રીલ લાઇફમાં રાષ્ટ્રપતિનું પાત્ર ભજવનારા કોમેડિયન વોલોડાઇમિર ઝેલેન્સ્કી હવે રિયલ લાઇફમાં પણ યૂક્રેઇનના રાષ્ટ્રપતિ બન્યા છે પણ તેમના ટીકાકારોને ડર છે કે રાજકારણમાં અનુભવહીન ઝેલેન્સ્કી કેટલી સ્વતંત્રતાથી પોતાનું ધાર્યું કામ પાર પાડી શકશે જે છેલ્લે હસે છે તે લાંબો સમય સુધી હસતો રહે છે એ કહેવત યૂક્રેઇનની પ્રજાએ ચૂંટી કાઢેલા પ્રેસિડેન્ટ-ઇલેક્ટ કોમેડિયન એક્ટર વોલોડાઇમિર ઝેલેન્સ્કી પર બરાબર લાગુ પડે છે. ટીવી શોના માધ્યમથી ઘણા વર્ષોથી લોકોને પોતાના અભિનય દ્વારા હસાવી રહેલા ઝેલેન્સ્કીને ચૂંટણીમાં જીત અપાવીને યૂક્રેઇનના લોકોએ તેમના પર દેશની સૌથી મોટી જવાબદારી નાખી દીધી છે અને ભ્રષ્ટાચારથી ત્રાસી ગયેલી દેશની જનતાએ સત્તાધારી પાર્ટીને ઘરે બેસાડી છે ત્યારે ઝેલેન્સ્કીનું હાસ્ય હવે નિર્ણાયક બની રહેશે.

સૌથી યુવા રાષ્ટ્રપતિ

૪૧ વર્ષના ઝેલેન્સ્કી દેશના સૌથી યુવાન રાષ્ટ્રપતિ બનવા તૈયાર છે. ઝેલેન્સ્કી અને એમના જેવા બીજા કોમેડિયનો છેલ્લા ૨૦ વર્ષથી દેશના પ્રમુખ રાજકીય નેતાઓ પર વ્યંગ કરે છે. તમામ સફળ કોમેડિયનોમાં ઝેલેન્સ્કી અગ્રક્રમે છે. ૧૯૭૮માં ૨૫ જાન્યુઆરીએ દેશના દક્ષિણ-પૂર્વ વિસ્તારના શહેર ક્રાઇવી રિહ શહેરમાં જ્યૂઇશ પરિવારમાં જન્મેલા ઝેલેન્સ્કીના પપ્પા પ્રોફેસર છે, જ્યારે મમ્મી એન્જિનિયર છે. તેમણે કાયદાશાસ્ત્રનો અભ્યાસ કર્યો છે પણ ક્યારેય પ્રેક્ટિસ કરી નથી. તેઓ ભારે અવાજ ધરાવતા ખુશમિજાજી અને સરળ વ્યક્તિત્વ ધરાવતા મનુષ્ય છે.

સ્વતંત્રતા મળશે ખરી?

સૌથી મોટી અનિશ્ચિતતા એ છે કે રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી કેટલા સ્વતંત્ર રીતે કારભાર સંભાળી શકશે? એમના સલાહકારો અને એમને સત્તા સુધી પહોંચાડનારા લોકોનો એમના પર કેટલો પ્રભાવ હશે? કોઈ પણ સંજોગોમાં માત્ર ચૂંટણી જીતવાથી તેમને દેશ ચલાવવાની અનુમતિ મળતી નથી. વળી આવી રહેલા વિન્ટરમાં તેઓ દેશની સંસદની પણ ચૂંટણી કરાવી દેશે એવું લાગી રહ્યું છે. આમ કરવાથી તેમની પાર્ટી સત્તામાં આવી શકે. તેમના ટીકાકારો હજી પણ ઝેલેન્સ્કીને સ્વતંત્ર રાજનેતા તરીકે જોતા નથી. ઘણા લોકોને શંકા છે કે ઝેલેન્સ્કી દેશના પ્રભાવશાળી બિઝનેસમેન ઇયોર કોલોમોયસ્કી સાથે ગઠબંધન કરી શકે છે. આવા ગઠબંધનનો ઉદ્દેશ પોરોશેંકોને સત્તાથી દૂર રાખવાનો છે. જોકે ગઠબંધન બાબતે બંને તરફથી નનૈયો ભણવામાં આવ્યો છે.

