જંગલબુક :- નીરવ દેસાઈ

તેતર મૂળ રૂપે આફ્રિકા, યુરોપ અને એશિયામાં જોવા મળે છે. ભારતમાં પણ મોટા પ્રમાણમાં જોવા મળી રહે છે. ભારતમાં જોવા મળતા તેતર કાળા અને બદામી રંગના હોય છે. તેઓ આકાશમાં ઊંચે ઊડી શક્તા નથી. તેથી તેઓ મોટા ભાગનો સમય જમીન પર જ પસાર કરે છે. તેઓ આકાશમાં ફક્ત થોડા સમય માટે જ અને નીચા સ્તરે ઊડી શકે છે. જ્યારે કોઈ ભયનો અહેસાસ થાય ત્યારે તેઓ તેઓ ઊડવા કરતાં દોડવાનો વિકલ્પ અજમાવે છે, કારણ કે તેઓ ખૂબ ઝડપથી દોડી શકે છે. તેતર એકલા રહેવાનું વધારે પસંદ કરે છે. હા, પણ ક્યારેક તેઓ જોડીમાં પણ જોવા મળી રહે છે. તેઓ મુખ્યત્વે વૃક્ષની ડાળીઓ પર તેમજ લીલા ઘાસના મેદાનમાં જોવા મળે છે. તેતર ક્યારેય જમીન પર તેમજ ઝાડની બખોલમાં પોતાનો માળો બનાવતું નથી. તે હંમેશાં ખડકોમાં તેમજ જમીનથી થોડી ઉપરની જગ્યાએ પોતાનો માળો બનાવે છે. તેનું માથું અને પૂંછડી નાનાં હોય છે. તેના પગના પંજા ખૂબ જ અણીદાર અને મજબૂત હોય છે. કાળા અને બદામી રંગ ઉપરાંત તેઓ રંગબેરંગી અને સફેદ રંગમાં પણ જોવા મળી રહે છે. તેના રંગને કારણે તેઓ ઘાસના મેદાનો પર સરળતાથી છુપાઈ શકે છે. તેઓ મોટાભાગે સવારના સમયે ટી..ટી.. જેવો અવાજ કરતા હોય છે. તેનો અવાજ એટલો તીણો હોય છે કે તે દૂરથી પણ સાંભળી શકાય છે. સામાન્ય રીતે નર અને માદા તેતર દેખાવમાં એક જેવા જ લાગતા હોય છે. પરંતુ નર તેતરના શરીરનો રંગ માદા તેતર કરતાં વધારે ચળકતો હોય છે. પુખ્ત વયના તેતરનું સરેરાશ કદ ત્રીસ સે.મી. જેટલું હોય છે, જેમાં નર તેતર ૨૯-૩૪ સે.મી. જેટલું હોય છે અને માદા તેતર ૨૬ -૩૦ સે.મી. જેટલું હોય છે. નરનું વજન ૨૬૦-૩૪૦ ગ્રામ જેટલું હોય છે અને માદા તેતરનું વજન ૨૦૦ ૩૧૦ ગ્રામ જેટલું હોય છે. ખોરાકમાં તેઓ અનાજ, કીડી, મંકોડા, નાના જીવજંતુ અને ફળો આરોગે છે. ક્યારેક તેઓ સાપનો પણ શિકાર કરે છે. તેતર ખેતરમાં નુકસાન કરતાં ઈયળો અને જીવજંતુ ખાઈ ખેતરને બચાવે છે. માદા તેતર એક વખતમાં પાંચથી આઠ ઈંડાં મૂકે છે. તેમનાં ઈંડાં લાલ અથવા પીળા રંગના હોય છે. નર અને માદા તેતર ભેગા મળીને ઈંડા સેવે છે. તેતરનું બચ્ચું જન્મના પંદર દિવસની અંદર જ ઊડતા શીખી જાય છે. ઉત્તર ભારતીય ઉપખંડના વિસ્તારોમાં આ જાતિઓનું લાંબા સમય સુધી પાલન કરવામાં આવે છે અને ત્યારબાદ તેનો લડાઈ માટે ઉપયોગ કરવામાં આવે છે. તેતર પક્ષીનું આયુષ્ય લગભગ આઠ વર્ષ જેટલું હોય છે. જોકે હાલના સમયની વાત કરીએ તો તેતરની સંખ્યા ચિંતાજનક રીતે ઘટી રહી છે. તેમનો શિકાર થતો રહેતો હોવાથી તેમનું અસ્તિત્વ જોખમમાં છે. તેમજ ખેતરમાં છાંટવામાં આવતી દવાના કારણે પણ તેમના મૃત્યુનું પ્રમાણ વધ્યું છે.

kids@sandesh.com

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post તેતર પક્ષી હોવા છતાં ઊડવા કરતાં દોડવાનું વધુ પસંદ કરે છે appeared first on Sandesh.



from Kids Corner – Sandesh http://sandesh.com/behind-the-bird-despite-flying/
via Best Gujarati News

0 Comments