। નવી દિલ્હી ।

ઓગસ્ટા વેસ્ટલેન્ડ વીવીઆઈપી ચોપર કૌભાંડમાં પકડાયેલા વચેટિયા ક્રિશ્ચિયન મિશેલે ઈડીની સપ્લિમેન્ટ્રી ચાર્જશીટને  દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં પડકારી છે. તેણે શુક્રવારે અરજી કરી હતી કે ઈડી દ્વારા દાખલ કરાયેલી ચાર્જશીટમાં કેટલીક બાબતો ખોટી છે. તેણે કહ્યું કે, ઈડી દ્વારા દાખલ ચાર્જશીટ સૌથી પહેલાં મીડિયામાં ફેલાય છે અને બાદમાં અમારા સુધી આવે છે. ઈડી  દ્વારા મારા હવાલે જે નામ જાહેર કરવામાં આવ્યા છે તેવા કોઈ નામનો ખુલાસો મેં કર્યો જ નથી. તેણે જણાવ્યું કે, મેં હજી  સુધી એજન્સી સામે તપાસમાં કોઈ નામ જણાવ્યા નથી, છતાં મારા હવાલે મીડિયામાં કેટલાક નામ ફરતા થઈ ગયા.

બીજી તરફ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના અન્ય નેતાઓએ ઈડીની ચાર્જશીટના આધારે કોંગ્રેસ ઉપર હુમલા વધાર્યા છે. વડા પ્રધાને દેહરાદૂનમાં એક રેલીના સંબોધનમાં જણાવ્યું હતું કે, ઈડીની ચાર્જશીટમાં એપીનો ઉલ્લેખ કરાયો છે તે એહમદ પટેલ ખરેખર કયા પરિવાર સાથે નિકટતા ધરાવે છે? ભાજપના અન્ય નેતાઓએ પણ એપી, એફએએમ અને આરજી જેવા શબ્દોનો સાચો અર્થ શું થાય છે તેવા જવાબ કોંગ્રેસ પાસેથી માગ્યા હતા. જ્યારે કોંગ્રેસે ઈડીની ચાર્જશીટ અને ભાજપના નેતાઓના આક્ષેપોને ખોટા ગણાવ્યા હતા. કોંગ્રેસે ભાજપ ઉપર કાયદાના નામે રાજકીય લાભ લેવાનો આરોપ મૂક્યો હતો.

મિશેલ મામા અને મળતિયાઓની પોલ ખૂલી

વડા પ્રધાને શુક્રવારે દેહરાદૂનમાં ચૂંટણી રેલીમાં જણાવ્યું કે, ઈટાલીના મિશેલ મામા અને બીજા દલાલોની એજન્સીઓ દ્વારા ઘણા અઠવાડિયા આકરી પૂછપરછ કરવામાં આવી છે. તેના આધારે જ ઈડીએ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી. તેમાં એક નામ હતું એપી અને બીજું હતું એફએએમ. આ ચાર્જશીટમાં જ એપીનો અર્થ એહમદ પટેલ અને એફએએમનો અર્થ ફેમિલી બતાવવામાં આવ્યો હતો. દેશના નાગરિકો જ જણાવે કે, એહમદ પટેલનો કયા પરિવાર સાથે નિકટનો સંબંધ છે. બધાને ખબર છે.

તો મને ફાંસી આપી દો

ઈડીની પૂરક ચાર્જશીટ દાખલ થયા બાદ શરૂ થયેલા રાજકીય ખેલમાં એહમદ પટેલે પણ ઝંપલાવ્યું હતું. તેમણે જણાવ્યું કે, આ કેસમાં ખોટી રીતે મારું નામ ઢસડવામાં આવી રહ્યું છે. ભાજપ સાવ નીચલા સ્તરનું રાજકારણ કરે છે. મ્યૂનિસિપાલિટીનું ઈલેક્શન હોય તેવા ગતકડાં કરવામાં આવી રહ્યા છે. તેઓ જે મુદ્દે કાગારોળ મચાવે છે તે મુદ્દે કેસ ચાલી રહ્યો છે. કાયદાકીય પ્રક્રિયા પૂરી થયા પહેલાં બુમરાણ મચાવાઈ રહી છે. મને દોષિત સાબિત કરવામાં આવે તો મારી સામે પગલાં લેજો. મને ફાંસી આપી દેજો.

કોંગ્રેસ આ ચાર્જશીટ ઉપર ખુલાસો આપે

ભાજપના નેતા અરુણ જેટલીએ પ્રેસ કોન્ફરન્સ કરીને તથા બ્લોગ લખીને કોંગ્રેસને ટોણા માર્યા હતા. તેમણે જણાવ્યું કે, કોંગ્રેસે આ ચાર્જશીટ ઉપર ખુલાસો આપવો જોઈએ. કોંગ્રેસ અધ્યક્ષ ખોટા આરોપો મૂકે છે પણ સ્વિટ્ઝરલેન્ડમાં હેશ્કેની માતાના ઘરેથી મળેલા દસ્તાવેજોમાં કેટલાક શોર્ટ ફોર્મ RG, AP અને FAMનો અર્થ શું થાય તે રાહુલ જણાવતા નથી.

બીજી બાજુ કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ જણાવ્યું કે, કેન્દ્ર સરકાર ચૂંટણીથી ધ્યાન ભટકાવવા માટે આવા ધતિંગ કરે છે. ઈડી જુઠ્ઠાણા રચીને સરકાર માટે ચૂંટણી સામગ્રી તૈયાર કરે છે.

ઈડીને ન્યાયતંત્રની સુનાવણીમાં રસ જ નથી : વકીલ

કોર્ટમાં જસ્ટિસ અરવિંદ કુમાર સામે મિશેલ તરફથી હાજર રહેલા એડવોકેટ જોશેફે  જણાવ્યું કે, એજન્સી દ્વારા અમને ચાર્જશીટની કોપી આપવામાં  વિલંબ કરાય છે જ્યારે મીડિયા પાસે આ કોપી વહેલી પહોંચી જાય  છે. તેમણે વધુમાં જણાવ્યું કે, મિશેલે અત્યાર સુધી ઈડી દ્વારા  પૂછપરછમાં કોઈ નામનો ઉલ્લેખ કર્યો જ નથી. તેણે કોઈ નામ  આપ્યા જ નથી તો મીડિયામાં આવા નામ કેવી રીતે ફરતા થયા?  કોર્ટે આ મુદ્દે ૬ એપ્રિલે સુનાવણી હાથ ધરવાનું  જણાવ્યું હતું. એડવોકેટ જોશેફે જણાવ્યું હતું કે,  ઈડીને ન્યાયતંત્ર દ્વારા કરવામાં આવતી સુનાવણીમાં રસ જ નથી.  તેને આ ન્યાય ઉપર વિશ્વાસ જ નથી. તેઓ પક્ષપાત અને  પૂર્વગ્રહોથી ભરેલા મીડિયા દ્વારા ચલાવાતી ટ્રાયલ ઉપર વિશ્વાસ  ધરાવે છે. સરકાર દ્વારા એજન્સીનો ઉપયોગ રાજકીય લાભ લેવા  માટે કરવામાં આવી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

The post ઈડી સમક્ષ મેં કોઈના નામ લીધા જ નથી : મિશેલ ક્રિશ્ચિયન appeared first on Sandesh.



from India – Sandesh http://sandesh.com/edy-before-me-some-nomen-lee/
via Best Gujarati News

0 Comments