શ્રીલંકામાં પાકિસ્તાની શરણાર્થીઓ પર સ્થાનિકોના હુમલા, સેંકડોનું પલાયન
। કોલંબા ।
શ્રીલંકાના પશ્ચિમ કિનારા પર આવેલા નેગોમ્બો શહેરમાં ચર્ચમાં બોમ્બ વિસ્ફોટ બાદ પહેલીવાર કોમી રમખાણોના વિચલિત કરનારા સંકેતો પ્રાપ્ત થઈ રહ્યાં છે. નેગોમ્બોમાં વસતા પાકિસ્તાની શરણાર્થીઓ પર સ્થાનિકો દ્વારા હુમલા કરાતા શહેરમાં ભયનું વાતાવરણ પ્રસરી ગયું હતું. નેગોમ્બો શહેરમાંથી સેંકડો લોકોએ પલાયન શરૂ કરી દીધું હતું. કોમ્યુનિટી લીડર્સ દ્વારા પલાયન કરી રહેલા લોકો માટે બસોની વ્યવસ્થા કરાઈ હતી.
આ ઉપરાંત પાકિસ્તાની શરણાર્થીઓ પર સ્થાનિક લોકો હવે વિશ્વાસ કરી રહ્યાં નથી. સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર પરિષદ દ્વારા અપાતી મદદમાંથી ભાડાંના મકાનોમાં રહેતાં આ પાકિસ્તાની શરણાર્થીઓેને તેમના સિંહાલી, ખ્રિસ્તી અને મુસ્લિમ મકાનમાલિકોએ મકાન ખાલી કરાવવાનું શરૂ કરી દીધું છે.
બુધવારે સેન્ટ સેબેસ્ટિયન ચર્ચ ખાતેના બોમ્બ વિસ્ફોટમાં માર્યા ગયેલા ૧૦૦થી વધુ લોકોની અંતિમવિધિ બાદ હથિયારોથી સજ્જ ટોળાં સડકો પર ઊતરી આવ્યાં હતાં અને પાકિસ્તાની શરણાર્થીઓના મકાનો પર હુમલા શરૂ કરી દીધાં હતાં. તોફાની ટોળાં પાકિસ્તાની શરણાર્થીઓની વસતીમાં ઘૂસી ગયાં હતાં. બીજી તરફ આઈએસ સાથ જોડાયેલા ૧૪૦ જેટલા લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે.
આતંકી ઝહરન હાશિમ માર્યો ગયાનો દાવો
ઇસ્ટરના દિવસે શ્રીલંકામાં થયેલા આતંકવાદી હુમલામાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર ઇસ્લામિક કટ્ટરવાદી કોલંબોમાં શાંગ્રિલા હોટેલમાં થયેલા હુમલા દરમિયાન જ માર્યો ગયો હતો. શ્રીલંકાનાં રાષ્ટ્રપતિ મૈત્રીપાલ સિરિસેનાએ પત્રકારોને જણાવ્યું હતું કે, સ્થાનિક કટ્ટરવાદી સંગઠનનો નેતા ઝહરન હાશિમ શાંગ્રિલા હોટેલ પરના હુમલામાં જ માર્યો ગયો હોવાની માહિતી મને ગુપ્તચર એજન્સીઓ દ્વારા આપવામાં આવી છે. હાશિમે શાંગ્રિલા હોટેલ પરના હુમલાની આગેવાની લીધી હતી અને તેની સાથે ઇલ્હામ નામનો બીજો આત્મઘાતી હુમલાખોર જોડાયો હતો.
આતંકવાદીઓને શોધવામાં પાકિસ્તાનની મદદ માગીશું : રાનિલ વિક્રમાસિંઘે
શ્રીલંકાનાં વડા પ્રધાન રાનિલ વિક્રમાસિંઘે જણાવ્યું હતું કે , આતંકવાદીઓને શોધવામાં જરૂર પડશે તો અમે પાકિસ્તાનની મદદ માગીશું. આતંકવાદ સામેની લડાઈમાં પાકિસ્તાન શ્રીલંકાને સંપૂર્ણ સહાય કરતો આવ્યો છે. જરૂર જણાશે તો આતંકવાદીઓને શોધી કાઢવા અને તેમનો સફાયો કરવા માટે અમે પાકિસ્તાનની મદદ માગીશું.
શ્રીલંકન પોલીસે ૩ મહિલા સહિત ૬ શંકાસ્પદ આતંકવાદીઓની તસવીરો જારી કરી
શ્રીલંકાની પોલીસે ઇસ્ટર સન્ડે પર કરાયેલા ઘાતકી બોમ્બ વિસ્ફોટોમાં સંડોવણીની શંકાથી ૩ મહિલા સહિત ૬ શંકાસ્પદ આતંકવાદીઓની તસવીરો જારી કરી છે. પોલીસે આ શંકાસ્પદોના નામ અને તસવીરો જારી કરીને જાહેર જનતા પાસેથી માહિતી માગી છે. શ્રીલંકન સત્તાવાળાઓએ આ શંકાસ્પદોને ઝડપી લેવા માટે સમગ્ર દેશમાં વધારાની પોલીસ અને સુરક્ષા દળો તહેનાત કર્યાં છે. પોલીસે અત્યાર સુધીમાં ૭૫થી વધુ લોકોની ધરપકડ કરી છે.
શ્રીલંકાએ મોતનો આંકડો એકાએક ૧૦૦ જેટલો ઘટાડીને ૨૫૩ કર્યો
શ્રીલંકાએ ઇસ્ટર સન્ડેના રોજ થયેલા વિસ્ફોટેમાં થયેલા મોતનો આંકડો ૩૫૯થી ઘટાડીને ૨૫૩ કર્યો છે. આરોગ્ય સેવાઓના ડિરેક્ટર જનરલ ડો. અનિલ જાસિંઘેએ જણાવ્યું હતું કે, ગણતરીમાં થયેલી ભૂલના કારણે મોતનો ઊંચો આંકડો જાહેર થયો હતો. વિસ્ફોટોમાં મૃત્યુ પામેલા લોકોની સંખ્યા ૩૫૯ નહીં પરંતુ ૨૫૩ જેટલી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post શ્રીલંકામાં પાકિસ્તાની શરણાર્થીઓ પર સ્થાનિકોના હુમલા, સેંકડોનું પલાયન appeared first on Sandesh.
from World – Sandesh http://sandesh.com/sri-lanka-pakistan-shi/
via Best Gujarati News
0 Comments