ગંભીર સવાલોથી બચતા રહ્યા

જેમ એક શિકારી ઘાયલ જાનવરની તરફ આક્રમક રીતે આગળ વધે એમ ઝેલેન્સ્કી ચૂંટણી પ્રચારમાં ભ્રષ્ટાચારના આરોપોથી ઘેરાયેલા પોતાના કટ્ટર રાજકીય વિરોધી પેત્રો પોરોશેંકો કરતાં આગળ વધતા જતા હતા. તેઓ પોતાના સ્પષ્ટ વિચારો લોકો સમક્ષ મૂકતા પણ ગંભીર અને જેમાં ટીકા થઈ શકે એવા સવાલોના જવાબો આપવામાં ખાસ કાળજી રાખતા હતા. તેઓ પેત્રો પોરોશેંકો સામે ટીવી ડિબેટ માટે તૈયાર થયા નહીં. તેમણે શરત મૂકી કે જો કોઈ ડિબેટ કરવી હોય તો ટીવીના સ્ટુડિયોમાં નહીં પણ ખુલ્લા સ્ટેડિયમમાં કરાવવામાં આવે.

શોના નામે બનાવી પાર્ટી

ઝેલેન્સ્કીએ એક લોકપ્રિય ટીવી કોમેડી સિરીઝ ‘સર્વન્ટ્સ ઓફ ધ પીપલ’માં એક શિક્ષકનું પાત્ર ભજવ્યું છે. જોકે આ શિક્ષક તેના જીવનની બદલાતી જતી પરિસ્થિતિના કારણે દેશનો રાષ્ટ્રપતિ બની જાય છે. આ ટીવી શોથી દેશમાં પોપ્યુલર થયેલા ઝેલેન્સ્કીએ જ્યારે શોના નામ પરથી ૨૦૧૮ના માર્ચ મહિનામાં ‘સર્વન્ટ્સ ઓફ ધ પીપલ’ નામની રાજકીય પાર્ટીનું ગઠન કર્યું ત્યારે કોઈને પણ નહીં લાગ્યું હોય કે એક વર્ષ બાદ આ વ્યક્તિ દેશનો રાષ્ટ્રપતિ બનશે. ‘સર્વન્ટ્સ ઓફ ધ પીપલ’માં તેમને રાજનીતિક ભ્રષ્ટાચારની સામે સફળ રીતે લડતા દર્શાવવામાં આવ્યા છે. સત્તા આવતાં જે લડાઈ-ઝઘડા થાય છે એની સામે નવા લોકોને રાજકારણમાં લાવીને સ્વચ્છ કારભારનું તે વચન આપે છે. ટીવી શોની જેમ જ ઝેલેન્સ્કીએ લોકોને સ્વચ્છ અને પારદર્શક શાસન આપવાનું વચન આપ્યું છે. હવે તેમની સામે ભ્રષ્ટાચારથી મુક્ત વહીવટ અને સ્વચ્છ કારભારની અપેક્ષા રાખવામાં આવે છે.

અલગ પ્રકારનો ચૂંટણી પ્રચાર

દેશમાં જ્યારે રાષ્ટ્રપતિપદની ચૂંટણી જાહેર થઈ ત્યારે તેમણે પાર્ટી બનાવી હતી. તેમણે છ મહિના માટે પ્રચાર કર્યો હતો પણ એમનું કેમ્પેન એકદમ અલગ હતું. તેમણે આખા દેશની યાત્રા કરી હતી. એમાં પણ તેઓ પોતાના શો કરતા રહેતા હતા અને આ પ્રોગ્રામ ઇન્ડસ્ટ્રિયાલિસ્ટ કોલોમોયસ્કીની ટીવી ચેનલ પ્રસારિત કરતી. તેમણે ભાગ્યેજ ઇન્ટરવ્યૂ આપ્યો હતો. તેમણે માત્ર પોતાને સમર્થન આપતાં મીડિયા જૂથો સાથે જ વાત કરી હતી. તેઓ કોઈ જાહેર સભાઓ પણ સંબોધતા નહોતા. ઝેલેન્સ્કી પોતાના સમર્થકો સાથે માત્ર સોશિયલ મીડિયા કે વીડિયો મેસેજ દ્વારા જ વાત કરતા હતા. ચૂંટણી પ્રચારમાં તેમનાં સ્લોગન યુવા વર્ગને આર્કિષત કરતાં હતાં. દેશના વિવિધ વિસ્તારોમાં જે કહેવતો અને રૂઢિપ્રયોગ ચાલતા હોય એનો આ સ્લોગનોમાં સમાવેશ થતો હતો. તેમના વિરોધીઓ યુવાનોને આ રીતે આર્કિષત કરવામાં નિષ્ફળ રહ્યા હતા.

