મેનેજમેન્ટ ગુરુ : સરદાર

દેશનો વહીવટ કઈ રીતે કરવો જોઈએ, ખાસ તો આર્થિક નીતિ કેવી હોવી જોઈએ અને કોમી પ્રશ્ન કઈ રીતે ઉકેલવો જોઈએ એ મામલે સરદાર અને નેહરુ વચ્ચેના મતભેદો આઝાદી બાદ સપાટી પર આવ્યા. પછી એક તબક્કે બંનેને લાગ્યું કે આવી રીતે તો ગાડું નહીં ગબડે. એ વખતે, બંને વચ્ચેનું કોકડું કોઈ રીતે ઉકલી નહોતું રહ્યું ત્યારે, નેહરુએ ગાંધીને એક લાંબી નોંધ લખી મોકલી, જેમાં મુદ્દા નં. ૧૧માં નેહરુએ લખ્યું, કાં તો મારે જવું જોઈએ અથવા સરદાર પટેલે નીકળી જવું જોઈએ. હું તો એ જ પસંદ કરું કે મારે જ નીકળી જવું. અલબત્ત અમારામાંથી એકેયના આમ નીકળી જવાનો અર્થ પછીથી વિરોધ કરવો એવો થવો જરૂરી નથી અને એવો થવો ન જોઈએ. અમે સરકારની અંદર હોઈએ કે બહાર પણ અમે વફાદાર કોંગ્રેસીઓ રહીશું એટલું જ નહીં, પણ વફાદાર સાથી પણ રહીશું અને અમે અમારા પોતપોતાના પ્રવૃત્તિક્ષેત્રમાં હજીયે સાથે કામ કરવાનો પ્રયત્ન કરીશું એવી આશા રાખું છું.

૧૨. આમ છતાં, એ બાબતમાં ભાગ્યે જ કશી શંકા હોઈ શકે કે જો અત્યારની ક્ષણે અમારામાંથી કોઈપણ એક જણ નીકળી જાય તો તેનાથી રાષ્ટ્રીય ક્ષેત્રે અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે સનસનાટી મચી જાય અને તેનાં પરિણામ સારાં ન આવે. કોઈપણ સમયે આવી પરિસ્થિતિનો સામનો કરવાનો આવે જ; પણ અત્યારની ક્ષણે, કાશ્મીરનો પ્રશ્ન અને પુનર્વસવાટનો ઘણો મોટો પ્રશ્ન આપણી સામે ખડો છે ત્યારે, આમ છૂટા પડવાથી ભારતના હિતને અસર કરે તેવાં ગંભીર પરિણામો પણ આવે. અમારામાંથી કોઈપણ એવું કંઈ જ કરવા ઈચ્છતું નથી જે રાષ્ટ્રના હિતને નુકસાનકારક હોય. અલબત્ત રાષ્ટ્રના હિત વિશેનાં અમારાં દ્રષ્ટિબિંદુમાં થોડોઘણો ફેર હોઈ શકે. ગયા પખવાડિયા દરમિયાન આ બાબત ઉપર ગંભીર વિચાર કર્યા પછી હું એવા નિર્ણય પર આવ્યો છું કે બની શકે ત્યાં સુધી, અત્યારની ચોક્કસ ક્ષણે, સરકારની અંદર આ રીતે જુદા પડવાનું ટાળવું જોઈએ. આપણે એક આકરા પરિવર્તનકાળમાંથી પસાર થઈ રહ્યા છીએ અને સરકારમાં કોઈપણ ગંભીર ફેરફારો કદાચ બધી યોજનાઓને ઊંધી વાળી દે. મને લાગે છે કે કાશ્મીરનો પ્રશ્ન વધુ સ્પષ્ટ થઈ જાય અને બીજા પ્રશ્નો પણ અમુક અંશે હાથ ધરવામાં આવે ત્યાં સુધીના થોડા માસ અમારે આમ ને આમ કામ ચલાવવું જોઈએ. આ કરવાનો રસ્તો દરેક અગત્યની બાબતમાં પૂરેપૂરી સલાહમંત્રણાનો હોવો જોઈએ. તેની સાથે સાથે, મને એમ ચોક્કસ લાગે છે કે ઉપર જણાવ્યા મુજબની વડા પ્રધાનની કામગીરી પણ લક્ષમાં લેવી જોઈએ.

૧૩. તેમ છતાં, આ વસ્તુ શક્ય ન જણાય તો પછી બીજો એક જ વિકલ્પ મારે કે સરદાર પટેલે પ્રધાનમંડળ છોડવું એ જ રહે છે. મેં ઉપર કહ્યું છે તેમ, અત્યારના સંજોગોમાં મને એ અનિષ્ટ વિકલ્પ લાગે છે, અને હું આ નિર્ણય ઉપર બને તેટલી તટસ્થતાથી આવ્યો છું. જો કોઈએ પ્રધાનમંડળ છોડવાનું જ હોય તો હું જ છોડવાનું પસંદ કરું એ ફરી વાર કહું છું.

