પોઈન્ટ બ્લેન્ક : એમ.એ. ખાન

શરૂઆતમાં સૂત્ર અથવા નારો તૈયાર કરવામાં અનુભવી વરિષ્ઠ નેતાઓ અને પક્ષના ભાષા નિષ્ણાતો ખૂબ મથામણ કરતા. સૂત્ર એવું હોવું જોઈએ જે તરત સાંભળનારના ગળે ઉતરી જાય તેને તરત યાદ રહી જાય અને એમાં પક્ષની વિચારધારા તથા પક્ષ શું કરવા માગે છે એની ખબર પડી જાય! એ જમાનાના સૂત્રો હતા આત્મનિર્ભર ભારત બનાયેંગે…, જય જવાન જય કિસાન…, ગરીબી હટાઓ…, કોંગ્રેસ કા હાથ આપ કે સાથ…, આ બધા સૂત્રોનો ચોક્કસ અર્થ હતો. પક્ષ શું કરવા ધારે છે એનો સ્પષ્ટ સંદેશો હતો.

જનતા પાર્ટીની રચના થઈ ત્યારથી સૂત્રો નકારાત્મક બની ગયા. પોતે અને પોતાનો પક્ષ શું કરવા ધારે છે એની વાત કરવાને બદલે સામેવાળાને બદનામ કરે એવા સૂત્રો બનવા લાગ્યા. જેમ કેઃ વી.પી. સિંઘ કા એક સવાલ પૈસા ખાયા કૌન દલાલ? આ સૂત્ર રાજીવ ગાંધીની છબિ ખરડવા માટે બનાવવામાં આવ્યું હતું. કારણ કે ઈંદિરા ગાંધીના આકસ્મિક મૃત્યુ પછી વડાપ્રધાન તરીકે ચૂંટાયેલા રાજીવ ગાંધી એટલા પ્રમાણિક અને સ્પષ્ટવક્તા હતા કે એમણે કબૂલ કર્યું કે સરકાર તરફથી નાગરિકની મદદ માટે એક રૂપિયો આપવામાં આવે તો એમાંથી ૫૦ પૈસા અથવા વધારે વચ્ચે ખવાઈ જાય છે. એમની ઈમેજ મિસ્ટર ક્લીનની બની ગઈ હતી.  એવામાં એમની જ સરકારના સંરક્ષણપ્રધાન વી. પી. સિંઘે એ સમયે તાજા તાજા થયેલા બોફોર્સ તોપના સોદામાં ગાંધી પરિવારે કટકી ખાધી હોવાના આરોપ સાથે હોદ્દો અને પક્ષ છોડીને પોતાનો અલગ પક્ષ બનાવી લીધો હતો. એ વખતે રાજીવ ગાંધીને લાંચીયા ચીતરવાનો પ્રયાસ કરતા સૂત્રો બનાવાયા હતા.

જવાબમાં કોંગ્રેસે વિરોધ પક્ષનું અપમાન કરવાને બદલે સૂત્ર બનાવ્યું, રાજા નહીં ફકીર હૈ દેશ કી તકદીર હૈ…! એ વખતે પહેલી જ વખત દેશ માટે પક્ષ શું કરવા માગે છે એની વાત અભરાઈએ ચઢી ગઈ અને પેલો ખરાબ છે… ના ભાઈ ના, એ તો સારો છે… એવી નારાબાજી ચાલુ થઈ. એ શ્રેણીમાં કોંગ્રેસ મુક્ત ભારત… અને મૌત કે સૌદાગર…, બજાઓ પુંગી હટાઓ લૂંગી…, શું છે સારું છે, ડંડા લે કર મારું છે…, તિલક તરાઝુ ઔર તલવાર, ઈન કો મારો જૂતે ચાર…, ગુજરાત વિરોધી રાષ્ટ્ર વિરોધી… જેવા સૂત્રો રચાયા. ૨૦૦૦ પછી રાજકીય પંડિતોને બદલે માર્કેટિંગના બાદશાહોને સૂત્રો બનાવવાનું કામ સોંપવામાં આવ્યું. માર્કેટિંગના પંડિતો પણ સૂત્રો બનાવવામાં જે તે કંપની અને તેની જે તે પ્રોડક્ટમાં કઈ કઈ ખૂબી છે એને બરાબર સમજીને, તારવીને એક જ વાક્યમાં રજૂ કરવામાં નિષ્ણાત હોય છે. શરૂઆતમાં આ લોકો જેતે કંપની અને જેતે પ્રોડક્ટ માટે આવા જ સૂત્રો, સ્લોગન બનાવતા હતા. જાહેરાત-જગતમાં આવા સૂત્રને કેચ-લાઈન (અથવા ટેગ લાઈન) કહેવામાં આવે છે.

