પાકિસ્તાન જો ત્રીજી વખત ભૂલ કરશે તો ભોંયભેગું થઈ જશે : મોદી
। કઠુઆ, અલીગઢ, મુરાદાબાદ ।
રવિવારે જમ્મુ અને કાશ્મીરમાં કઠુઆ ખાતે રેલીને સંબોધતા મોદીએ કહ્યું કે, ૨૦૧૪ની સરખામણીમાં ૨૦૧૯માં ભાજપનો લહેર વધુ મજબૂત છે. ૨૦૧૪ કરતા અમને વધારે સીટો મળશે. ભાજપને કોંગ્રેસ કરતા ત્રણ ગણી વધુ સીટો મળશે. આ દેશ છે ત્યારે જ રાષ્ટ્રની સુરક્ષાનો ભાવ છે અને રાષ્ટ્રવાદ છે. મોદીએ યુપીમાં અલીગઢ અને મુરાદાબાદમાં પણ રેલીઓને સંબોધી બહતી. મોદીએ પાક.ને તેની ભાષામાં સાફ વાત કરી હતી કે પાક.એ પહેલા ઉરી પછી પુલવામામાં મોટી અને ગંભીર ભૂલ કરી. હજી અવળચંડાઈ છોડશે નહીં અને ભારત સામે ત્રીજી ભૂલ કરશે તો પાકિસ્તાનને લેવાનાં દેવા પડી જશે અને ભોંયભેગું થઈ જશે. પુલવામા હુમલા વખતે ભારતે તેના ઘરમાં ઘૂસીને તેને માર્યું છે પણ ત્રીજી ભૂલ તેને અતિભારે પડી જશે. મોદીએ કહ્યું કે, જેનામાં શક્તિ હેય તેનું દુનિયામાં માન છે. જે રડે છે તેનું કોઈ સાંભળતું નથી. નવા ભારતનો અમારો સંકલ્પ દમદાર અને અસરદાર છે.
ચોકીદારે બાબાસાહેબનાં રસ્તે ચાલવાનાં પ્રયાસો કર્યા છે
મોદીએ કહ્યું કે, બાબાસાહેબ આંબેડકરની કૃપાથી એક ચાવાળો આજે દેશમાં વડા પ્રધાન બની શક્યો છે. આપના સહયોગથી ચોકીદારે બાબાસાહેબનાં રસ્તે ચાલવાનાં પ્રયાસો કર્યા છે અને પરિવારવાદ ખતમ કરવા મેદાને પડયો છે. સબ કા સાથ સબ કા વિકાસનાં મંત્ર પર સરકાર ચલાવી છે. યુપીમાં અગાઉની સરકારોએ બાબાસાહેબનાં માર્ગે ચાલવાનાં મુદ્દે પણ દગાબાજી કરી છે અને સૌથી પહેલા પરિવાર અને સગાઓનો મુદ્દો અપનાવ્યો છે. બાબાસાહેબનાં બંધારણને કારણે એક શોષિત સમાજની વ્યક્તિ રાષ્ટ્રપતિ અને ખેડૂત પરિવારની વ્યક્તિ ઉપરાષ્ટ્રપતિ પદે બેસી શક્યા છે.
તમે આ દેશનાં ટુકડા કરી શકશો નહીં
મોદીએ કહ્યું કે મુફ્તી અને અબ્દુલ્લાનાં પરિવારે કાશ્મીર અને તેની જનતાને સાવ નિચોવી નાખી છે હવે તેમને વિદાય આપવાનો સમય આવી ગયો છે. આ બંને પરિવારોએ કાશ્મીરની ૩ પેઢીનું જીવન બરબાદ કરી નાખ્યું છે. તેમની વિદાય પછી જ કાશ્મીરનું ભવિષ્ય ઉજ્જવળ બનશે. તેમણે તેમના આખા પરિવારને મેદાનમાં ઉતાર્યો છે તેઓ મોદીને જેટલી ગાળો આપવી હોય તેટલી આપે પણ જ્યાં સુધી મોદી છે ત્યાં સુધી દેશનાં ભાગલા પડવા દેશે નહીં. જમ્મુ – કાશ્મીરમાં બે વડા પ્રધાનની માગણી કરીને પીડીપી અને નેશનલ કોન્ફરન્સ તેમજ અન્ય વિપક્ષો લોકોને દેશનાં ભાગલાની ધમકી આપી રહ્યા છે પણ મોદી છે ત્યાં સુધી આવું કશું થવા દેશે નહીં.
