। નવી દિલ્હી ।

અનિલ ધીરૂભાઇ અંબાણી ગ્રુપના ચેરમેન અનિલ અંબાણી સામે એરિક્સન કંપનીના બાકી લેણા ચૂકવવાના મામલે આકરું વલણ અપનાવ્યા બાદ હવે સુપ્રીમ કોર્ટે દેશના વધુ એક ઉદ્યોગગૃહના પ્રમોટર્સ સામે લાલ આંખ કરી છે. રેનબેક્સી ગ્રુપના પ્રમોટર્સ માલવિન્દરસિંહ અને શિવિન્દરસિંહના માથે જાપાની કંપની દાઇચી સાન્ક્યોના રૂપિયા ૪૦૦૦ કરોડ લેણા નીકળે છે. સિંગાપોરની ટ્રિબ્યૂનલે પણ સિંહબંધુઓને આ નાણા ચૂકવી દેવાનો આદેશ આપેલો છે. હવે સુપ્રીમ કોર્ટે સિંહ બંધુઓને અલ્ટિમેટમ આપી દીધું છે કે, જો તેઓ જાપાની કંપનીને બાકી લેણા નહીં ચૂકવે તો અમે તમને જેલમાં ધકેલી દઇશું.

અગાઉ ૧૪મી માર્ચે સુપ્રીમ કોર્ટે સિંહ બંધુઓને જાપાની કંપનીના બાકી લેણા ચૂકવવા માટેની નક્કર યોજના રજૂ કરવાના આદેશ જારી કર્યા હતા. શુક્રવારે ચીફ જસ્ટિસ રંજન ગોગોઇના નેતૃત્વ હેઠળની બેન્ચે જણાવ્યું હતું કે, જાપાની કંપની દાઇચી સાનક્યોને બાકી લેણા નહીં ચૂકવવા માટે અમે હવે સિંહ બંધુઓ સામે સીધી અદાલતની અવમાનનાની સુનાવણી કરીશું અને જો તેમના દ્વારા અદાલતની અવમાનના થયાનું પુરવાર થશે તો અમે તેમને જેલમાં ધકેલી દઇશું. જાપાની કંપની દ્વારા રજૂ કરાયેલી અદાલતની અવમાનનાની અરજીની હવે પછીની સુનાવણી ૧૧મી એપ્રિલે હાથ ધરાશે.

સુપ્રીમ કોર્ટે સિંહ બંધુઓની ઝાટકણી કાઢતા જણાવ્યું હતું કે, ભલે તમે દુનિયાની અડધી મિલકતોની માલિકી ધરાવતા હોય પરંતુ તમે રજૂ કરેલી યોજના નક્કર નથી.

શું છે મામલો?

જાપાનની કંપની દાઇચી સાન્ક્યોના રેનબેક્સીના પૂર્વ પ્રમોટર્સ માલવિન્દરસિંહ અને શિવિન્દરસિંહ પાસે રૂપિયા ૪૦૦૦ કરોડ લેણા નીકળે છે. સિંગાપોરની ટ્રિબ્યૂનલ દ્વારા આ નાણાં ચૂકવણી કરવાના આદેશ છતાં સિંહ બંધુઓ દ્વારા આ નાણાની ચૂકવણી કરાઇ નથી. દાઇચીએ ૨૦૦૮માં રેનબેક્સીની ખરીદી કરી હતી. દાઇચીએ સિંગાપોરની કોર્ટમાં આરોપ મૂક્યો હતો કે, સિંહબંધુઓએ રેનબેક્સીના શેર કંપનીને વેચતી વખતે તેની સામે અમેરિકી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની તપાસ ચાલે છે તે માહિતી સંતાડી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

The post નાણાં ચૂકવો અથવા જેલ જાવ : રેનબેક્સીના સિંહબંધુઓને સુપ્રીમનું અલ્ટિમેટમ appeared first on Sandesh.



from India – Sandesh http://sandesh.com/money-pay-or-jail-go-2/
via Best Gujarati News

0 Comments