સુદાનમાં તખ્તા પલટઃ લોકશાહીની લડત વચ્ચે લશ્કરે સત્તા સંભાળી લીધી
। કેરો ।
સુદાન પર દમનનો કોરડો વીંઝીને ૩૦ વર્ષ સુધી શાસન સંભાળી ચૂકેલા પ્રમુખ ઓમર-અલ – બશીરના વિરોધમાં લાંબા સમયથી ચાલી રહેલા હિંસક વિરોધ વચ્ચે દેશની સેનાએ ગુરુવારે પ્રમુખને સત્તા પરથી ઉતારીને તખ્તાપલટો કર્યો હતો. પરંતુ સૈન્યે આગામી બે વર્ષ સુધી દેશનું શાસન સંભાળવાનો મનસૂબો જાહેર કરતાં લોકશાહી તરફી સંગઠનોએ શેરીઓમાં સૈન્યના આ નિર્ણય સામે પણ વિરોધ ચાલુ રાખતાં સુદાનમાં અરાજકતા પ્રવર્તી રહી છે. શુક્રવારે રાતે રાજધાની ખાર્તુમમાં એક સૈનિક સહિત ૧૬ લોકોનાં મૃત્યુ થયાં હતા અને ૨૦ને ઈજા પહોંચી હતી. સૈન્યને હાથે તેઓ માર્યા ગયા હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. છેલ્લા બે દિવસથી હજારો લોકો શેરીઓમાં આંદોલન માટે ઊતરી પડયા છે.
અલ્જિરિયામાં સૈન્ય સમર્થનથી લાંબા સમય સુધી શાસનધુરા સંભાળી ચૂકેલા પ્રમુખ અબદેલાઝિઝ બુતેફિકાનો તખ્તાપલટ થયાના સપ્તાહ પછી જ સુદાનમાં પણ ગુરુવારે તખ્તાપલટો થયો હતો. ૭૫ વર્ષના અલ-બશિરને પદભ્રષ્ટ કરીને તેમની ધરપકડ થઈ હોવાની જાહેરાત તેમની જ સરકારના સંરક્ષણપ્રધાન અવાદ મહમદ ઇબ્ન આઉફે કરી હતી. તેમણે જાહેરાત કરી હતી કે સૈન્ય, ગુપ્તચર દલ અને અન્ય સુરક્ષા દળોની પરિષદ બે વર્ષ સુધી સુદાન પર શાસન સંભાળશે અને તે પછી મુક્ત અને ન્યાયી ચૂંટણી યોજવામાં આવશે. રાજ્ય સંચાલિત મીડિયાએ તે પછી જાહેરાત કરી હતી કે અવાદ મહમદ ઇબ્ન આઉફની નવી કાઉન્સિલના વડા તરીકે વરણી કરવામાં આવી છે.અવાદ મહમદ ઇબ્ન આઉફે એવી જાહેરાત પણ કરી હતી કે સૈન્યે બંધારણને સસ્પેન્ડ કર્યું છે, સરકારને બરખાસ્ત કરવામાં આવી છે.
પદભ્રષ્ટ પ્રમુખનું શું થશે?
આ દરમિયાન પદભ્રષ્ટ પ્રમુખ અલ – બશિર ક્યાં છે તેની કોઈને જાણકારી નથી.માનવ અધિકાર જૂથો માગણી કરી રહ્યા છે કે અલ- બશિરને આંતરરાષ્ટ્રીય ફોજદારી કોર્ટને સોંપી દેવામાં આવે. બળવાખોરો પર અલ બશિરે વીંઝેલા દમનના કોરડા બદલ તેમની સામે આંતરરાષ્ટ્રીય કોર્ટમાં કેસ ચાલે તેવી માગણી થઈ રહી છે. જોકે શુક્રવારે સૈન્ય પરિષદે જણાવ્યું હતું કે અલ-બશિર વિરુદ્ધ સુદાનમાં જ ખટલો ચાલશે. જોકે સુદાનના ડારફુર વિસ્તારમાં થયેલા નરસંહાર પછી આંતરરાષ્ટ્રીય ક્રિમિનલ કોર્ટ અલ- બશિર સામે કેસ નોંધી ચૂકી છે.
નાગરિક સરકાર માટે વિરોધ વંટોળ
સુદાનના પ્રમુખને સત્તા પરથી દૂર કરવા આંદોલન કરી રહેલા સંગઠનો નવી વ્યવસ્થાથી ખુશ નહોતા જ થયા. તેમણે કહી દીધું હતું કે સૈન્ય મુખ્યાલય સામે એક સપ્તાહથી ચાલી રહેલા ધરણા હવે નાગરિક સરકાર નહીં રચાય ત્યાં સુધી ચાલુ રહેશે. રાત પડતાં તો હજારો લોકો સશસ્ત્ર દળો અને નવી કાઉન્સિલના વડા અવાદ મહમદ ઇબ્ન આઉફ સામે પણ લોકો શેરીઓમાં ઊતરી આવ્યા હતા. સંચારબંધીના આદેશનો ભંગ કરતાં લોકો રસ્તા પર ઊતરી આવ્યા હતા.લોકો સૂત્રો પોકારી રહ્યા હતા કે એક ચોરને દૂર કરીને બીજા ચોરે સત્તા સંભાળી છે. પહેલા ચોરનું પતન થયું છે અને બીજા ચોરનું પણ સત્તા પરથી પતન થશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post સુદાનમાં તખ્તા પલટઃ લોકશાહીની લડત વચ્ચે લશ્કરે સત્તા સંભાળી લીધી appeared first on Sandesh.
from World – Sandesh http://sandesh.com/in-sudan-takhta-palat-lokash/
via Best Gujarati News
0 Comments