જે ક્રિયા હૃદયને શુદ્ધ કરે તે ધર્મ
જેક્રિયા વસ્તુને સિદ્ધ કરે તેને કર્મ કહેવાય છે અને જે ક્રિયા હૃદયને શુદ્ધ કરે તેને ધર્મ કહેવાય છે. ભગવાન મનુએ ધર્મનાં દસ લક્ષણો બતાવ્યાં છે. ‘દ્યૃતિ, ક્ષમા, દમોરેત્તર, શૌચ, ઈન્દ્રિય નિગ્રહ, ધીર, વિદ્યા, સત્યમ, ક્રોધૌં દર્શાકમ ધર્મ લક્ષણમ’
ઉપનિષદ મુજબ ધર્મનાં આઠ લક્ષણો છેઃ ‘યજ્ઞાધ્યયન દાનેન તપઃ સત્યં દમઃ ક્ષમા અલોભ ઇતિ.’ હવે ભગવાન મનુ અને ઉપનિષદ મુજબ પણ ધર્મનાં લક્ષણો જોઈ લઈએ.
યજ્ઞા
યજ્ઞા જો શ્રદ્ધાપૂર્વક કરો તો તે ધર્મ છે…લાકડાં તો શું બળે છે. પોતાનાં ઘરમાં પણ નથી બાળતાં? અને કોઈ સાધુ પણ બાળે છે. પરંતુ શ્રદ્ધાથી બોલીએ તો તે યજ્ઞા કહેવાય અને કોઈ બીજું એવી રીતે બાળે તો ખાલી નકામાં લાકડાં બાળે છે તેમ કહેવાય. શ્રદ્ધા ભળી તો યજ્ઞા થઈ ગયો. તપોવનની સંસ્કૃતિ આવી ગઈ. સંપૂર્ણ ધર્મનો ઉદ્ભવ થઈ ગયો. એક જ ક્રિયા બે વ્યક્તિ કરે છે, એક બજારમાં ટાયર સળગાવે છે, પરંતુ શ્રદ્ધાથી યજ્ઞા કરે તો તે ધર્મનો એક રસ્તો બની ગયો ગણાય. તે એક પિતૃયજ્ઞા થઈ ગયો કહેવાય.
અધ્યયન
વેદનું અધ્યયન. તમે શાસ્ત્રો વાંચો, વંચાવો. પરંતુ જો તે શ્રદ્ધાથી ન કરો તો તે બુદ્ધિની એક કસરત બની જશે. વિદ્યાવાન વ્યક્તિ ધાર્મિક છે. વિદ્યા એ છે જે છેવટે જીવને મુક્ત કરે.
દાન
શ્રદ્ધાપૂર્વક દાન કરો. જો શ્રદ્ધા વગર દાન કરવામાં આવે તો તેનો શો અર્થ? હવે તમારે આપવું જ છે તો ઠીક છે, ત્યાં મોઢું મચકોડીને આપો અને કહો કે લૂંટવા જ બેઠા છે, કલિયુગ આવી ગયો છે, આટલી અમથી વસ્તુનો આટલો બધો ભાવ? એ તો સોદો છે તેથી ત્યાં મોઢું મચકોડો તો ચાલે, પરંતુ જ્યારે દાન કરવું જ છે, પુણ્ય મેળવવું જ છે ત્યારે અણગમો દેખાડીને ન આપો. ‘શ્રદ્ધયાં દેયમ’ શ્રદ્ધાપૂર્વક આપો.
તપ
તપ શ્રદ્ધાથી કરો. સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે, કોઈને પાડી દેવા માટે કે કોઈને એવું કંઈ કરવા માટે તપ નથી. શ્રદ્ધાપૂર્વક તપ કરીએ છીએ. શ્રદ્ધાથી તપ કરો. આ બધાં ધર્મના માર્ગો બતાવવામાં આવ્યા છે. શ્રદ્ધા વગર કરેલું તમારું તપ નિરર્થક થઈ જશે. તમે ઉપવાસ કરો તો તે તપ છે. તમે મૌનવ્રત રાખો તો તે વાણીનું તપ છે. તમે સત્ય બોલો તો તે વાણીનું સહુથી શ્રેષ્ઠ તપ છે, પરંતુ તે શ્રદ્ધાપૂર્વક કરવું જોઈએ.