સપનાનો દેશ બનાવવાનું વચન

ઝેલેન્સ્કીએ તેમના ચૂંટણી ઢંઢેરામાં લોકોને તેમના સપનાનો દેશ બનાવવાનું વચન આપ્યું છે. જો હું રાષ્ટ્રપતિ બનું તો દેશ મારી પાસે કેવી આશાઓ રાખી શકે છે એ તેમણે દર્શાવ્યું છે. તેમણે દેશને ભ્રષ્ટાચાર મુક્ત બનાવવાનો સૌથી મોટો વાયદો કર્યો છે. આ સિવાય લોકોને સારો પગાર અને સારું પેન્શન મળશે, તેજ ગતિનું ઇન્ટરનેટ અને સુંદર પહોળા રસ્તા મળશે એવું વચન આપ્યું છે. તેમણે કહ્યું છે કે સત્તા લોકોના હાથમાં જ રહેશે. લોકોની ઇચ્છા જાણવા માટે સૌથી વધારે જનમત સંગ્રહ કરાવવામાં આવશે. લોકોને ઝડપી ન્યાય મળશે અને સુરક્ષા પણ વધારે બહેતર બનાવવામાં આવશે. યૂક્રેઇનના પૂર્વ હિસ્સાના લોકોમાં અસંતોષ છે અને લડાઈ ચાલી રહી છે, વિવાદો થઈ રહ્યા છે. આને પણ નીપટાવવાનું વચન તેમણે આપ્યું છે. જોકે આ બધું કેવી રીતે થશે એના વિશે તેમણે કંઈ જ કહ્યું નથી. તેમના વચનોથી લાગી રહ્યું છે કે એ તમામ લોકલુભાવન છે.

હવે ડર શેનો?

સત્તા પરિવર્તનના પાછળ પ્રેરક શક્તિ રહેલા યૂક્રેઇનના નાગરિકો પોતાને પિૃમી દેશોના નિકટના માને છે. તેઓ ઝેલેન્સ્કીની ચૂંટણી સફળતાને ચિંતા અને નિરાશાનું મિશ્રણ માને છે. સોશિયલ મીડિયામાં કહેવામાં આવી રહ્યું છે કે ઝેલેન્સ્કી રશિયન ભાષા બોલનારા કોમેડિયન છે અને તેમણે યૂક્રેઇનની દેશભક્તિની નકલ ઉતારી છે. ૨૦૧૪માં ક્રિમિયા પર રશિયાના કબજા બાદ યૂક્રેઇનના રાજકારણમાં રશિયા અને રશિયન ભાષાની અસ્વીકૃતિ સૌથી પ્રમુખ વાત રહી છે. તેઓ કહે છે કે ઝેલેન્સ્કી પાસે કોઈ રાજકીય અનુભવ નથી. તેમને ડર છે કે તેઓ દેશને ક્યાંક સંકટમાં ના નાખી દે. આ પહેલાં સત્તા પરિવર્તન બાદ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ વિક્ટર યાનકોવિચના કેટલાક નિકટના સાથીઓ રશિયા ભાગી ગયા હતા. હવે લોકોને ડર છે કે ઝેલેન્સ્કીના સમયગાળામાં આ લોકોની ઘરવાપસી થઈ શકે છે.

ફિલ્મ અને ટીવીની દુનિયામાંથી સત્તા સંભાળનારા નેતાઓ

ડોનાલ્ડ ટ્રમ્પ 

અમેરિકામાં રિયલ એસ્ટેટ ટાયકૂન અને રિયલ્ટી ટીવી સ્ટાર ડોનાલ્ડ ટ્રમ્પે ૨૦૧૭ના વર્ષમાં પ્રમુખપદની ચૂંટણી જીતીને દુનિયાને હેરાન કરી દીધી હતી. ટ્રમ્પ પાસે કોઈ પણ રાજકીય, સૈન્ય કે કૂટનીતિનો અનુભવ નથી. ટ્રમ્પ એક ટીવી શો હોસ્ટ કરતા હતા.

રોનલ્ડ રેગન  

અમેરિકાના ૪૦મા રાષ્ટ્રપ્રમુખ બનેલા રોનલ્ડ રેગન રાજકારણમાં આવ્યા તે પહેલાં હોલિવૂડમાં બે દાયકા સુધી એક્ટર રહ્યા હતા. તેઓ પહેલાં એવા અમેરિકન હતા જેમણે સિનેમામાંથી નીકળીને દેશની સત્તા સંભાળી હતી. ૧૯૬૬માં તેઓ કેલિફોર્નિયા પ્રાંતના ગવર્નર બન્યા હતા, ૧૯૮૧માં રાષ્ટ્રપ્રમુખ બન્યા હતા.

