પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવા વિશાળકાય ચિત્ર દોર્યું
ગિનેસ રેકોર્ડ :- દિશા ઉમરેઠવાલા
સાયપ્રસમાં એલેક્સ ઝાઘિગિયન નામના ફક્ત ૧૭ વર્ષના કિશોરે પ્લાસ્ટિકના પ્રદૂષણ પ્રત્યે લોકોમાં જાગૃતિ લાવવા માટે કાચબાનું એક અત્યંત વિશાળકાય ચિત્ર બનાવ્યું હતું. એલેક્સ ઝાઘિગિયને જાત મહેનતે એકલે હાથે વિશાળ ચિત્ર રચવાનું બીડું ઉપાડયું હતું. આ ચિત્રનું કદ છે ૩૨૩.૯ ચોરસ મીટર. સમુદ્રમાં પ્લાસ્ટિક અને અન્ય કચરાથી ઘેરાયેલા કાચબાને આ ચિત્રમાં દર્શાવવામાં આવ્યો છે. તેમાં કાચબાને પ્લાસ્ટિકની બેગ્ઝ ખાતો દર્શાવ્યો છે. તેની આજુબાજુ પ્લાસ્ટિકનો કચરો અને કેટલીક જેલીફિશ પણ દર્શાવવામાં આવ્યાં છે. પ્લાસ્ટિક બાયોડિગ્રેડેબલ ન હોવાથી તેનો નાશ થતાં હજારો વર્ષ લાગે છે. ઘણી વખત તો દરિયાઈ જીવો નેટ અને પ્લાસ્ટિકની બેગમાં ફસાઈને મરી પણ જાય છે. આ ઉપરાંત, દરિયાઈ જીવો પ્લાસ્ટિક આરોગવાને કારણે પણ મૃત્યુ પામે છે. વળી, પ્લાસ્ટિક આરોગી ચૂકેલા દરિયાઈ જીવોને મનુષ્યો ખોરાક તરીકે ઉપયોગમાં લે છે. જેના કારણે માનવ જીવન પણ જોખમાય છે. પર્યાવરણને બચાવવું અને તેનું રક્ષણ કરવું અનિવાર્ય છે. કારણ કે તેનો ઝડપી વિનાશનો અત્યંત દુઃખદ છે અને તેના પરિણામો માત્ર સમુદ્રી જીવન પર જ નહીં, પરંતુ માનવ અને સમગ્ર ઈકો-સિસ્ટમ પર જોવા મળી રહ્યાં છે. સમુદ્રમાં ફેલાઈ રહેલા પ્રદૂષણ પ્રત્યે જાગૃતિ લાવવાની સાથે સાથે એલેક્સે દરિયાઈ જીવોનો બચાવ કરતી સંસ્થા માટે ફંડ એકઠું કરવા તેમજ વ્યક્તિગત રીતે ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન બનાવવા માટે આ મહા-કાર્ય હાથ ધર્યું હતું. એલેક્સ ફક્ત ત્રણ જ વર્ષનો હતો ત્યારથી ચિત્રો બનાવવાનો શોખીન હતો. જોકે એલેક્સ જેવા કુશળ ચિત્રકાર માટે પણ આટલું મોટું ચિત્ર બનાવવાનું કામ સરળ ન હતું. આ ચિત્ર વિવિધ પ્રકારનાં કાગળ પર કોલસાનો ઉપયોગ કરીને ત્રણ મહિના અને પંદર દિવસના અંતે તૈયાર થઈ શક્યું હતું. એલેક્સએ આ ચિત્ર પોતાની સ્કૂલના હોલમાં બનાવ્યું હતું. આ ચિત્ર બનાવવા એલેક્સએ સૌથી પહેલા ડ્રાફ્ટ ઈમેજ બનાવી તેનો નકશા તરીકે ઉપયોગ કર્યો. ચિત્ર એકદમ માપસરનું બને તે માટે તેણે ગ્રીડ પદ્ધતિનો ઉપયોગ કર્યો હતો.
જ્યારે એલેક્સ ચિત્ર બનાવી રહ્યો હતો ત્યારે તે સ્થળ જાહેર જનતા માટે ખુલ્લું મુકાયું હતું, જેથી લોકો આ મહાકાય આર્ટવર્કને બનતું જોઈ શકે. ચિત્ર પૂર્ણ થઈ ગયા બાદ ગિનેસ બુક ઓફ્વર્લ્ડ રેકોર્ડની ટીમ દ્વારા આ ચિત્રને માપવામાં આવ્યું હતું.
kids@sandesh.com
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવા વિશાળકાય ચિત્ર દોર્યું appeared first on Sandesh.
from Kids Corner – Sandesh http://sandesh.com/environment-awareness/
via Best Gujarati News
0 Comments