। લંડન ।

પંજાબ નેશનલ બેન્ક સાથે રૂ. ૧૩,૫૦૦ કરોડનું કૌભાંડ આચરીને વિદેશ ભાગી ગયેલા નીરવ મોદીને લંડનની વેસ્ટમિંસ્ટર કોર્ટ દ્વારા જામીન આપવા ઇનકાર કરાયો હતો. શુક્રવારે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા નીરવ મોદી કોર્ટમાં હાજર રહ્યો હતો. કોર્ટે તેમની પોલીસ કસ્ટડી ૨૪મી મે સુધી લંબાવી હતી. આ અગાઉ ૨૯ માર્ચે કોર્ટે નીરવ મોદીની જામીન અરજી ફગાવી હતી. હવે ૨૪મી મેનાં રોજ વેસ્ટમિંસ્ટર કોર્ટનાં જજ એમ્મા અર્બથનોટ ફરી અરજીની સુનાવણી કરશે. આમ ભારતમાં ચૂંટણીનાં પરિણામો આવશે ત્યાં સુધી નીરવ મોદી જેલમાં જ રહેશે.

મોદીનાં વકીલ આનંદ દૂબેએ નીરવને શરતી જામીન આપવાની માગણી કરી હતી, જે જજે ફગાવી હતી. જજે કહ્યું હતું કે નીરવનાં કૌભાંડથી બેન્કને ઘણું નુકસાન થયું છે. પુરાવાનો નાશ કરવામાં આવ્યો છે. આ છેતરપિંડીનો  અસાધારણ કેસ છે. જજ એમ્માએ બંને પક્ષનાં વકીલની દલીલો સાંભળ્યા પછી નીરવ મોદીની પોલીસ કસ્ટડી વધારવાનો નિર્ણય લીધો હતો. નીરવ મોદીની પોલીસ કસ્ટડી વધુ ૨૮ દિવસ લંબાવવામાં આવી છે.  ૧૯ માર્ચે તેની લંડનમાંથી ધરપકડ કરાયા પછી તે જેલની હવા ખાઈ રહ્યો છે. કોર્ટે સતત ત્રીજી વખત તેની જામીન અરજી ફગાવી હતી. જજે કહ્યું કે તેણે હવે ૨૪મી મેનાં રોજ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા અને ૩૦મી મેનાં રોજ કોર્ટમાં રૂબરૂ હાજર થવાનું રહેશે. ૩૦મી મેથી કેસની પૂર્ણ સુનાવણી હાથ ધરાશે. કરોડોનાં પીએનબી કૌભાંડમાં નીરવ મોદી વોન્ડસવર્થની જેલમાં કેદ છે. કરોડોનું કૌભાંડ અને મની લોન્ડરિંગ કેસમાં તેની સામે લંડનમાં પ્રત્યર્પણનો કેસ ચાલી રહ્યો છે અને ભારત સરકારે તેની સોંપણી માટે બ્રિટનની સરકાર સમક્ષ માગણી કરી છે.

ઈડીને મામા-ભાણિયાની ૧૨ કારની હરાજીમાં રૂ. ૩.૨૯ કરોડ મળ્યા

બીજી તરફ ભારતમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા નીરવ મોદી અને તેના મામા મેહુલ ચોક્સીની જપ્ત કરવામાં આવેલી ૧૨ કારની હરાજી કરવામાં આવી હતી. ઈડી વતી એમએસટીસી દ્વારા ૧૩ લક્ઝરી કારની બોલી મંગાવવામાં આવી હતી જેને ખરીદવા ૧૨ લોકોએ તૈયારી દર્શાવી હતી. ૧૨ કારનાં વેચાણથી ઈડીને રૂ. ૩.૨૯ કરોડની રકમ મળી હતી. આમાં નીરવ મોદીની ૧૧ અને મેહુલ ચોક્સીની ૨ કાર સામેલ હતી.  કોણે કાર ખરીદી તેનાં નામ બે- ત્રણ દિવસ પછી જાહેર કરાશે. હરાજી  કરાયેલી કારમાં સિલ્વર રંગની રોલ્સ રોયસની રિઝર્વ કિંમત રૂ.  ૧.૩૩ કરોડ, એક પોર્શે કાર જેની રિઝર્વ કિંમત રૂ. ૫૪.૬૦ લાખ, લાલ  રંગની મર્સિડીઝ બેન્ઝની રિઝર્વ કિંમત રૂ. ૧૪ લાખ હતી. સફેદ રંગની  મર્સિડીઝ બેન્ઝની કિંમત રૂ. ૩૭.૮ લાખ અને BMWની કિંમત  ૯. ૮ લાખ હતી. આ અગાઉ ઈડીએ નીરવની માલિકીનાં  પેઈન્ટિંગ્સની હરાજી કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post નીરવ મોદીને લંડન કોર્ટે જામીન ન આપ્યા : ૨૪ મે સુધી જેલમાં appeared first on Sandesh.



from World – Sandesh http://sandesh.com/neerav-modi-london-court-only/
via Best Gujarati News

0 Comments