં પાણીનું વજન વધી જાય છે. આપણી આંગળી ડૂબાડીએ ત્યારે જેટલું પાણી ખસીને જગ્યા કરી આપે એટલું પાણી જો ગ્લાસમાંથી નીકળી જાય એવી જોગવાઈ હોય તો એટલું પાણી નીકળી જાય. એવા સંજોગોમાં આંગળી બોળવાથી પાણીનું વજન વધશે નહીં.

kids@sandesh.com

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post પાણીમાં આંગળી બોળો તો પાણીનું વજન વધે? appeared first on Sandesh.



from Kids Corner – Sandesh http://sandesh.com/water-finger-balls-to-water/
via Best Gujarati News

0 Comments