શ્રદ્ધાથી તપ કરો. બપોરના તડકામાં જો તપવા બેસો તો એમ વિચારો કે ભગવાન સૂરજ મને તેનાં કિરણોથી નવડાવી રહ્યા છે. મને સ્નાન કરાવે છે. આદિત્યનારાયણ મારા પર કૃપા વરસાવી રહ્યા છે, કિરણોની કૃપા વરસાવે છે. કિરણો તેમના હાથ જ છે. તે અજાનબાહુ છે. તે આપણને સ્પર્શી રહ્યા છે. તેમનો હાથ આપણા માથે છે એમ વિચારી શ્રદ્ધાથી તપ કરો. જુઓ યજ્ઞા, દાન, તપ અને અધ્યયન આ ચારેય ફળની આશા રાખ્યા વગર કરો તો જ તેમાં સફળ થવાય છે, જો ફળની કામના કરી તો સફળ ન થવાય. તેનો અર્થ એ છે કે શ્રદ્ધા રાખો કે ફળ મળી જશે, બસ! આગળ બીજું કંઈ નહીં મળે.
સત્ય
સત્ય ધાર્મિકતાનું લક્ષણ છે. સત્યનું આચરણ શ્રદ્ધાપૂર્વક કરો. સત્યમાં ફળ મળવાની આશા રાખવામાં નથી આવતી. સત્યમાં તો તમારે સહન કરવું પડશે. તેમાં ફળ નહીં મળે કે તમે સાચું બોલ્યા છો તો પરિવારમાં તમને એટલા માટે તો કેટલાંય લોકો અમારી પાસે આવે છે અને કહે છે કે અમે સાચું બોલીએ છીએ તો કોઈ માનતું નથી. બધા નારાજ….સત્યમાં ફળ મળવાનું નથી, પરંતુ તે દિવ્ય વિમાન બની તમને બ્રહ્મલોક લઈ જાય છે. તે પરમ્ વિજય તરફ આગળ વધે છે. સત્યમાં તમને ફળ શું મળવાનું? બદનામી મળશે. લૂંટાઈ જવું પડશે. પોતાની જાતને સર્મિપત કરી દેવી પડશે. જેઓ સત્યના માર્ગે ચાલ્યા છે. તેમણે તો આ કબૂલ કરવું પડશે. તેમાં કોઈ ફળ નથી મળતું, પરંતુ તમે જો સત્યને માર્ગે ચાલશો તો ધન્ય થઈ જશો.
દમ
ઇન્દ્રિયોને રોકવી, નિયંત્રિત કરવી. તમે ઈન્દ્રિય નિગ્રહ કરશો તો તેનું ફળ શું મળશે? ફળ તમને પોતાને જ મળશે. ધાર્મિકતા એવરેસ્ટ શિખર પર બેસવા જેવી આ વાત છે. ધર્મ તો ખીણની બાબત છે, શિખર પર ભીડ નથી હોતી, માત્ર એકબે જણા ત્યાં હોય છે. ભીડ તો તળેટીમાં હોય છે.
ક્ષમા
વાતવાતમાં આળસ કરે, વાતે વાતે ધીરજ ગુમાવી બેસે તે ક્ષમા ન કરી શકે. તે પોતે જ ક્ષમાને પાત્ર છે. ક્ષમા મોટો ગુણ છે, તે ધાર્મિક હોવાનું લક્ષણ છે. ક્ષમાનું ફળ શું? દુનિયા તો તમને કહેશે કે ક્ષમા કરો છો, કાયર થઈ ગયા છો? ક્ષમા ધર્મનો માર્ગ છે. તેનું ફળ ન હોઈ શકે. તેમાં તમારે સહન કરવું પડશે. લોકો કહેશે કાયર બની ગયા? આવું કડવું ફળ મળશે. બીજું કોઈ ફળ નહીં મળે. આ રસ્તો ફળ મળે તેવો નથી, પરંતુ ક્ષમા કરવાથી તમારી આંતરિક સ્થિતિ ખૂબ જ મધુર બનશે. તમે જાણે ક્ષમાનું અમૃત પી રહ્યા હો તેવું લાગશે.
