સમયની આરપાર : નરેન વઢવાણા

આપણે ત્યાં દર વર્ષે એપ્રિલ-મેમાં ચોમાસું ક્યારે બેસશે એ મામલે અટકળોનું બજાર તેજ થઈ જાય છે. આ બાબતના જાણકારો તો ઠીક નવરા લોકો પણ રમૂજ ખાતર વર્તારાઓ કરવા માંડે છે. જો સામાન્ય વરસાદ પડે તો દેશમાં હરિયાળી અને સમૃદ્ધિ વધે અને સરેરાશથી ઓછો વરસાદ પડે તો દુકાળના ઓળા ઉતરી આવે. હવામાનમાપક યંત્રોની ગણતરી મુજબ જો ૯૦ ટકાથી ઓછો વરસાદ પડે તો ચોમાસું નબળું ગણવામાં આવે છે. ૯૬થી ૧૦૦ ટકા વરસાદને સામાન્ય ચોમાસું કહેવાય છે. ૧૦૪થી ૧૧૦ ટકાની વચ્ચે વરસાદ પડે તો તેને સામાન્ય કરતાં સારું ચોમાસું કહેવાય છે અને તેનાથી સારો વરસાદ શ્રેષ્ઠ ચોમાસું કહેવાય છે. વરસાદની આગાહી મામલે આપણે ત્યાં હવામાન વિભાગ ભારે વગોવાયેલો છે. ઘણીવાર તેની ભવિષ્યવાણીઓ ખોટી સાબિત થતી હોવાથી સામાન્ય માણસ, ખાસ કરીને ખેડૂતોને તેના પર વિશ્વાસ નથી.

ગયા વર્ષે હવામાન વિભાગ અને ખાનગી કંપની સ્કાઈમેટે સારા વરસાદની આગાહી કરી હતી. સાથે જ તેણે વાદળો વિખેરાઈ કે વહેંચાઈ જવાની આગાહી કરીને એ શંકા પણ વ્યક્ત કરી દીધી હતી કે વરસાદ ઓછો પણ પડશે. આમ દૂધમાં અને દહીંમાં બંને તરફ પગ રાખીને તેણે ખેડૂતોની શંકાને વધુ મજબૂત કરી હતી. છેલ્લે થયું પણ એવું જ, વરસાદ તો સારો પડયો પણ તે અમુક રાજ્યોમાં વહેંચાઈ ગયેલો. અમુક પ્રદેશમાં લોકો વરસાદની રાહ જોતાં રહ્યાં તો બીજાં પ્રદેશમાં ભારે વરસાદને કારણે પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી. કેરળ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં અતિવૃષ્ટિએ કેર વર્તાવ્યો. સામે કર્ણાટક, મહારાષ્ટ્ર અને તામિલનાડુમાં વરસાદની અછત રહી. આ તો માત્ર એક ઉદાહરણ થયું. બાકી આંકડાઓ પર નજર કરીએ તો ખ્યાલ આવે છે કે છેલ્લાં ૧૦ વર્ષમાં એકેય વખત આગાહી સાચી ઠરી નથી. ખોટી આગાહીઓને કારણે સૌથી વધુ ખેડૂતોએ વેઠવાનું આવે છે. કેમ કે કૃષિ વૈજ્ઞાનિકો તેમને હવામાન સંબંધિત આગાહીઓને આધારે જ પાક ઉગાડવાની સલાહ દેતાં હોય છે. એવામાં જો ખેડૂતો સલાહ પ્રમાણે ચાલે અને આગાહી ખોટી ઠરે તો આર્થિક નુકસાન પાક્કું. ભારત માટે ચોમાસું સૌથી મહત્ત્વની ઋતુ છે કેમ કે, દેશનાં કુલ ખાદ્ય ઉત્પાદનના ૪૦ ટકા ઉત્પાદનનો આધાર વરસાદ પર આધારિત છે. ચોમાસામાં થતા વરસાદનો દેશના કુલ વરસાદમાં ૮૦ ટકા હિસ્સો રહેલો છે. આશ્ચર્યની વાત એ છે કે છેલ્લાં પાંચ વર્ષમાં હવામાન સંબંધિત આગાહી કરી શકે તેવાં અનેક ઉપગ્રહ અવકાશમાં સ્થાપિત કરવામાં આવ્યાં છે, તેમ છતાં સો ટકા વિશ્વસનીય આગાહી નથી થતી.