સિલ્વિયો બર્લુસ્કોની  

વિવાદિત ટીવી કાર્યક્રમોના પગલે ચર્ચામાં રહેલા ઇટાલીના મીડિયા ટાયકૂન સિલ્વિયો બર્લુસ્કોનીએ ૧૯૯૪થી ૨૦૧૧ સુધી ત્રણ વાર ઇટાલીનું વડા પ્રધાનપદ સંભાળ્યું હતું. પૈસા આપીને કોલગર્લ સાથે સંબંધ રાખવાના મુદ્દે તેમની ઉપર વિવાદ થયો હતો. આ સિવાય અનેક સેક્સ સ્કેન્ડલોમાં પણ તેમનું નામ ચમકતું રહેતું.

આર્નોલ્ડ શ્વાર્ઝનેગર  

હોલિવૂડના મશહૂર કલાકાર આર્નોલ્ડ શ્વાર્ઝનેગર પણ સિનેમામાંથી સીધા રાજકારણમાં આવ્યા હતા. આ બોડી બિલ્ડર એક્શન હીરો ૨૦૦૩થી ૨૦૧૧ સુધી કેલિફોર્નિયાના ગવર્નર રહ્યા હતા. કેલિફોર્નિયા અમેરિકાનો સૌથી અમીર પ્રાંત છે.

વ્યાતુતાસ લેન્ડ્સબર્ગિસ    

લિથુઆનિયાના સંગીતકાર વ્યાતુતાસ લેન્ડ્સબર્ગિસે દેશની આઝાદીના આંદોલનમાં નેતૃત્ત્વ કર્યું હતું. સોવિયેત સંઘમાંથી નીકળ્યા બાદ ૧૯૯૦માં વ્યાતુતાસ લેન્ડ્સબર્ગિસ લિથુઆનિયાના રાષ્ટ્રપતિ બન્યા હતા.

મિશેલ માર્ટેલી     

કેરેબિયન દેશ હૈટીમાં લોકપ્રિય ર્કાિનવલ સિંગર મિશેલ માર્ટેલીને દેશના યુવાનો સ્વીટ મિકી પણ કહે છે. માર્ટેલીએ ૨૦૧૧થી ૨૦૧૬ સુધી દેશ પર શાસન કર્યું હતું. ચૂંટણીમાં તેમને ૬૭ ટકા મત મળ્યા હતા.

જોસેફ એસ્ટ્રાડા     

૧૦૦થી વધારે ફિલ્મોમાં કામ કરી ચૂકેલા ફિલિપીન્સના મશહૂર એક્ટર જોસેફ એસ્ટ્રાડાએ પણ ૧૯૬૯માં રાજકારણમાં કદમ મૂક્યો હતો. તેઓ પહેલાં મેયર બન્યા અને પછી સેનેટર. ત્યાર બાદ તેઓ ઉપરાષ્ટ્રપતિ બન્યા અને ૧૯૯૮માં એસ્ટ્રાડાને રાષ્ટ્રપતિ તરીકે ચૂંટી કાઢવામાં આવ્યા. જોકે ૨૦૦૧માં ભ્રષ્ટાચારના આરોપો લાગ્યા બાદ તેમની સામે વિદ્રોહ થયો, તેમને સત્તા છોડવી પડી.

જિમી મોરાલેસ 

ગ્વાટેમાલાના ટીવી કોમેડિયન જિમી મોરાલેસ પણ ૨૦૧૫માં દેશના રાષ્ટ્રપતિપદે ચૂંટાયા હતા. રાજનીતિ મોરાલેસ માટે નવી હતી પણ તેમણે લોકોને વચન આપ્યું હતું કે તેઓ ભ્રષ્ટાચારને નાબૂદ કરશે. તેમણે ૨૦૦૭માં ફિલ્મ ‘એ પ્રેસિડેન્ટ ઇન ધ સોમબ્રેરો’માં અભિનય કર્યો હતો. આ ફિલ્મમાં તેઓ એક ગોવાળનું પાત્ર ભજવતા હતા અને દેશમાં બદલાતી જતી પરિસ્થિતિમાં આ ગોવાળ રાષ્ટ્રપતિ બની જાય છે એવું દર્શાવવામાં આવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post રાષ્ટ્રપતિ બનીને કોમેડિયન ઝેલેન્સ્કી યુક્રેઇનની પ્રજાને કેટલી ખુશ કરશે? appeared first on Sandesh.



from World – Sandesh http://sandesh.com/president-bone-comedy/
via Best Gujarati News

0 Comments