બુમરાહ, શમી, જાડેજા તથા પૂનમ યાદવ અર્જુન એવોર્ડ માટે નોમિનેટ
। નવી દિલ્હી ।
બીસીસીઆઈએ ચાલુ વર્ષે અર્જુન એવોર્ડ માટે ચાર ક્રિકેટરોના નામની ભલામણ કરી છે. તેમાં રવીન્દ્ર જાડેજા, બે ઝડપી બોલર મોહમ્મદ શમી તથા જસપ્રીત બુમરાહ અને મહિલા ક્રિકેટર પૂનમ યાદવના નામ સામેલ છે. રમતોમાં શાનદાર દેખાવ કરનાર ખેલાડીઓને સન્માનરૂપે આ એવોર્ડ આપવામાં આવે છે. તેના માટે અલગ અલગ રમતોના એસોસિયેશનો પોતાના ખેલાડીઓના નામ ભારત સરકારના રમતમંત્રાલયને મોકલી આપે છે. જે ખેલાડીઓના નામની ભલામણ થતી હોય છે તેમાંથી મોટા ભાગનાને એવોર્ડ મળતા હોય છે. આ એવોર્ડ ૧૯૬૧થી શરૂ થયો હતો અને વિજેતા ખેલાડીઓને નિશાન તાકતા અર્જુનની ર્મૂિત સાથે પાંચ લાખ રૂપિયા મળતા હોય છે. સુપ્રીમ કોર્ટના નિર્દેશ મુજબ નિયુક્ત થયેલી પ્રશાસકોની સમિતિએ સબા કરીમની હાજરીમાં આ ક્રિકેટરોના નામ અર્જુન એવોર્ડ માટે નક્કી કર્યા હતા. રસપ્રદ બાબત એ છે કે આ વખતે જે ચાર ક્રિકેટરોના નામની ભલામણ કરવામાં આવી છે તે તમામ બોલર કે બોલિંગ ઓલરાઉન્ડર છે.
જસપ્રીત બુમરાહ
આઈસીસી વન-ડે બોલર્સની યાદીમાં બુમરાહ મોખરાના સ્થાને છે અને તે ત્રણેય ફોર્મેટ ટેસ્ટ, વન-ડે તથા ટી૨૦માં ભારતીય ટીમનો અગ્રણી બોલર છે. આગામી મહિને ઇંગ્લેન્ડ ખાતે રમાનારા આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપમાં બુમરાહ પર વધારાના જવાબદારી રહેશે.
મોહંમદ શમી
આઈપીએલમાં શાનદાર ફોર્મમાં છે અને વન-ડે ક્રિકેટમાં શાનદાર પુનરાગમન કર્યું છે. તે બુમરાહ સાથે નવા બોલની ભાગીદારી કરશે. ઇંગ્લેન્ડના હવામાનમાં પીચ પરથી મળતો એકસ્ટ્રા બાઉન્સ તથા સ્વિંગનો ઉપયોગ કરીને શમી હરીફ ટીમના બેટ્સમેનો માટે મુશ્કેલી ઊભી કરી શકે છે.
રવીન્દ્ર જાડેજા
ટેસ્ટ ટીમનો આધારભૂત ખેલાડી છે પરંતુ છેલ્લા છ મહિનામાં તેણે વન-ડેમાં પણ પોતાની ઉપયોગી સાબિત કરી છે. તેને વર્લ્ડ કપ માટેની ટીમમાં સ્થાન અપાયું છે. તે ટેસ્ટ રેન્કિંગમાં ત્રીજા ક્રમાંકનો બોલર છે. તે ભારત માટે ૪૧ ટેસ્ટ, ૧૫૧ વન-ડે તથા ૪૦ ટ્વેન્ટી૨૦ મેચો રમ્યો છે.
પૂનમ યાદવ
આ ખેલાડી વિમેન્સ ક્રિકેટ ટીમની સભ્ય છે અને છેલ્લા એક વર્ષમાં તેણે ભારતને ઘણી સફળતા અપાવી છે. તે વિમેન્સ વન-ડે રેન્કિંગમાં ૧૦મા ક્રમે છે. તે લાંબા સમયથી ભારતીય વિમેન્સ ટીમની બોલિંગના આધારસ્તંભ બની ચૂકી છે. તેણે ભારત તરફથી ૪૧ વન-ડે તથા ૫૪ ટી૨૦ મેચો રમી છે.
વર્ષ ૨૦૧૭માં બે ક્રિકેટર સન્માનિત થયા હતા
૨૦૧૮માં સ્મૃતિ મંધાનાને આ બહુપ્રતિષ્ઠિત એવોર્ડ મળ્યો હતો. જોકે ૨૦૧૭માં આ એવોર્ડ બે ક્રિકેટરો ચેતેશ્વર પૂજારા અને હરમનપ્રીત કૌરને મળ્યો હતો. ૧૯૬૧થી અત્યાર સુધીમાં સૌરવ ગાંગુલી, રાહુલ દ્રવિડ, યુવરાજસિંઘ, વીરેન્દ્ર સેહવાગ, હરભજનસિંઘ, મિતાલી રાજ અને અંજુમ ચોપરા સહિત ૫૩ ક્રિકેટરોને આ અર્જુન એવોર્ડનું સન્માન મળ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post બુમરાહ, શમી, જાડેજા તથા પૂનમ યાદવ અર્જુન એવોર્ડ માટે નોમિનેટ appeared first on Sandesh.
from Sports – Sandesh http://sandesh.com/bumrah-shamy-jadeja-i-puran/
via Best Gujarati News
0 Comments