પછી બે મુદ્દા નોંધ્યા બાદ આગળના મુદ્દામાં નેહરુએ સરદારના દેશી રાજ્યોના મંત્રાલય વિશે લખ્યું…

૧૬. દેશી રાજ્યોનું મંત્રાલય એક નવું મંત્રાલય છે. એને માથે અગત્યના પ્રશ્નો હાથ ધરવાની જવાબદારી છે. હું એમ કહું કે અત્યાર સુધી એણે આ પ્રશ્નો અસાધારણ સફળતાથી હાથ ધર્યા છે અને સતત ઊભી થતી અનેક મુશ્કેલીઓ પાર કરી છે. તેમ છતાં, મને લાગે છે કે સિદ્ધાંતનો પ્રશ્ન જેમાં સમાયો હોય એવા અનેક નિર્ણયો પ્રધાનમંડળને પૂછયા વિના લેવામાં આવ્યા છે. મારા પૂરતું તો કહું કે હું આ નિર્ણયો સાથે સંમત છું; પણ પ્રધાનમંડળ કે વડા પ્રધાનને પૂછયા વિના આ નિર્ણય લેવાયો તે કાર્યપ્રણાલી મને ખોટી લાગે છે. નવું મંત્રાલય હોવાથી તે સ્વાભાવિક રીતે પ્રચલિત પ્રણાલીની બહાર રહીને કામગીરી બજાવે છે. અમુક હદે આ અનિવાર્ય છે અને ઝડપી નિર્ણયો લેવા પડે છે. પણ આ કામગીરીને આપણી પ્રચલિત પ્રણાલીના નિયમોની અંદર લાવવાનો પ્રયત્ન કરવો જોઈએ.

૧૭. બંધારણસભા મળે તે પહેલાં કે તેની આવતી બેઠક દરમિયાન આપણી સમગ્ર આર્થિક નીતિ વિશે કોઈક નિર્ણય ઉપર આપણે આવી જવું પડશે. પુનર્વસવાટનો પ્રશ્ન આ નીતિ સાથે બંધાઈ જાય એમ પણ બને.

નેહરુની આ નોંધ એ સમજવામાં ઘણી ઉપયોગી છે કે મતભેદો અતિ તીવ્ર હોય તો પણ નેહરુ-સરદારનું લક્ષ્ય તો સ્પષ્ટપણે એક જ હતું. એ હતું, દેશહિત.

તો, નેહરુના પત્ર અને ગાંધીજી પરની તેમની નોંધ સરદારને મળી કે તરત એક વાર આપણે બંને ગાંધીને મળી લઈએ એવા નેહરુના નિમંત્રણનો સ્વીકાર કરતાં સરદારે લખ્યું…

જવાહરલાલ નેહરુ પર સરદારનો પત્ર

૨૧ જાન્યુઆરી, ૧૯૪૮

તમે ગાંધીજી પર મોકલેલી નોંધ વિશેના ૧૧મી જાન્યુઆરી ૧૯૪૮ના તમારા પત્ર માટે તમારો આભાર.

હું ગાંધીજીને જે નોંધ મોકલું છું તેની નકલ આ સાથે બીડી છે. હું ઘણોખરો વખત બહાર હતો એટલે આ બાબત હાથમાં લઈ શક્યો નહીં તે માટે દિલગીર છું. જે ટૂંકો સમય હું અહીં હતો તે દરમિયાન કામમાં લગભગ દટાયેલો જ હતો.

તમને અનુકૂળ હોય તેવો કોઈપણ સમય તમે બાપુ સાથે ચર્ચા માટે ગોઠવી શકો છો. હું ૧૫મી જાન્યુઆરી ૧૯૪૮ની સવારે ભાવનગર અને મુંબઈ જવા નીકળવાનો છું.

બિડાણ

મહાત્મા ગાંધીને મોકલાયેલી સરદારની નોંધ

જવાહરલાલે તમને મોકલેલી એમની નોંધ હું ધ્યાનથી વાંચી ગયો છું. એની નકલ એમણે મને મોકલી હતી.

સ્વભાવના તફાવત અંગે તથા આર્થિક બાબતો અને હિંદુ-મુસ્લિમ સંબંધોને લગતી બાબતો વિશે જુદાં દ્રષ્ટિબિંદુ છે તે અંગે બે મત નથી. તેમ છતાં, અમે બંને દેશનાં હિતોને અમારા અંગત મતભેદો કરતાં ઊંચા ગણીએ છીએ અને પરસ્પર માન અને પ્રેમની લાગણીને લીધે અમે સહિયારા પ્રયત્નમાં સહકારથી કામ કર્યું છે. અમારી સામે આવેલી ઘણીયે આંધીઓનો અમે સંયુક્ત પુરુષાર્થથી સામનો કર્યો છે, અને આવા મતભેદો હોવા છતાં અમે કોઈપણ દેશ કે કોઈપણ સરકાર સામેની ઇતિહાસની સૌથી વધુ કટોકટીભરી પળને પાર કરી ગયા છીએ. હવે અમે આને આગળ ચલાવી શકીએ એમ નથી એવો વિચાર કરવો દુઃખદ અને કરુણ પણ છે, પણ વડા પ્રધાનના પોતાના સ્થાન વિશેના એમના દ્રષ્ટિબિંદુ પાછળ રહેલી એમની લાગણી અને પ્રતીતિનું બળ હું પૂરેપૂરું સમજી શકું છું.

આને કહેવાય પક્વતા અને વહીવટી કુશળતા. સરદારના લખાણમાં કડવાશ કે ઉદ્વેગ નથી. નેહરુ સામે વાંધો હોય તો પણ તેમનું દ્રષ્ટિબિંદુ સમજવાની સરદારની આ ખેલદિલી અને વિચક્ષણતા ભારત દેશને કેવી રીતે ફળી તેની વધુ વાતો, હવે પછી…

(ક્રમશઃ)

ardh@sandesh.com

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post નેહરુ-સરદાર વચ્ચે વિવાદ રસ્તા જુદા, મંઝિલ એક! appeared first on Sandesh.



from Ardha Saptahik – Sandesh http://sandesh.com/nehru-sardar-controversy-2/
via Best Gujarati News

0 Comments