નિર્લોભ
તમે લોભ ન રાખો તો તેનાથી કોઈ ફળ નથી મળવાનું. લોભથી ફળ મળશે. પૈસા એકઠા થઈ જાય તો ફ્રીજ લઈ લો, ટી.વી. લઈ લો, વીડિયો લઈ લો. દુનિયાભરનાં સાધનો તમે લઈ શકો છો. પરંતુ જો લોભ રહિત થઈ જશો તો કોઈ ફળ નહીં મળે…તમારે ઓછી જરૂરિયાતથી જીવન જીવવું પડશે. તેનું કોઈ ફળ નથી, પરંતુ મસ્તી બહુ રહેશે.
અસ્તેય
ચોરી ન કરવી ધાર્મિકતા છે. કોઈના સિદ્ધાંતને પોતાના નામે રજૂ કરવો ચોરી છે. જેની પાસેથી તે મેળવ્યો તેનું ઋણ સ્વીકાર કરો. પોતાની પ્રતિભા સ્થાપિત કરવા માટે તેણે પોતાના નામે ચડાવી દેવો એ ચોરી છે. હું દીક્ષા નહીં, દિશા દર્શાવું છું, તે પણ તમે તમારા પગે ચાલીને આવો છો તેથી, નહીંતર પાછા વળી જાઓ. મારા કેટલાયે ગુરુ થઈ ગયા. જો તેઓ મારી સામે આવે તો હું તેમને ગુરુદક્ષિણા આપું. મારા ગુરુ મારા દાદાજી છે, માત્ર મારા દાદાજી જ છે.
શૌચમ
આંતરિક પવિત્રતા. તમારી સાથે ચાલવું એ મારો સ્વભાવ છે. ઉપરથી તમે ભલે સ્વચ્છ હો, પરંતુ ભીતરની પવિત્રતા પણ જાળવવી જોઈએ. કોઈને મોટપ મળે તેથી આપણે દુઃખી ન થઈએ, ઉદારતાનો ભાવ ધારણ કરીએ તો આપણે પવિત્ર છીએ.
અક્રોધ
ક્રોધ ન કરવો ધાર્મિકતા છે. સંસારીઓને છોડો, બહુ મોટા માણસોને પણ ક્રોધ કરતાં જોયા છે. અંદર ન હોય તો બહાર આવે જ નહીં. ક્રોધ-બોધ એક સાથે ન રહી શકે. જો માનસમાં ક્રોધનાં મૂળિયાં બળી ન ગયાં હોય તો તે હિમાલયમાં પણ પાંદડાં ઉપર ક્રોધ કરશે. જો મૂળિયાં જ કપાઈ ગયાં હોય, ચુંબકત્વ જ ખલાસ થઈ ગયું હોય તો સંસારમાં ક્રોધ કયારેય રહી ન શકે. ચુંબકત્વ જંગલમાં હોય તો પણ, સંજોગ પ્રમાણે તે ખીલીને ખેંચશે. ક્રોધ માટેની બધી જ પ્રમાણિક પરિસ્થિતિ ઊભી થઈ ગઈ હોય એ સમયે ક્રોધ કરો તો તે સમયે ક્રોધ કરવો ઉચિત ગણાય અને જો તમે ત્યારે પણ ક્રોધ ન કરો તે તે અક્રોધ છે. તેવે સમયે પણ જો આપણી આંતરિક શાંતિ જળવાઈ રહે તો આપણે ધાર્મિક છીએ.
shraddha@sandesh.com
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post જે ક્રિયા હૃદયને શુદ્ધ કરે તે ધર્મ appeared first on Sandesh.
from Shraddha – Sandesh http://sandesh.com/the-action-heart-pure-tax/
via Best Gujarati News
0 Comments