વીવીપેટ સ્લિપ સાથે ૫૦% ઈવીએમની સરખામણી કરવાની માગ સાથે વિપક્ષી દળો સુપ્રીમ કોર્ટ જશે
। નવી દિલ્હી ।
વિરોધપક્ષોએ ફરી એકવાર ઈવીએમ સામે મોરચો માંડયો છે. સંયુક્ત વિપક્ષે બેલેટ પેપર દ્વારા ચૂંટણી કરાવવાની માગ ફરી એકવાર દોહરાવી છે. રવિવારે બપોરે દિલ્હીમાં ૨૧ મુખ્ય વિપક્ષોની બેઠક મળી હતી. બેઠક બાદ પત્રકાર પરિષદને સંબોધન કરતાં આંધ્ર પ્રદેશના સીએમ અને ટીડીપીના નેતા ચંદ્રાબાબુ નાયડુએ જણાવ્યું હતું કે, અમે ઈવીએમના મુદ્દે ફરી એકવાર સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવીશું. ઘણા ઓછા દેશ ચૂંટણીમાં ઈવીએમનો ઉપયોગ કરી રહ્યાં છે. જર્મનીએ બેલેટ પેપરથી ચૂંટણી કરાવવાની શરૂઆત કરી છે. નેધરલેન્ડમાં પણ હવે બેલેટ પેપર દ્વારા ચૂંટણી થાય છે. પેપર ટ્રેઇલ મશીન દ્વારા જ મતદારનો વિશ્વાસ હાંસલ કરી શકાશે. જનતા ચૂંટણી પંચ સામે ઘણી નારાજ છે. ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટમાં ખોટી અને ગેરમાર્ગે દોરનારી એફિડેવિટ રજૂ કરી છે.
નાયડુએ જણાવ્યું હતું કે, ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટમાં ખોટી એફિડેવિટ રજૂ કરીને જણાવ્યું હતું કે, વીવીપેટ સ્લિપ સાથે ઈવીએમને ૫૦ ટકા સરખાવવામાં આવે તો પરિણામ આપવામાં ૬ દિવસ લાગી જશે. જ્યારે બેલેટ પેપરથી મતદાન થતું હતું ત્યારે પણ મહત્તમ ૨૪ કલાકમાં પરિણામ આવી જતાં હતાં. શા માટે ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટને જુઠ્ઠું કહ્યું? સરકાર બાદ હવે ચૂંટણી પંચ પણ વિશ્વસનીયતા ગુમાવી ચૂક્યું છે.
કોંગ્રેસના નેતા અભિષેક મનુ સિંઘવીએ જણાવ્યું હતું કે, વીવીપેટ સ્લિપ સાથે ૫૦ ટકા ઈવીએમની સરખામણી કરવી જરૂરી બની ગઇ છે. અમે સુપ્રીમ કોર્ટ સમક્ષ ફરી એકવાર આ માગ કરવાના છીએ. મતદાનના પહેલા ચરણ પછી પણ સવાલ ઉઠાવવામાં આવ્યા હતા.
શા માટે વીવીપેટ મશીનો ૫૦ ટકા સ્લિપ ગણવા માટે તૈયાર નથી? : કોંગ્રેસ
કોંગ્રેસના નેતા કપિલ સિબ્બલે જણાવ્યું હતું કે, અમે વોટિંગ મશીનને નહીં પરંતુ મતદારોને માનીએ છીએ. શા માટે વીવીપેટ મશીન ૫૦ ટકા સ્લિપ ગણવા માટે તૈયાર નથી? જો ચૂંટણી પંચ આ હકીકતોની અવગણના કરશે તો અમે અન્ય વિકલ્પો અપનાવીશું. અમે ચૂંટણી પંચને બતાવીશું કે કેવી રીતે ઈવીએમ સાથે ચેડાં કરી શકાય છે. અમને નથી લાગતું કે ચૂંટણી પંચ અમારી રજૂઆતો પર પૂરતું ધ્યાન આપી રહ્યું છે. જો તમે એક્સ પાર્ટીને મત આપો છો તો તે વાય પાર્ટીને જતો રહે છે. વીવીપેટ પણ ૭ સેકન્ડની જગ્યાએ ૩ સેકન્ડ જ જોઇ શકાય છે.
મતદારો ઈવીએમમાંથી વિશ્વાસ ગુમાવી ચૂકયાં છે : અરવિંદ કેજરીવાલ
દિલ્હીના સીએમ અને આપના નેતા અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, જનતા હવે ઈવીએમમાંથી વિશ્વાસ ગુમાવી બેઠી છે. ભાજપ દ્વારા લોકસભાની ચૂંટણી જીતવા ઈવીએમ સાથે ચેડાં કરાઇ રહ્યાં છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post વીવીપેટ સ્લિપ સાથે ૫૦% ઈવીએમની સરખામણી કરવાની માગ સાથે વિપક્ષી દળો સુપ્રીમ કોર્ટ જશે appeared first on Sandesh.
from India – Sandesh http://sandesh.com/vvpet-slip-with-50-ev/
via Best Gujarati News
0 Comments