કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પહેલીવાર બે લોકસભા બેઠકોથી લોકસભાની ચૂંટણી લડવા જઈ રહ્યાં છે. આ બાબતે અમિત શાહે તેમને જોરદાર ટોણોં માર્યો છે. શાહે ઉત્તર પ્રદેશના ધામપુરમાં એક રેલી દરમિયાન કહ્યું હતું કે, રાહુલ ગાંધી અમેઠીમાં હારવાના ડરના કારણે વાયનાડ ભાગી ગયા જેથી કરીને ધ્રુવીકરણ દ્વારા જીત મેળવી શકે. શાહે હિન્દુ આતંકવાદને લઈને પણ કોંગ્રેસ પાર્ટી પર પ્રહારો કર્યા હતાં.

તેમણે કહ્યું હતું કે, વિરોધ પક્ષના લોકો તૃષ્ટિકરણની રાજનીતિ કરવાથી બાજ નથી આવી રહ્યાં. હજી થોડા દિવસ પહેલા જ એક કોર્ટે 2007માં સમજૌતા એક્સપ્રેસમાં થયેલા વિસ્ફોટ પર નિર્ણય સંભળાવ્યો હતો. તે સમયે તત્કાલીન કોંગ્રેસ સરકારે કહ્યું હતું કે, સમજૌતા એક્સપ્રેસ વિસ્ફોટ હિન્દુ આતંકવાદનો એક નમુનો છે. કોંગ્રેસે દુનિયા આખીમાં વિશ્વ બંધુત્વનો ભાવ વધારનાર હિન્દુ સમુદાયને આતંકવાદ સાથે જોડીને બદનામ કરવાનું કામ કર્યું છે.

શાહે એવો પણ સવાલ કર્યો હતો કે, હિન્દુ ક્યારેય આતંકવાદી હોઈ શકે છે? કદાચ રાહુલ ગાંધીને એ વાતની ખબર નથી કે આપણે તો કીડીઓને પણ લોટ નાખનારા લોકો છીયે, તો પછી લોકોની હત્યા કઈ રીતે કરી શકીયે? આતંકવાદને ધર્મ સાથે જોડવાનું પાપ કોંગ્રેસે કર્યું છે. પોતાની મતબેંકની રાજનીતિ માટે દુનિયાભરમાં હિન્દુ સમુદાયને બદનામ કરવાનું પાપ કોંગ્રેસે કર્યું છે.

કોંગ્રેસ પર આકરા પ્રહાર યથાવત રાખતા શાહે કહ્યું હતું કે, તત્કાલીન ગૃહમંત્રી પી ચિદમ્બરમ, સુશીલ કુમાર શિંદે અને રાહુલ ગાંધીએ પોતે અમેરિકાના રાજદૂતને કહ્યું હતું કે, લશ્કર-એ-તોયબાથી દેશને ખતરો નથી પણ હિન્દુ આતંકવાદથી ખતરો છે. હિન્દુઓને બદનામ કરવા બદલ રાહુલ ગાંધી અને કોંગ્રેસ પાર્ટીએ દેશની માફી માંગવી જોઈએ. કોંગ્રેસે હિન્દુ સમુદાય પર આતંકવાદનો થપ્પો મારી દીધો પણ હકીકત છુપાવી શકે તેમ નથી. સૂર્યને ગમે તેટલો ઢાંકવામાં આવે પણ સત્ય અને સૂર્ય તેવસ્વી બનીને ચમકે જ છે. કોર્ટના જજમેન્ટે સાબિત કરી આપ્યું છે કે સ્વામી અસીમાનંદ અને બાકીના તમામ લોકો નિર્દોષ છે.

શાહે જણાવ્યું હતું કે, કોંગ્રેસની વોટબેંકની રાજનીતીએ દેશની સુરક્ષા સાથે બાંધછોડ કરવાનું કામ કર્યું છે. અને આ કારણે જ રાહુલ ગાંધી અમેઠી છોડીને કેરળ ભાગી ગયા છે, કારણ કે તેમને ખબર પડી ગઈ છે કે, આ વખતે અમેઠીમાં તેમનો હિસાબ કિતાબ થવા જઈ રહ્યો છે. તેમનો હેતુ ધ્રુવીકરણ દ્વારા કેરળમાં જીત હાંસલ કરવાનો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

The post રાહુલ ગાંધી અમેઠીમાં પરાજયના ડરે ફફડી ઉઠ્યા એટલે કેરળ તરફ ભાગ્યા : અમિત શાહ appeared first on Sandesh.



from India – Sandesh http://sandesh.com/congress-had-infamous-hindus-bjp-president-amit-shah/
via Best Gujarati News

0 Comments