મોદીએ કહ્યું કે, હું મુફ્તી અને અબદુલ્લા પરિવારને જણાવવા માગું છું કે તમારે મને જેટલી ગાળો આપવી હોય એટલી આપો પણ આ મોદી ક્યારેય ડરતો નથી, ઝૂકતો નથી કે વેચાતો નથી. રાજ્યનાં ભલા માટે આ બંને પરિવારને રાજકારણમાંથી તગેડી મુકવાની મોદીએ મતદારોને અપીલ કરી હતી. મોદીએ કહ્યું કે આ બંને પરિવારનાં લોકો તેમના આખા પરિવારને ભાઈ, ભત્રીજા, ભાણેજ કે સાળા જેમને મેદાનમાં ઉતારવા હોય તેમને ઉતારે અને મોદીને જેટલી આપવી તેટલી ગાળો આપે પણ તમે આ દેશનાં ટુકડા કરી શકશો નહીં.
વિપક્ષો અલીગઢનાં તાળાં ખરીદવા મજબૂર બનશે
પીએમએ અલીગઢની રેલીમાં કહ્યું કે ચૂટણીનાં પરિણામો આવશે તે પછી વિરોધપક્ષોની ઓફિસોમાં અલીગઢનાં તાળાં લાગી જશે. મોદીનું મિશન આતંકવાદ અને ભ્રષ્ટાચાર હટાવવાનું છે. આતંકીઓને પાકિસ્તાનમાં ઘૂસીને મારવાનું છે. ગરીબીને હટાવવાનું છે.
હાથી સાઈકલ પર સવાર અને ચોકીદાર નિશાન પર છે
મોદીએ મુરાદાબાદમાં કહ્યું કે રાજકારણની બલિહારીથી આજે હાથી સાઈકલ પર સવાર છે અને ચોકીદાર નિશાન પર છે. દુનિયાના અનેક દેશોએ તેમનું સર્વોચ્ચ નાગરિક સન્માન ૧૩૦ કરોડ દેશવાસીઓને આપ્યું છે. મહામિલાવટના ઉમેદવાર બાબાસાહેબના નામે મત માગવા નીકળ્યા છે.
પાકિસ્તાનનાં અણુબોમ્બની હવા નીકળી ગઈ
મોદીએ પાક.ને આડે હાથ લેતા કહ્યું કે, છાશવારે અણુ યુદ્ધ અને અણુબોંબની ધમકી આપતા પાકિસ્તાનને આપણે તેમનાં ઘરમાં ઘૂસીને માર્યા. બાલાકોટમાં આતંકીઓ અને આતંકી કેમ્પનો સફાયો કર્યો એટલે પાકિસ્તાનનાં અણુબોંબની હવા નીકળી ગઈ. જમ્મુ અને બારામૂલામાં ભારે મતદાન કરીને લોકોએ આતંકીઓનાં આકા અને મહામિલાવટીઓને જડબાતોડ જવાબ આપ્યો છે. આ નવું હિંદુસ્તાન છે જે આતંકીઓને તેમનાં ઘરમાં ઘૂસીને મારશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post પાકિસ્તાન જો ત્રીજી વખત ભૂલ કરશે તો ભોંયભેગું થઈ જશે : મોદી appeared first on Sandesh.
from India – Sandesh http://sandesh.com/pakistan-a-third-time-b/
via Best Gujarati News
0 Comments