શરૂઆતમાં આ નિષ્ણાતો જેતે પ્રોડક્ટની ખૂબી ઉજાગર કરે એવી ટેગલાઈન બનાવતા હતા જેમ કે સટ્રેપ્સિલ્સ માટે ગલે કી ખિચ ખિચ કા ફર્સ્ટ એઈડ, ટાઈડ માટે ટાઈડ હૈતો વ્હાઈટ હૈ, નોકિયા માટે કનેક્ટિંગ પીપલ, મેન્ટોસ માટે દિમાગ કી બત્તી જલા લે, બોર્નવિટા માટે બઢતે બચ્ચોં કે લિયે, તુવર દાળ માટે દાના દાના સ્વાદ કા ખઝાના, હોર્લિક્સ માટે ટોલર સ્ટ્રોન્ગર શાર્પર વગેરે…!

એમાં જોખમ એ રહેતું હતું કે કેચલાઈનમાં કરેલા દાવા પ્રમાણેની પ્રોડક્ટ ન નીકળે તો અસર કાઉન્ટરપ્રોડક્ટિવ એટલે કે નુકસાનકારક થઈ જતી હતી. આ જોખમ ટાળવા માટે નવો નુસખો અપનાવવામાં આવ્યો. કેચ લાઈન એવી બનાવવાની કે જેમાં કોઈ ખૂબી કે ક્વોલિટીનો દાવો જ ન થાય! માત્ર લાગણી ઝણઝણાવે! રેમન્ડ માટે ધી કમ્પ્લિટ મેન, હમારા બજાજ, અમૂલ માટે ધીટેસ્ટ ઓફ ઈન્ડિયા, પેપ્સી માટે યેહી હૈ રાઈટ ચોઈસ બેબી, થમ્સ અપ માટે ટેસ્ટ ધી થન્ડર, સર્ફ દાગ અચ્છે હૈં!, એશિયન પેઈન્ટ્સ માટે હર ઘર કુછ કહતા હૈ, વીડિયોકોન માટે એક્સપિરિયન્સ ધી ચેન્જ, ટાટા નમક માટે દેશ કા નમક, ટાટા સ્કાય માટે ઈસ કો લગા ડાલા તો લાઈફ ઝીંગા લાલા!, આઈડિયા માટે એક આઈડિયા બદલ દે આપ કી દુનિયા, આઈસીઆઈસીઆઈસી બેન્ક માટે ખયાલ આપ કા…!

આ ઉસ્તાદોના હાથમાં ચૂંટણીના સ્લોગન બનાવવાનું આવ્યું તો એમણે પણ એવી જ કેચલાઈન બનાવવા માડી જેમાં પક્ષ કંઈપણ કરવા બંધાય નહીં. દા.ત.: ૨૦૧૪ની ચૂંટણીમાં ભાજપનું સૂત્ર હતું, અબ કી બાર મોદી સરકાર! સરકાર બનશે તો એણે શું કરવાનું છે એની કોઈ જ વાત નથી. આ વખતે પણ સૂત્ર છે, ફિર એક બાર મોદી સરકાર! સામે કોંગ્રેસનું સૂત્ર છે, અબ હોગા ન્યાય!

મનોવિજ્ઞાન કહે છે કે કેચલાઈન, સ્લોગન, સૂત્ર જેટલા ઓછા શબ્દોનું હોય એટલું વધારે લોકપ્રિય થાય છે. નારા અથવા સૂત્રો ઘણાબધા લોકોને એક વિચારમાં બાંધવાનું કામ કરે છે. એની શરૂઆત યુદ્ધ માટે થઈ હતી. બધા લશ્કર આક્રમણ પહેલાં સૂત્રો પોકારે છે. તેથી સૈનિકો એકસાથે બંધાઈને ટુકડી બની જાય છે. ચૂંટણીમાં પણ સૂત્રો એ જ કામ કરે છે. સ્વતંત્ર વિચાર કરનાર નાગરિકોને આ કે તે પક્ષના ટેકેદાર મતદારોનું ટોળું બનાવી દે છે. બસ આજ ચૂંટણીના સ્લોગનોનું દેશ માટે સૌથી જોખમી અને નુકસાનકારક પાસું છે.

makhan.cc@gmail.com

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post કેચ-લાઈનો ખરેખર દેશને કેટલી ઉપયોગી? appeared first on Sandesh.



from Ardha Saptahik – Sandesh http://sandesh.com/catch-line-real-country-cat/
via Best Gujarati News

0 Comments