બેંગ્લોરના અભિયાન પર પૂર્ણવિરામ લગાવી દિલ્હી કેપિટલ્સ પ્લે ઓફમાં
। નવી દિલ્હી ।
દિલ્હી કેપિટલ્સે વિરાટ કોહલીની કેપ્ટનશિપવાળી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામેની મેચમાં ત્રણેય વિભાગમાં શાનદાર પ્રદર્શન કરતાં ૧૬ રને વિજય મેળવી પ્લેઓફમાં સ્થાન મેળવી લીધું છે. દિલ્હીની ટીમ વર્ષ ૨૦૧૨ બાદ પ્રથમ વખત પ્લે ઓફમાં ક્વોલિફાય થવામાં સફળ રહી છે. આ સિઝનમાં દિલ્હીની ટીમ ચેન્નઈ બાદ પ્લે ઓફમાં સ્થાન મેળવનાર બીજી ટીમ બની ગઈ છે. હવે બાકીના બે સ્થાન માટે મુંબઈ, હૈદરાબાદ, પંજાબ વચ્ચે રસાકસી રહેશે. બીજી તરફ આરસીબી ૧૨ મેચમાં ચાર જીત અને આઠ હાર સાથે આઈપીએલ-૧૨માં પ્લે ઓફની રેસમાંથી બહાર થઈ હઈ છે.
દિલ્હી કેપિટલ્સે પ્રથમ બેટિંગ કરતાં કેપ્ટન શ્રેયસ ઐયર અને ઓપનર શિખર ધવનની અડધી સદી તેમજ અંતિમ ઓવરોમાં રધરફોર્ડ અને અક્ષર પટેલ વચ્ચે ૩.૧ ઓવરમાં નોંધાયેલી અણનમ ૪૬ રનની ભાગીદારીની મદદથી નિર્ધારિત ૨૦ ઓવરની અંતે પાંચ વિકેટ ગુમાવી ૧૮૭ રન બનાવ્યા હતા. ૧૮૮ રનના લક્ષ્યાંક સામે બેંગ્લોરની ટીમ ૨૦ ઓવરના અંતે સાત વિકેટ ગુમાવી ૧૭૧ રન બનાવી શકી હતી.
૧૮૮ રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઊતરેલી બેંગ્લોરની ટીમના ઓપનર કોહલી અને પાર્થિવ પટેલે આક્રમક શરૂઆત અપાવતાં ૪.૩ ઓવરમાં ટીમનો સ્કોર ૫૦ રને પહોંચાડી દીધો હતો. ૬૩ રનના સ્કોરે પાર્થિવ પટેલ આઉટ થયા બાદ કોહલી પણ ૬૮ રનના કુલ સ્કોરે આઉટ થતાં ટીમને બીજો ઝટકો લાગ્યો હતો. ડી વિલિયર્સ અને શિવમ દુબેએ સ્કોર ૧૦૦ રનની પાર પહોંચાડયો હતો. ડી વિલિયર્સ લયમાં આવે તે પહેલાં અક્ષર પટેલે બાઉન્ડ્રી પર શાનદાર કેચ ઝડપી દિલ્હીને ત્રીજી સફળતા અપાવી હતી. ડી વિલિયર્સ આઉટ થયા બાદ ક્લાસેન ત્રણ રને અને શિવમ દુબે અંગત ૨૪ રનના સ્કોરે આઉટ થતાં ૧૧૧ રનના સ્કોરે અડધી ટીમ પેવેલિયન પરત ફરી ચૂકી હતી. સ્ટોનિસ અને ગુરકીરાતે લડત આપવાનો પ્રયાસ કર્યો પરંતુ ટીમ ૨૦ ઓવરના અંતે સાત વિકેટ ગુમાવી ૧૭૧ રન બનાવી શકી હતી.
દિલ્હીની સંગીન શરૂઆત
અગાઉ પ્રથમ બેટિંગ કરવા ઊતરેલા પૃથ્વી શો અને ધવને કેટલાક આક્રષક શોટ ફટકારી દિલ્હી કેપિટલ્સને સારી શરૂઆત અપાવી હતી પરંતુ પૃથ્વી શો અંગત ૧૮ રન બનાવી આઉટ થયો હતો. ધવન અને ઐયરે ત્યારબાદ ૧૧.૩ ઓવરમાં ટીમનો સ્કોર ૧૦૦ રને પહોંચાડયો હતો. તે પછીના બોલે ધવને પોતાની અડધી સદી પૂર્ણ કરી હતી. ધવને પોતાનું ફોર્મ જાળવી રાખતાં આ સિઝનમાં પાંચમી અને સતત ત્રીજી અડધી સદી ફટકારી હતી. જોકે, તે ૫૦ રન બનાવી આઉટ થયો હતો. ઐયરે ત્યારબાદ પોતાની અડધી સદી પૂર્ણ કરી હતી. આ જ ઓવરમાં પંત આઉટ થયો હતો જ્યારે ઐયર અંગત ૫૨ રન બનાવી આઉટ થતાં ૧૬મી ઓવરમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી. ઇન્ગ્રામ પણ ૧૪૧ રનના કુલ સ્કોરે પરત ફરતાં ટીમે પાંચમી વિકેટ ગુમાવી દીધી હતી. અહીંથી રધરફોર્ડ અને અક્ષર પટેલે ૩.૧ ઓવરમાં ૪૬ રનની ભાગીદારી નોંધાવી ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડી દીધી હતી. શેફરેન રધરફોર્ડે ૧૩ બોલમાં એક ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી અણનમ ૨૮ રન બનાવ્યા હતા. અક્ષર પટેલે નવ બોલમાં અણનમ ૧૬ રન બનાવ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post બેંગ્લોરના અભિયાન પર પૂર્ણવિરામ લગાવી દિલ્હી કેપિટલ્સ પ્લે ઓફમાં appeared first on Sandesh.
from Sports – Sandesh http://sandesh.com/bangalore-on-the-flood-campaign/
via Best Gujarati News
0 Comments