યહ આપને ક્યા કર દિયા? આપને તો મુઝ સે વાદા કિયા થા!
ગોડફાધર્સ : શીલા રાવલ
અબુ સાલેમ સાથેના પોતાના સંબંધોની વાત કરી રહેલી સમીરાએ કહ્યું, મારે મારા સાસરિયાં સાથે ભાગ્યે જ કોઈ સંબંધ રહ્યા છે. અમે ક્યારે મળ્યા હતા એ મને યાદ નથી, છતાં મેં અબુ સાલેમની માતાનો ફોટો મારી પાસે રાખ્યો છે. મને ખ્યાલ છે ત્યાં સુધી એ લોકો ઉત્તર પ્રદેશના સરાઈ મીર વિસ્તારમાં રહે છે. હું મારા દીકરા આમિરને અબુ સાલેમની માતાનો ફોટો બતાવીને એને કહેતી રહું છું કે આ તારી દાદીમા છે. એ લોકો ઉત્તર પ્રદેશના સરાઈ મીર ખાતે રહે છે. આ વાત યાદ રાખજે. અને ગમે ત્યારે એમને મળવાનું થાય તો એમને માન આપજે.
સમીરાની દાસ્તાન સાંભળી લીધા પછી મેં કહ્યું, મુંબઈમાં જન્મેલી અને ઉછરેલી તથા કોન્વેન્ટમાં ભણેલી યુવતી આવા ગેન્ગસ્ટર સાથે રહેવાનું દુઃખ વેઠતી રહી. એની આપખુદી સહન કરતી રહી અને ક્યારેય એના સકંજામાંથી ભાગી છૂટવાનો પ્રયાસ પણ ન કર્યો એ વાત એટલી આશ્ચર્યજનક લાગે છે કે માનવામાં ન આવે.
સમીરાએ પહેલી જ વખત વધારે નક્કર સત્ય ઉચ્ચાર્યું, મને બીક હતી કે હું એનો સામનો કરીશ કે એના જીવનમાંથી ભાગી છૂટવાનો પ્રયાસ કરીશ તો એ મુંબઈમાં રહેતાં મારાં માતા-પિતાને નુકસાન કરશે. કદાચ એમને મારી નાંખશે. એ તો મારી નાંખે એવો ગુસ્સાવાળો છે. એટલે જ મને એના ગેરકાયદે કામોની ખબર પડી એ પછીય હું એને છોડીને ભાગી ન શકી. મેં નક્કી કરી લીધું કે હવે મેં જાતે મારું ભાગ્ય પસંદ કરી લીધુ છે તો પછી જે મને મળે એ મૂંગા મોઢે સહન કરી લઈશ! મેં બધી જ પીડા મૂંગે મોઢે સહન કરી લીધી. મેં મારા દુઃખની વાત સુદ્ધાં કદી મારાં માતા-પિતાને ન કરી. મને ખબર હતી કે એ લોકો સાચી વાત જાણશે તો એમને પારાવાર દુઃખ થશે. પછી એમનું જીવન દુઃખ અને લાચારીથી વીતશે. હું પોતે તો મારું કરેલું ભોગવી જ રહી હતી. મારી જરાય ઈચ્છા નહોતી કે મારાં માતા-પિતા પણ મારા કામોની સજા ભોગવે!
અમારી વચ્ચે આ વાત ચાલી રહી હતી ત્યારે સમીરાની માતા ત્યાં હાજર હતાં. એ કદાચ પહેલી જ વખત આ વાત સાંભળી રહ્યાં હતાં. પહેલી જ વખત એમને ખબર પડી રહી હતી કે એમની દીકરીએ એમને દુઃખ ન પહોંચે એની ચિંતામાં પોતાના જીવનમાં કેવા કેવા અત્યાચાર સહન કરી લીધા! સમીરાએ એના જીવનમાં ખરેખર કેવાં કેવાં દુઃખ વેઠયાં છે એની એમને પહેલી જ વખત ખબર પડી રહી હતી. એમની આંખોમાંથી ચોધાર આંસુ વહી રહ્યાં હતાં.
જોકે સીબીઆઈનું માનવું એમ હતું કે સમીરા બધું જાણતી હતી છતાં પતિની ગેરકાયદે આવકના જોરે જીવનના બધા જ સુખ અને વૈભવ માણતી રહી. એને ખરી પીડા તો ત્યારે જ થઈ જ્યારે અબુ સાલેમના જીવનમાં મોનિકા બેદી આવી પહોંચી. ત્યાં સુધી તો એ પતિ અબુ સાલેમ સાથે જીવનના બધા સુખ ભોગવતી રહી હતી. પતિની સાથે એ પણ કાયદા સાથે સંતાકૂકડી રમતી રહી હતી અને ભાગેડૂ બની હતી. એના ઘેર અબુ સાલેમ સાથે બોલિવૂડ અને બીજા ક્ષેત્રોના સેલિબ્રિટીઝ આવે તો એમની સરભરા કરવાનો અને એમની સાથે પાર્ટી કરવાનો આનંદ માણતી રહી હતી.