આખરે આપણા હવામાન વિજ્ઞાનીઓ સચોટ આગાહી કરવામાં કેમ ખરા નથી ઉતરતા? શું આપણી પાસે ટેકનિકલ નોલેજ કે સાધનોની અછત છે? કે પછી આપણે બદલાતાં હવામાનનાં સંકેત સમજવામાં ઊણાં ઉતરીએ છીએ? હવામાન વિભાગના વિજ્ઞાનીઓની વાત માનીએ તો, જ્યારે ઉત્તર-પશ્ચિમ ભારતમાં મે-જૂનમાં ભારે ગરમી પડે છે ત્યારે લો પ્રેશર એરિયા સર્જાય છે. આ હળવા દબાણવાળા વિસ્તાર તરફ દક્ષિણ ગોળાર્ધથી ભૂમધ્ય રેખાની નજીકથી હવા વહે છે. એ રીતે દક્ષિણ ગોળાર્ધ તરફ્થી આવતી દક્ષિણ-પૂર્વની હવા ભૂમધ્ય રેખાને પાર કરતાં જ લો પ્રેશર એરિયા તરફ ગતિ કરી જાય છે. જેમાંથી એક હિસ્સો અરબ સાગર તરફ્થી કેરળમાં પ્રવેશી ત્યાંથી આંધ્રપ્રદેશ, કર્ણાટક, મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્યપ્રદેશ અને રાજસ્થાન પર વરસે છે. જ્યારે બીજો હિસ્સો બંગાળની ખાડી તરફ્થી પ્રવેશ કરીને ઓરિસ્સા, પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ, પૂર્વ ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, હરિયાણા અને પંજાબ સુધી વરસે છે.

સામાન્ય રીતે મહાસાગરોની સપાટી પરના વાતાવરણની દરેક હિલચાલ પર હવામાન વિભાગના વિજ્ઞાનીઓેએ નજર રાખવાની હોય છે. જેમાં જુદીજુદી ઊંચાઈ પર નિર્મિત્ત તાપમાન, હવાનું દબાણ, તેની ગતિ અને દિશા મુખ્ય હોય છે. તેનાં માટે કમ્પ્યૂટર, હવાઈ જહાજ, સમુદ્રી જહાજ, અને રડારોથી લઈને ઉપગ્રહો સુધીનાં સાધનો તેમની મદદમાં હોય છે. આ બધાં થકી જે આંકડા ભેગાં થાય છે તેનું વિશ્લેષણ કરીને વરસાદ કે હવામાનની આગાહી કરવામાં આવે છે. આપણે ત્યાં ૧૮૭૫માં હવામાન વિભાગની સ્થાપના કરવામાં આવેલી. ત્યારથી લઈને અત્યાર સુધી તેમાં અત્યાધુનિક સંસાધનોનો સતત વધારો થયો રહ્યો છે. તેમ છતાં બદલાતા હવામાન કે વરસાદની સચોટ આગાહી થઈ શકતી નથી.

કેમ? નિષ્ણાતોના મતે દુનિયાના અન્ય કોઈ દેશમાં હવામાન ભારત જેટલું વૈવિધ્યપૂર્ણ અને ઉતારચઢાવવાળું નથી. તેનું મુખ્ય કારણ ભારતીય દ્વીપકલ્પની વિલક્ષણ ભૌગોલિક સ્થિતિ છે. આપણે ત્યાં એક તરફ અરબ સાગર છે બીજી તરફ બંગાળની ખાડી. આ બધાંની ઉપર હિમાલયનું શિખર છે. આ કારણે દેશની આબોહવા વૈવિધ્યપૂર્ણ છે. આવા અનોખા હવામાનને કારણે દેશમાં ક્યારે કેટલો વરસાદ પડશે તેની સચોટ આગાહી કરવામાં આપણા વૈજ્ઞાનિકો અસમર્થ બની જાય છે. એક કારણ એવું પણ કહેવાય છે કે વિદેશોમાંથી આયાત કરાયેલાં કમ્પ્યૂટરોની ભાષા અલગોરિધમ વૈજ્ઞાનિકો બરાબર સમજી શકતા નથી. કમ્પ્યૂટરો ભલે આયાતી હોય, પરંતુ એમાં ચોમાસાનાં ડેટા એનાલિસિસ માટેની ભાષા દેશી હોવી જોઈએ. જાણકારો તો ત્યાં સુધી કહે છે કે, આપણે જ્યાં સુધી આ કમ્પ્યૂટરોની દેશી ભાષા વિકસિત નહીં કરી શકીએ ત્યાં સુધી ચોમાસા કે હવામાનને લગતી સચોટ ભવિષ્યવાણી કરવી અઘરી છે. આપણે સમજવું પડશે કે અરબ સાગર, બંગાળની ખાડી અને હિમાલય ભારતમાં છે બ્રિટન કે અમેરિકામાં નહીં. જ્યારે આપણે વરસાદનાં આધાર સ્રોતની ભાષા ઉકેલતા અને સંકેતો પારખવા સક્ષમ થઈ જઈશું તે દિવસથી ચોમાસાની આગાહી પણ સાચી ઠરતી થઈ જશે.

ardh@sandesh.com

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post બદલાતા હવામાન અને વરસાદની સચોટ આગાહી ક્યારે? appeared first on Sandesh.



from Ardha Saptahik – Sandesh http://sandesh.com/changing-weather-and-rain/
via Best Gujarati News

0 Comments