નરસિંહ મહેતાએ કહ્યું છે, વ્હોટ ઇઝ ધેર ઇન અ નેઇમ…?
લાફ્ટર કાફે :- હર્ષદ પંડયા ‘શબ્દપ્રીત’
ભલેને નરસિંહ મહેતાએ કહ્યું હોય – “વ્હોટ ઇઝ ધેર ઇન અ નેઇમ…?” પણ નામમાં ઘણુંય છે.
મારો બાળપણનો મિત્ર – અત્યારે ગુજરાતના એક મોટા શહેરની બે-ત્રણ શૈક્ષણિક સંસ્થાનો ટ્રસ્ટી છે. એનું નામ એ.બી. વાયડા છે. હા, એ.બી. વાયડા! આખું નામ તો ઓઘડદાસ ભાઈદાસ વાયડા છે. ઓઘડના પિતાએ એના એકના એક પુત્રનું નામ ઓઘડ શા માટે રાખ્યું હશે, એનો જવાબ તો ખુદ ઓઘડ પાસે નહોતો. હું એને ઘણીવાર કહેતો-ઓઘડ, તારું નામ બદલી નાખ. પણ એ તો કટ્ટર નામવાદી. કહેતો કે મરી જાઉં, પણ નામ ન બદલું!
તો બીજી બાજુ કો’ક છોકરી ઓઘડનો ફોટો જોઈને પહેલી જ નજરે પસંદ કરતી, પણ નામ સાંભળીને ભડકી જતી અને વટમાં આવીને કહી દેતી – મરી જાઉં, પણ ઓઘડ નામવાળા છોકરાને તો નહીં જ પરણું.
જોકે એ છોકરીઓની વાત આ સાચી જ હતી ને! પહેલી મૂંઝવણ તો એ જ થાય કે કંકોતરીમાં એવું છપાયેલું કેવું લાગે કે – અમારી સૌભાગ્યકાંક્ષિણી ચિ. ઢબુનાં લગ્ન ચિ. ઓઘડકુમાર સાથે નક્કી થયાં છે!
છેક સાડત્રીસમા વરસે અમારા ઓઘડનાં લગ્ન થયાં. કુંવારો અમેરિકા ગયો, અને થોડા વરસ પછી ભારતમાં આવ્યો ત્યારે એ પરણેલો હતો. ભારતમાં એનું ઠેકાણું ન પડયું માત્ર નામને કારણે. જ્યારે અમેરિકામાં એનું ઠેકાણું પડી ગયું, એ પણ ફ્ક્ત નામને કારણે જ!
એક સામાજિક પ્રસંગે મારે એને મળવાનું થયું. એની અમેરિકન પત્ની માર્થાને લઈને એ આવેલો. મારી બાજુમાં જ ઊભેલા ઓઘડને માર્થા બોલાવી રહી’તી – “ઓગ્ગાડ! વોટ અ ર્ચાિંમગ કન્ટ્રી ધીસ ઇન્ડિયા ઇઝ !”
ભારતીય છોકરીઓને ઓઘડ ન ગમ્યો, પણ અમેરિકન કન્યાએ ‘ઓઘડ’નું ‘ઓગ્ગાડ’ કરી નાખ્યું, અને ઓઘડની દુનિયા જ બદલાઈ ગઈ! જશવંતનું ‘જ્હોન’ થાય, મણિબહેનનું ‘મેગી’ થાય, તો અમારા ઓઘડનું ‘ઓગ્ગાડ’ કેમ ન થાય?
નામને કારણે તો ભલભલાનાં નસીબ બદલાઈ ગયાં છે. ગયા અઠવાડિયે જ એક સંબંધીના ઘરે નામકરણવિધિ નિમિત્તે મારે જવાનું થયું. બાળકના ફૈબાના ‘મરદ’ હસ્તે એક ડબામાંથી એક ચબરખી ઉપાડવાની હતી. ફૈબાએ તો ભ’ઈ ચિઠ્ઠી ઉપાડી – નામ નીકળ્યું – ‘જનક!’
પરિવારનાં સૌ ખુશ થઈ ગયાં, પણ બાળકની નવોદિત મમ્મી ખુશ ન થઈ. મેં પૂછયું કે તમને ‘જનક’ નામ પસંદ ન પડયું? ત્યારે એમણે કહ્યું, “નામ તો સારું છે, પણ… મારે એને લાડથી બોલાવવા હોય તો મુશ્કેલી થાય એમ છે.”
“હું કંઈ સમજ્યો નહીં.”
“વાત જાણે એમ છે,” એમણે મુશ્કેલી સમજાવતાં કહ્યું, “બહારથી મારે જનકને બોલાવવો હોય તો એવું તો હું કેવી રીતે કહી શકું કે – “ભ’ઈ, જનક! પપ્પા બોલાવે છે!”
જોયું ને, ભ’ઈ જનક પપ્પા, બોલાવે છે! ભ’ઈ જનક કહો કે ભયજનક કહો-વ્યક્તિ તો જે હશે એવી જ રહેવાની ને! માટે જ તો નરસિંહ મહેતાએ કેટલું સરસ કહ્યું છે કે – વ્હોટ ઇઝ ધેર ઇન અ નેઇમ?!