સમીરાએ મારી સાથે જ વાત કરી એમાં એણે કહ્યું કે તે ભાગ્યે જ અબુ સાલેમની કોઈ પાર્ટીમાં જતી હતી. એય ખાસ કરીને એ સમયે જવા લાગી હતી જ્યારે તેણે મોનિકા વિશે વાતો સાંભળવા માંડી હતી. સમીરાના કહેવા પ્રમાણે એ પતિ ઉપર લગામ રાખવાના ઈરાદે એની સાથે પાર્ટીઓમાં ગઈ હતી. સમીરાએ એક પ્રસંગ યાદ કરતાં કહ્યું, એક દિવસ બોલિવૂડની ટોચની સ્ટાર પોતાના પતિ સાથે અમારા ઘેર આવી હતી. એ વખતે હું પ્રેગ્નન્ટ હતી. અ વખતે વાતોવાતોમાં બોલિવૂડ સ્ટારે કહ્યું કે આપણે નક્કી કરી લઈએ કે આપણા બાળકોને એકસરખું જ નામ આપીશું. મારા પતિનું નામ! એ સ્ટારના પુત્રનું નામ નક્કી કર્યું હતું એ જ છે, જ્યારે મેં મારા પુત્રનું નામ આમિર રાખ્યું છે. મેં આ નામ મારી પ્રેગ્નન્સીની ખબર પડી એ જ દિવસે વિચારી લીધું હતું કે જો દીકરો થશે તો આ જ નામ રાખીશ!
સમીરા સાથેની મુલાકાતથી મને કોઈ ગેન્ગસ્ટરના જીવનનો અંદરથી પરિચય મળ્યો. બહારના લોકો તો એની બહારની પ્રવૃત્તિઓ જ કહી શકે. સમીરા પત્ની તરીકે અબુ સાલેમના જીવનના બધા અંતરંગ પાસાં જાણતી હતી. સમીરા સાથે વાત કર્યા પછી એક વાત સ્પષ્ટ થઈ ગઈ હતી કે અબુ સાલેમ સાથે લગ્ન કર્યા પછી સમીરા સતત જોખમ અને ટેન્શનમાં જ જીવી હતી. એ સતત પોતાના જીવના જોખમે જીવવાનું શીખી ગઈ હતી.
પણ મારી સાથે બધી વાતો શેર કર્યા પછી એને બીક લાગવા માંડી હતી કે આ વાતો એણે મને કહી છે એ જાણ્યા પછી અબુ સાલેમ એની સાથે શું કરશે એની ચિંતા એને પજવવા લાગી હતી. સમીરાએ કબૂલ કર્યું, જબ ઉસ કો પતા ચલેગા કિ મૈંને સારી બાતેં આપ કો બતા દી હૈ! તો વો ઝરૂર મુઝે ફટકા મારેગા. પર વોહ મૈં સહ લુંગી. ઉસ દૂસરી ઔરત કી હકીકત સબ કો પતા ચલની ચાહિયે.
સમીરાની આ વાતે પુરવાર કર્યું કે એને પોતાના જીવનની સલામતી કરતાં મોનિકાની બદનામી વધારે પ્યારી હતી. એ મોનિકાને પારાવાર ધિક્કારતી હોવી જોઈએ. તો જ એ હવે આટલા વર્ષે અને અબુ સાલેમથી છૂટા પડયાના આટલાં વર્ષો પછી ફરી પોતાના જીવને જોખમમાં નાંખીને મોનિકાની હકીકતો જાહેર કરવા મક્કમ બની હોય! એના ચહેરા પર કોઈ ડોનની હારેલી પત્ની હોવાના ભાવ કરતાં પોતના પુત્ર માટે જીવતી માતાના ભાવ વધારે જોવા મળતા હતા.
થોડા દિવસો પછી બીવી નંબર વન એવા ટાઈટલ હેઠળ આ સ્ટોરી ભારતમાં ટીવી પર રજૂ થઈ એ દિવસે મોડેથી મેં જોયું તો સમીરાના છ મિસ્ડ કોલ્સ હતા.
મેં તરત જ એને સામે ફોન જોડયો.
એણે કહ્યું, યહ આપને ક્યા કર દિયા? આપને તો મુઝ સે વાદા કિયા થા!
એણે આગળ કહ્યું કે એને ચિંતા થઈ રહી છે કે હવે શું થશે? એને વાંધો એ હતો કે મેં એના નામનો ઉલ્લેખ કર્યા વગર સ્ટોરી જાહેર કરવાનું કહ્યું હતું. એને બદલે એના નામ સાથે સ્ટોરી રજૂ થઈ હતી. એના ઘરમાં તો કોઈ કેમેરા અમે ચાલુ નહોતો કર્યો, પરંતુ એ અમને એરપોર્ટ ઉપર મૂકવા આવી એ વખતે વાતચીત ચાલુ હતી અને કેમેરા પણ ચાલુ હતો. એના ટુકડા મૂળ સ્ટોરી સાથે જોડી દેવામાં આવ્યા હતા.
મને એની ચિંતા વ્યાજબી લાગી. મેં અમારી ઓફિસમાં આ વાતે ઉગ્ર રજૂઆત કરી હતી કે આમાં સમીરાનંુ નામ કે ફૂટેજ બિલકુલ ન વાપરવા, પરંતુ બધાનું કહેવું હતું કે એના નામ અને ફૂટેજ વગર તો આખી સ્ટોરી નકલી બની જશે! એમની વાત સાચી હતી. એટલે ઘણા કલાકની ચર્ચા પછી મારે હા પાડવી પડી હતી.
મેં આ વાત ફોન ઉપર એને સમજાવી, પરંતુ એની ચિંતા તો હું મારા પર લઈ શકવાની જ નહોતી!
(ક્રમશઃ)
ardh@sandesh.com
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post યહ આપને ક્યા કર દિયા? આપને તો મુઝ સે વાદા કિયા થા! appeared first on Sandesh.
from Ardha Saptahik – Sandesh http://sandesh.com/yeh-aapko-kya-tax-dia-aapna/
via Best Gujarati News
0 Comments