એક રાજકીય પક્ષના નેતા છે. એમના બંગલાને નામ આપ્યું છે – ‘કાતરમ્’! કોઈના બંગલાનું નામ ‘માતરમ્’ કે ‘શાન્તનમ્’ હોય, પણ આવું ‘કાતરમ્’ હોય? હોય! આ નેતાને સાઇડ બિઝનેસમાં કાતરનું કારખાનું ધમધોકાર ચાલે છે જેની કૃપાથી આ બગલાપતિ મોટા બંગલાપતિ બની શક્યા છે.
હમણાં હું વડોદરા ગયેલો. જેના ત્યાં મહાપરાણે ‘દેવોભવઃ’ બનીને રોકાયો હતો એના બંગલાનું નામ ‘જામલીલા’ હતું. કૃષ્ણલીલા કે રામલીલા જેવા શબ્દો તો સાંભળ્યા, પણ… જામલીલા? મને કંઈક વિચારતો જોઈને ઘરધણીએ પૂછયુંું, “કેમ, આમ ઢીલા થઈ ગયા છો?” મેં મારી મૂંઝવણ કહી ત્યારે એમણે મને સમજાયું કે વરસો પહેલાં દાદા શહેરમાં આંટો મારવા નીકળેલા. રસ્તામાં ટ્રાફ્કિ જામ થઈ જવાથી, બસને ટકરાઈ જતાં ત્યાં જ મૃત્યુ પામેલા. નગરપાલિકાએ વળતરરૂપે દસ લાખ રૂપિયા અમારા પરિવારને આપ્યા. એમની મીઠી યાદ રહે એ માટે એમાં બાકીના પૈસાની લોન ઉમેરીને અમે આ બંગલો બનાવ્યો છે, અને નામ રાખ્યું – ‘જામલીલા!’
સુરતના વરાછા રોડ વિસ્તારમાં એક નવોદિત શ્રીમંતે બંગલો બનાવ્યો. મને મળ્યા ત્યારે કહેવા લાગ્યા કે “કોઈ સારું નામ સૂચવોને…”
“લે…!” મારાથી પુછાઈ ગયું, “આ ઉંમરે…?”
“ઓહ…” એમણે સ્પષ્ટતા કરી, “તમે ઊંધું સમજ્યા… તમે સમજો છો એવું નથી! મારા બંગલાનું નામ શું પાડવું એ અંગે પૂછું છું.”
“એમ કહોને ત્યારે…” મેં ત્રણચાર નામ સૂચવ્યાં – ‘માતૃસદન’, ‘પિતૃસદન’ પણ એમને એક પણ નામ ગમ્યું નહીં. થોડા મહિના પછી એમનો ફેન આવ્યો :
“હેલો… પંડયાજી?”
“યેસ્સ…!” મેં કહ્યું.
“પછી મારા બંગલાનું નામ મળી ગયું!”
“કોણ? ઓહ… બંગલાપતિ?” મેં ઓળખ તાજી કરતાં કહ્યું.
“ના ભ’ઈ, બંગલાપતિ તો કેવું લાગે? જાણે બંગલાદેશનો રાષ્ટ્રપતિ હોઉં… હી…હી…હી…!” ફેન પર એ હસવા લાગ્યા.
“શું નામ રાખ્યું?” મેં પૂછયું.
“ ‘ઓલ ઓફ અ સડન’!” એમણે ધીરેથી પૂછયું, “કેવું લાગ્યું?”
“બહુ જ સરસ-પિતૃતસદન, માતૃસદન… એવું જ ઓલ ઓફ અ સદન!” પણ આટલું સુંદર નામ તમને સૂચવ્યું કોણે?”
“મારી વાઇફે! બે-અઢી વરસ પહેલાં એને ‘કૌન બનેગા કરોડપતિ’નું સાત કરોડ રૂપિયાનું ઈનામ મળ્યું-એમાંથી આ બંગલો થઈ ગયો – ઓલ ઓફ અ સડન!”
– જોયું, નરસિંહ મહેતાએ મનોમંથન પછી જ કહ્યું હશે ને કે – વ્હોટ ઇઝ ધેર ઇન અ નેઇમ!!
આ વાંચીને ઘણાંને થશે કે આ વિધાન તો શેક્સપિયરે કર્યું છે! એમને અમારે એટલું જ કહેવું છે કે ભ’ઈ, વ્હોટ ઇઝ ધેર ઇન અ નેઇમ?!
શુગરક્યુબ :
- સાહેબ, આ ૨૦૧૯ની ચૂંટણીમાં તમે આવાં તોતિંગ વચનો તો આપ્યાં, પણ એનો અમલ થશે?
- અરે ભાઈ, પહેલાં સત્તા પર તો આવવા દો!
sanskar@sandesh.com
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post નરસિંહ મહેતાએ કહ્યું છે, વ્હોટ ઇઝ ધેર ઇન અ નેઇમ…? appeared first on Sandesh.
from Sanskar – Sandesh http://sandesh.com/narasimha-mehta-has-said-is-va/
via Best Gujarati News
0 Comments